વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં પહોંચ્યા હતા. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ વખતે તેઓ એકદમ અલગ અંદાજમાં મળ્યા હતા. પીએમ મોદીએ હાથ જોડીને મેલોનીનું અભિવાદન કર્યું હતું. ભારત ‘આઉટરીચ રાષ્ટ્ર’ તરીકે G7 સમિટમાં ભાગ લઈ રહ્યું છે. મેલોનીના આમંત્રણ પર પીએમ મોદી ઇટાલી પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની અપુલિયામાં મળ્યા હતા. આ વખતે પીએમ મોદીએ ભારતની સાંસ્કૃતિક પરંપરા મુજબ હાથ જોડીને જ્યોર્જિયા મેલોનોનું અભિવાદન કર્યું હતું. આ પછી ઈટાલીના પીએમએ પણ વડાપ્રધાન મોદીનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્રીજી વખત પીએમ બન્યા બાદ મેલોની અને મોદીની આ પહેલી મુલાકાત છે. બંને નેતાઓ G7ની સાથે સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરવાના છે.
તમને જણાવી દઈએ કે જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર પીએમ મોદી ઈટાલીમાં ચાલી રહેલા 50મા જી7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા છે. G7 બેઠકમાં ભાગ લીધા બાદ PM મોદી ઈટાલીના વડાપ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ઇટાલી જતા પહેલા વડા પ્રધાને કહ્યું હતું કે વડાપ્રધાન મેલોનીની ગયા વર્ષે ભારતની બે મુલાકાતોએ અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિને ગતિ અને ઊંડાણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હિંદ-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહકારને મજબૂત કરવા અને વધારવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. વડા પ્રધાન ઘણી દ્વિપક્ષીય બેઠકો યોજે તેવી શક્યતા છે.
ભારત અને ઈટાલી બંને લોકશાહી દેશો છે અને ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. બંને દેશો કાયદાના શાસન, માનવાધિકારોના આદર અને સર્વસમાવેશક વૃદ્ધિ દ્વારા આર્થિક વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશોએ ગયા વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી પણ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2021માં જી-20 સમિટ માટે ઈટાલીની મુલાકાત લીધી હતી. ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોની માર્ચ 2023 માં ભારતની મુલાકાતે આવ્યા હતા. મેલોની જી-20 સમિટ માટે પણ ભારત આવ્યા હતા.
ભારત અને ઈટાલી આ ક્ષેત્રોમાં સહયોગ કરે છે
ભારત અને ઈટાલી સંરક્ષણ, ઉર્જા અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના અનેક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરે છે. પીએમ મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પણ ‘વ્યૂહાત્મક ભાગીદારી’ના સ્તરે ઉન્નત થઈ શકે છે. અગાઉ 2023માં G20 સંબંધિત બેઠકો માટે ઘણા ઇટાલિયન મંત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, નાણા, કૃષિ, શિક્ષણ અને સંસ્કૃતિ જેવા વિષયો પર વાતચીત થઈ હતી. ઇટાલિયન સેનેટ અને ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના સ્પીકર અને પ્રમુખોએ પણ ગયા વર્ષે P20 મીટિંગમાં હાજરી આપી હતી.