નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર (budget session) ચાલી રહ્યું છે. વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે ખાસ બ્લુ જેકેટ (Blue jacket) પહેરીને સંસદ પહોંચ્યા હતા. જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ જેકેટ ખૂબ જ ખાસ છે. આ જેકેટ રિસાયકલ કરેલ PET પ્લાસ્ટિક બોટલમાંથી (recycling plastic bottles) બનાવવામાં આવ્યું છે. તેને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (Indian Oil Corporation) દ્વારા ઈન્ડિયા એનર્જી વીકમાં (India Energy Week) પીએમ મોદીને ભેટ (Gift) તરીકે આપવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે સોમવારે પીએમ મોદી કર્નાટકના બેંગલુરુમાં આયોજિત ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ જેકેટ પીએમ મોદીને ભેટમાં આપવામાં આવ્યું હતું. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 100 મિલિયન બોટલ રિસાઈકલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ જ જેકેટ પેટ્રોલ પંપ પર સહાયકોને આપવામાં આવશે.
જાણો કેવી રીતે બન્યું છે આ જેકેટ
પીએમ મોદીના આ ખઆસ જેકેટ માટે તમિલનાડુની કરૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સે કપડાને તૈયાર કર્યું છે. કંપનીએ ઈન્ડિયન ઓઇલને PET બોટલથી બનેલા 9 અલગ અલગ રંગના કપડા મોકલ્યા હતા. જેમાંથી પીએમ મોદી માટે ચંદનના રંગનું કપડું પસંદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ કાપડને ગુજરાતમાં પીએમ મોદીના ટેલર પાસે મોકલવામાં આવ્યું અને ત્યાર બાદ તેમણે આ જેકેટને તૈયાર કર્યું હતું આવા જેકેટ બનાવવા માટે 15 બોટલની જરૂર પડે છે. ત્યારે ફૂલ ડ્રેસ તૈયાર કરવામાં લગભગ 28 બોટલની જરૂર પડે છે. જેકેટ બનાવવા માટે સૌથી પહેલા ફાઈબર તૈયાર કરાય છે અને ત્યાર બાદ તેને ફેબ્રિકમાં ફેરવવામાં આવે છે અને છેલ્લે પોષાક બને છે. પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને બનાવવામાં આવતા જેકેટની બજારમાં કિંમત માત્ર 2000 રૂપિયા છે.
આજે બુધવારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. PM મોદી આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપશે. પરંતુ આ પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાનો મુદ્દો મૂક્યા હતો. આ દરમિયાન તેમણે અદાણી મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જે વ્યક્તિની સંપત્તિ અઢી વર્ષમાં 13 ગણી વધી છે. 2014માં 50,000 કરોડ હતી, 2019માં એક લાખ કરોડ થઈ ગઈ. અચાનક એવો કયો જાદુ થયો કે 12 લાખ કરોડ વધી ગયા. શું તે માત્ર મિત્રતાના કારણે છે? હિંડનબર્ગનો રિપોર્ટ છે જેને તેઓ (ભાજપ) સ્વીકારતા નથી. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ગરીબી, મોંઘવારી, બેરોજગારી, અદાણી અને અગ્નવીર યોજનાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મલ્લિકાર્જુન ખડગેના આરોપોનો જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ વિદેશી રિપોર્ટ્સ હિંડનબર્ગ રિપોર્ટની વાત કરી રહી છે. કોંગ્રેસની આ રીત છે. તેમણે કહ્યું, “હું સ્પષ્ટપણે કહું છું કે તેમના પોતાના નેતાઓ જે તેમને પૂછ્યા વગર કંઈ કરતા નથી, તેઓ જરા તેમની સંપત્તિ જુઓ કે 2014માં તેમના નેતાની સંપત્તિ કેટલી હતી અને આજે કેટલી છે.”