સુરત: (Surat) સુરત મનપા (Municipal Corporation) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ડુમસ દરિયા કિનારાની સફાઈ કરીને જન્મ દિવસ (Birthday) ઉજવાયો હતો. જોકે આ સફાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી રૂપે હતી કે નેશનલ ગેમ્સની તૈયારી રૂપે હતી તે ચર્ચાનો વિષય રહ્યો હતો. જોકે લોકો હોંશે હોંશે આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સફાઈ અભિયાનનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે સ્વચ્છતાના આગ્રહી એવા વડાપ્રધાનના જન્મદિવસે સ્વચ્છતાનું કાર્ય કરીને ઉજવણી કરાઈ રહી છે.
છેલ્લા ચાર મહિનામાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે ડુમસના દરિયા કિનારા પર કચરાના ઢગ ફેલાયા હતા. આવનારા સમયમાં અહીં નેશનલ ગેમ્સ રમાવાની હોવાને કારણે પણ અહીં સફાઈ કરવાનો પાલિકાનો ઉદ્દેશ્ય હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી સફાઈ અભિયાન તેમજ ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ અભિયાનની શરૂઆત કરવામાં આવી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. શહેરની જુદી જુદી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઈ હતી. સાથે જ પાલિકાના કર્મચારીઓ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.
બાળકો પણ જોડાયા સફાઈ અભિયાનમાં
વિવિધ સંસ્થાઓ અને મનપાના પ્રયાસો થકી આયોજિત સફાઈ અભિયાનમાં સ્થાનિક નાના બાળકો પણ જોડાયા હતા. બાળકોએ ડુમસ દરિયા કિનારે સફાઈ અભિયાનમાં ભાગ લઈ જાગૃત ભવિષ્યનો પુરાવો આપ્યો હતો. જણાવી દઈએ કે આ સફાઈ અભિયાન એક સપ્તાહ સુધી ચાલશે. ડુમસના દરિયા કિનારાને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવશે.
પાલિકાનું ઇકો ફ્રેન્ડલી અભિયાન
રાજ્યમાં રમાનાર 36માં નેશનલ ગેમ્સનું સમાપન સુરતમાં કરવામાં આવશે. સાથેજ સુરતમાં 4 રમતો રમાડવામાં આવશે. આ રમતો પૈકી 2 રમતો ડુમસના દરિયા કિનારે રમાડવામાં આવશે. જેને કારણે પાલિકા દ્વારા ડુમસના દરિયા કિનારાની સફાઈ શરૂ કરી છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાલિકા અને શહેરની જનતા મળીને સુરતમાં ઇકો ફ્રેન્ડલી અભિયાન ચલાવશે. જે અંતર્ગત ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો વપરાશ કરાય, ઇકો ફ્રેન્ડલી માહોલ રચવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવશે.
જણાવી દઈએ કે 36માં નેશનલ ગેમ્સો સુરતમાં ભવ્ય સમાપન સમારોહ યોજાશે. જેમાં નેશનલ ગેમ્સના તમામ વિજેતાઓ ઉપસ્થિત રહેશે. સાથેજ સુરતીઓ માટે સ્પોર્ટસ કાર્નિવલનું પણ પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 18થી 20 સપ્ટેમ્બર દરમ્યાન સુરતીઓ માટે મનપા દ્વારા એકથી એક ધમાકેદાર આયોજન કરાયા છે.