ગાંધીનગર: રાજ્યમાં હાલમાં યુવા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી (Election) પંચ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં નવા નોંધાયેલા યુવા મતદારોને ભાજપ (BJP) તરફ આકર્ષવા માટે પ્રદેશ ભાજપના યુવા મોરચા દ્વારા આગામી તા.11મી સપ્ટે.ના રોજ અમદાવાદમાં (Ahmedabad) મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે. પીએમ મોદીનું આ આમંત્રણ સ્વીકારીને 11મી સપ્ટે.એ અમદાવાદ આવે તેવી સંભાવના છે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યના યુવા મતદારોને આકર્ષવા માટે પ્રદેશ ભાજપના યુવા મોરચો એક યુવા સંમેલન યોજવા આગળ વધી રહ્યો છે. 11મી સપ્ટેમ્બરે આ સંમેલન યોજાશે અને તેમાં ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ દ્વારા આ સંમેનલમાં એક લાખ કરતાં વધુ યુવાનોને એકત્ર કરવામાં આવનાર છે. આ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. ભાજપના આંતરીક સૂત્રોએ કહ્યું હતું કે જો કે હજી સુધી પીએમઓ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમની સ્વીકૃતિ મળી નથી પરંતુ ટૂંક સમયમાં મળી જશે.
વડાપ્રધાન તાજેતરમાં જ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે અમદાવાદ, ગાંધીનગર અને કચ્ચના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે સંગઠનના નેતાઓ અને મુખ્યમંત્રી સાથે ચૂંટણી સ્ટેટેજી અંગે ચર્ચાઓ કરી છે. રવિવારે રાત્રે પીએમ મોદીએ કમલમ કાર્યાલયની મુલાકાત લઈને ભાજપના કોર ગ્રુપના સિનિયર સભ્યો સાથે બેઠક કરી હતી એટલું જ નહીં કેટલીક બાબતો માટે સિનિયર નેતાગીરીને ટકોર કરી હતી. પીએમ મોદીએ સિનિયર નેતાઓ સાથે ડીનર પણ લીધું હતું.
વિવિધ વયજૂથના લોકોને આકર્ષવા માટે સંમેલનો યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે જેમાં મહિલા સંમેલન, યુવા સંમેલન, વિવિધ સમાજના સંમેલન સામેલ છે. પ્રદેશ ભાજપના સૂત્રોએ યુવા સંમેલન માટે અમદાવાદ અને વડોદરા અંગે વિચારણા કરી હતી પરંતુ અમદાવાદમાં આ સંમેલન યોજાશે તેવું જાણવા મળ્યું છે જેમાં એક લાખ વિદ્યાર્થીઓ કે જેઓ નવા મતદાર બની ચૂક્યાં છે તેઓ અને તેમની સાથે શિક્ષકો અને પ્રાધ્યાપકો પણ સમંલેનમાં ઉપસ્થિત રહશે.