- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીતની યાદગીરીમાં સુરતના ઝવેરીએ 156 ગ્રામ સોનામાંથી નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. તેમાંય તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assemblye Election) ભાજપે ઐતિહાસિક વિજય (BJP Win) મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીના સમર્થકોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક 156 બેઠક પર જીત મેળવી હતી. આ શાનદાર જીતની ઉજવણીના ભાગરૂપે સુરતના એક જ્વેલરે (Surat Jeweler) અનોખું કાર્ય કર્યું છે. સુરતના ઝવેરીએ વિધાનસભાની 156 બેઠકોની જીતની યાદગીરી રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ (PM Modi Gold Statue ) બનાવી છે. આ મૂર્તિ બનાવવા માટે સુરતના ઝવેરીએ 156 ગ્રામ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે. મૂર્તિ આબેહૂબ નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ સમાન બનાવવામાં આવી છે.
ડાયમંડ સિટી સુરત ધીમે ધીમે હવે જ્વેલરી સિટી તરીકે નામના કમાઈ રહ્યું છે. સુરતના ઝવેરીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ઝવેરાત બનાવતા થયા છે, ત્યારે અવનવી ડિઝાઈનના ઘરેણાં બનાવી તેઓ પોતાની કલા સતત પ્રદર્શિત કરતા રહેતા હોય છે. આવા જ સુરતના એક જ્વેલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
સુરતની રાધિકા ચેઈન્સ નામની જ્વેલરી બ્રાન્ડ દ્વારા વડાપ્રધાનની સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ 156 બેઠકો જીત્યું તેથી 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાનની મૂર્તિ બનાવાઈ છે. આ મૂર્તિ બનાવવા માટે ઝવેરીએ 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે. આ મૂર્તિ બનાવવા પાછળ 3 મહિનાનો સમય લાગ્યો છે. 25 કર્મચારીઓએ સતત મહેનત કરીને નરેન્દ્ર મોદીની મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિની લંબાઈ 4.5 ઈંચ અને પહોળાઈ 3 ઈંચ છે. આબેહૂબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ જ તૈયાર કરાઈ છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
વડાપ્રધાનની સોનાની મૂર્તિ બનાવનાર રાધિકા ચેઈન્સના ઝવેરી બસંત બોહરાએ કહ્યું કે, પહેલાં વડાપ્રધાનની હાઈટ જેટલા ગ્રામ સોનામાંથી મૂર્તિ બનાવવાનો વિચાર હતો, પરંતુ બાદમાં ગુજરાત વિધાનસભાની ઐતિહાસિક જીતને વધાવવા માટે 156 ગ્રામ સોનામાંથી મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું હતું. બસંત બોહરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક અને તેમના નિર્ણયોના પ્રશંસક છે. રાજ્ય અને દેશના વિકાસ માટે નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોના વખાણ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વમાં વધી રહી છે. હું તેમનો ખૂબ મોટો પ્રશંસક છું. ગુજરાત વિધાનસભાની જીતને વધાવવા વડાપ્રધાનના માનમાં મૂર્તિ બનાવી છે.