ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાત માટે બુધવારે સાંજે અમદાવાદ વિમાની મથક ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ તેમનું સ્વાગત (Welcome) કર્યું હતું. ગાંધીનગરના (Gandhinagar) રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે. હત્વપૂર્ણ વાત એ છે કે, છેલ્લા બે મહિનામાં વડાપ્રધાનની આ ચોથી ગુજરાત મુલાકાત છે. 18મીએ સવારે વડોદરા જતાં પહેલા ગાંધીનગરમાં પોતાના માતા હિરાબાના 100માં જન્મદિને તેમને મળીને આશીર્વાદ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 18મી જુનના રોજ વડોદરા-પંચમહાલ જિલ્લામાં વિવિધ કામોના ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે. સવારે 11 વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચશે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ શિખર પર ધ્વજારોહણ કરશે. રૂપિયા 137 કરોડના ખર્ચે મંદિરના સમગ્ર સંકુલનાં વિકાસ કાર્યો થશે.
મોદી વડોદરા ખાતે રેલવે વિભાગના 16 હજાર કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.41 લાખ આવાસોના ખાતમુહૂર્ત અને ઈ- લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું લોન્ચિંગ કરાવશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વિવિધ વિભાગોના કામોના ખાતમુહૂર્ત અને ઈ- લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે જાહેર સભાને પણ સંબોધન કરશે. ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેનું તા. 18મીએ ભૂમિપૂજન કરશે. નવા કેમ્પસમાં એકસાથે 2500 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકશે.
નવા કેમ્પસમાં એકસાથે 2500 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકશે
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, ટેક્નિકલ શિક્ષણથી લઈને સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન સેક્ટર સુધી, શિક્ષણનો 360 ડિગ્રી વિકાસ કર્યો છે. થોડા મહિના પહેલા જ રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ આપણી નવી યુવા પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી તો આપશે જ, સાથે તે તેમને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે વિશાળ તકો પણ પ્રદાન કરશે.’ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રમાશંકર દુબેએ આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ સંપૂર્ણપણે રહેણાંક, ગ્રીન કેમ્પસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જ્યાં અઢી હજાર વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરી શકશે. યુનિવર્સિટીના નવા કેમ્પસનો મુખ્ય દરવાજો ગુજરાત રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિના પ્રતિક સમાન છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2023માં પૂર્ણ થશે.”
વડાપ્રધાન 660.26 કરોડ રૂપિયાના ખર્ચે પાણી વિતરણ પ્રોજેક્ટ પણ લોકોને સમર્પિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને ભૂમિપૂજન કરશે. તેમાં રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ દિવસે, પીએમ રૂપિયા 395.51 કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદઘાટન કરશે અને આશરે રૂ. 264.75 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કરશે, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના 16 લાખથી વધુ લોકોને મળશે. આ જળ વિતરણ પ્રોજેક્ટ્સમાં 6 Sewage Treatment Plant (STPs)ના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. આ STP ખેડા, મહેમદાવાદ, કંજરી, બોરસદ, ઉમરેઠ અને કરજણમાં સ્થાપવામાં આવ્યા છે. આ STPનો રાજ્યના 2 લાખથી વધુ લોકોને લાભ થશે. ગુજરાત માટે STP એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વચ્છ પાણી પર રાજ્યની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ છે.