ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં બનાવેલા માસ્ક’ પહેરવા કહેવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે તેઓ ઘરમાંથી બહાર જઈ રહ્યા હોય.
ચહેરા અને મોંઢાના રક્ષણ માટે ઘરમાં બનાવેલા પ્રોટેક્ટીવ કવરના ઉપયોગ પર માર્ગદર્શિકા જારી કરતા સરકારે કહ્યું હતું આ પ્રકારના માસ્કનો ઉપયોગ કરવાથી મોટી સંખ્યામાં લોકોનું રક્ષણ કરવામાં મદદ મળશે અને અમુક દેશોએ સામાન્ય લોકો માટે ઘરમાં બનાવેલા ફેસ માસ્કથી લાભ હોવાનો દાવો કર્યો હતો. દેશમાં કોરોના વાયરસ કેસોની સંખ્યા 2900ને પાર ગઈ છે.
ભારત સરકારની માર્ગદર્શિકામાં કહેવાયું છે કે ઘરમાં બનાવેલા માસ્કના ઉપયોગથી સ્વચ્છતા જાળવી રાખવામાં મદદ મળશે. સરકારે સાથે જ ચેતવણી આપી હતી કે આરોગ્ય કર્મચારીઓ અથવા જેઓ કોવિડ-19ના દરદીઓની સારવાર કરી રહ્યા હોય અથવા તેમના સંપર્કમાં હોય અથવા દરદીના પોતાના માટે આ માસ્ક ઉપયોગી નથી તેમણે આ માટે આવતા વિશેષ માસ્ક પહેરવા જોઈએ.
‘સલાહ આપવામાં આવે છે કે જેમની તબિયત સારી છે અથવા જેમને શ્વાસ લેવામાં સમસ્યા હોય તેમણે હાથેથી બનાવેલા ફરીથી ઉપયોગ કરી શકાય તેવા માસ્ક પહેરવા જોઈએ, ખાસ કરીને જ્યારે તેઓ ઘરેથી બહાર જઈ રહ્યા હોય. આનાથી મોટી સંખ્યામાં લોકોનું રક્ષણ થશે’, એમ સરકારની માર્ગદર્શિકામાં કહેવાયું હતું.
તેમાં કહેવાયું હતું કે ભારતભરમાં જે લોકો ગીચ વિસ્તારમાં રહેતા હોય તેમણે માસ્ક જરૂર પહેરવું સાથે જ સોશિયલ ડિસ્ટેન્સીંગ પણ જરૂરથી જાળવી રાખવી.
સરકાર મુજબ માસ્ક માટેનું કપડું સારી રીતે ધોઈને ઉપયોગમાં લેવું અને માસ્ક અને મોંઢા વચ્ચે અંતર અથવા ખાલી જગ્યા રહેવી જોઈએ નહીં.