ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી તા.૧૭ અને ૧૮ જૂન-૨૦૨૨ના રોજ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન તા.૧૭ મી જુને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. તા.૧૮મી જૂન, શનિવારે સવારે ૯.૧૫ કલાકે પાવાગઢ (Pavagadh) ખાતે મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ ૧૧.૩૦ વાગ્યે સત વન (પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨:૩૦ કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે ને ‘પોષણ સુધા યોજના’નું વિસ્તરણ કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. જેમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ – બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રિ-ડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન દ્વારા ૮૯૦૭ આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.