Gujarat

વૃક્ષારોપણ થકી જ આપણે ભાવી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીશું : અમીત શાહ

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સમાંતર નારણપુરા, વેજલપુર, સાબરમતી, શિલ્પગ્રામ, સાણંદ, કલોલ અને ગાંધીનગરમાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પદાધિકારીઓ અને સરકારના અધિકારીઓ જોડાયા હતા.

ક્રિસંટ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ સમારંભમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે કહ્યું હતું કે વૃક્ષારોપણના કાર્યક્રમો ભલે નાના હોય, પરંતુ તેના પરિમાણો વ્યાપક હોય છે. આવા વૃક્ષારોપણ થકી જ આપણે આપણી ભાવી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીશું. આપણે વૃક્ષોનું જતન નહીં કરીયે તો સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ ખત્મ થઈ જશે. પીએમ નરેન્દ્ર મોદી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતાં તે વખતે ગુજરાતમાં ઈકોસિસ્ટમના સંવર્ધન માટે પગલા ભર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, માનવજીવન અને સૃષ્ટિ એકમેકના પર્યાય એ આપણી પ્રાચીન સંસ્કૃતિ રહી છે.પર્યાવરણની રક્ષા કરવી એ આપણા ધર્મ અને સંસ્કિૃતિમાં સ્થાપિત થયેલી વાત છે. જયારે કોઈપણ સંદેશ કર્તત્વ અને સંનિષ્ઠ પ્રયાસોથી પહોંચે તો તેનું આયુષ્ય ચિરંજીવી હોય છે. ભગવાન કૃષ્ણે પણ કહ્યુ છે કે વૃક્ષોમાં પીપળો છું. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનો પણ મહિમા રહેલો છે. તેનું કારણ એ છે કે બધા વૃક્ષોમાં સૌથી લાબુ આયુષ્ય ધરાવતું તે વૃક્ષ છે. જે સૌથી વધુ કાર્બન ડાયોકસાઈડ શોષે છે અને સૌથી વધુ પ્રાણવાયુ પણ પીપળો જ આપે છે. અમદાવાદમાં વૃક્ષારોપણ થકી જ ગ્રીન કવર વધારવામાં આવ્યું છે.

Most Popular

To Top