ગાંધીનગર- વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસની ગુજરાત (Gujarat) મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે તા.30 સપ્ટેમ્બરે વડાપ્રધાન પવિત્ર યાત્રાધામ અંબાજીની મુલાકાત લેનાર છે. આ મુલાકાત દરમિયાન તેઓ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે, તેમજ અંબાજી માતાનાં દર્શન કરી ગબ્બરમાં યોજાનાર મહા આરતીમાં પણ ભાગ લેશે. વડાપ્રધાનની અંબાજી મુલાકાતને પગલે આખા અંબાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું મહત્ત્વ પણ વધી જાય છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત, ભાવનગર અને અમદાવાદમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમદાવાદના મોટેરા ખાતે 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અંબાજી ખાતે જશે. અંબાજીમાં અનેક યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. સાથે જ જનસભાને પણ સંબોધશે. તેમજ માં અંબાની પૂજા-અર્ચના કરી મહાઆરતીમાં પણ હાજરી આપશે. ત્યારબાદ તેઓ રાત્રે દિલ્હી જવા રવાના થશે.
મોદી આજે અંબાજીથી ગૌ માતા પોષણ યોજનાનો આરંભ કરાવશે
ગાંધીનગર : આવતીકાલે અંબાજીની મુલાકાત દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી ગૌ માતા પોષણ યોજનાનો આરંભ કરાવશે. રાજયમાં ગૌ માતા ગૌ વંશના નિભાવ માટે યોજના અમલમાં મૂકી છે, જેનો આરંભ પીએમ મોદી આવતીકાલે અંબાજીથી કરાવશે. આ યોજના હેઠળ ગૌ માતા તથા ગૌ વંશની નિભાવણી કરતી ગૌ શાળા તથા પાંજરાપોળને આર્થિક સહાય અપાશે.
ખાસ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તથા પાટણમાં પાંજરાપોળના સંચાલકો દ્વારા 500 કરોડની સહાય નહીં મળતા આંદોલન કરાયું છે.