SURAT

સુરતમાં પહેલીવાર પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ, પતંગના દોરાથી પાંખ ગુમાવનાર કબૂતર ફરી ઉડશે

સુરતઃ માનવ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા સુરત શહેરમાં પહેલીવાર પક્ષીના અંગના ટ્રાન્સપ્લાન્ટની ઘટના બની છે. પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા કબૂતરની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. પતંગના દોરાના લીધે મૃત્યુ પામેલા કબૂતરની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરી કબૂતરને ઉડતું કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર સુરતના પાલ વિસ્તારમાં આવેલી બર્ડ્સ હોસ્પિટલમાં પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.

ઉત્તરાયણ દરમિયાન સુરતમાં પંતગની દોરીના લીધે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પાલ વિસ્તારમાં આવેલી બર્ડ્સ હોસ્પિટલમાં એક કબૂતરને પાંખ કપાયેલી હાલતમાં લાવવામાં આવ્યું હતું. તે ઉડી શકે તેવી સ્થિતિમાં ન હતું. દરમિયાન બર્ડ્સ હોસ્પિટલમાં એક મૃત્યુ પામેલું કબૂતર હતું. તબીબોએ તાત્કાલિક પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. મૃત કબૂતરની પાંખ ઈજાગ્રસ્ત કબૂતરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. તેને પગલે ઈજાગ્રસ્ત કબૂતર ફરી ઉડવા સક્ષમ બન્યું હતું.

સુરત માનવ અંગોના દાન અને ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રખ્યાત છે, પરંતુ પક્ષીના અંગનું દાન અને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તેવી પહેલી ઘટના સુરતમાં મકરસંક્રાતિના શુભ દિને બની હતી. દક્ષિણ ગુજરાતની પણ આ પહેલી ઘટના છે.

પક્ષીઓના નિષ્ણાત ડોક્ટર ડો. દિનેશ મોલ્યાએ કહ્યું કે, કબૂતરની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. પતંગના દોરાના લીધે કબૂતરની પાંખ કપાઈ ગઈ હતી. તે જ સમયે પતંગના દોરાથી મૃત્યુ પામેલું કબૂતર પણ આવ્યું હતું. તાત્કાલિક તેની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. ઈજાગ્રસ્ત કબૂતર ક્યારેય ઉડી ન શકે તેવી સ્થિતિમાં હતું. પરંતુ હવે તે ઉડી શકશે.
ડો. દિનેશ મોલ્યાએ વધુમાં કહ્યું કે બોર્ડ કટર વડે પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. પહેલાં કટર વડે પાંખ કાપવામાં આવી અને ત્યાર બાદ પીનની મદદથી ઈજાગ્રસ્ત કબૂતરના શરીર સાથે પાંખ જોડવામાં આવી છે. તેના લીધે હવે કબૂતર ફરી ઉડતું થશે.

Most Popular

To Top