ગાંધીનગર: (Gandhinagar) કેરળમાં થયેલા બ્લાસ્ટને (Blast) પગલે દેશભરમાં પોલીસને (Police) સતર્ક કરી દેવામાં આવી છે. તેવામાં આવતીકાલથી વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેને લઈ ગુજરાતમાં પણ પોલીસ સહિત તમામ વિવિધ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
- તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક, ગુજરાતની સરહદો ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું
- અમદાવાદમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું કોમ્બીંગ
30 ઓક્ટોબરથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. બીજી તરફ કેરળમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનાને પગલે ગુજરાતભરમાં પોલીસને એલર્ટ કરવામાં આવી છે. સાથે જ પીએમના જે સ્થળો ઉપર કાર્યક્રમ યોજાનાર છે તે તમામ સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.
રાજ્ય પોલીસ ઉપરાંત એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવામાં લાગી છે. વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રવેશથી તમામ સરહદો ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોટા શહેરોમાં ખાસ કરીને ભીડભાળવાળી જગ્યાઓ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બીંગ શરૂ કર્યું છે.
પીએમના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અંબાજી, મહેસાણા, ગાંધીનગર, કેવડિયા સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ સુરક્ષા વધારી છે. સુરક્ષાને પગલે કોઈપણ જાતના ઇનપુટને હળવાશથી લેવામાં આવશે નહીં અને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
PM મોદી મહેસાણામાંથી 5950 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ગાંધીનગર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા 30મી ઓક્ટોબરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જેમાં 30 ઓક્ટોબર 2023ના રોજ તેમના હસ્તે ગુજરાતમાં 5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ, મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે. બીજા દિવસે 31મી ઓક્ટોબરના રોજ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. એકતાનગર ખાતે પીએમ મોદી કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 30મી ઓક્ટોબરના રોજ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં સવારે 11 વાગ્યે કાર્યક્રમ હાજરી આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાના વિકાસ કાર્યોને આવરી લેવાશે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત રેલવે વિભાગ અને GRIDEના પ્રકલ્પો, જળ સંસાધન વિભાગના વિકાસકાર્યો, પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યો, માર્ગ અને મકાન વિભાગના વિકાસકાર્યો, શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તા. 31મી ઓક્ટોબરના રોજ ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ 5 પ્રોજેક્ટ્સ, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ પ્રોજેક્ટ્સ, 100 કરોડના ખર્ચે બનશે વિઝિટર્સ સેન્ટર, એકતાનગર ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, 81 કરોડના ખર્ચે સહકાર ભવનનું નિર્માણનું લોકાપર્ણ કરાશે.