મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમને કારણે અશ્લીલતાનો પ્રચાર અને વેપાર કરવો ખૂબ આસાન થઈ ગયો છે. કેટલાંક લોકો એવાં વિકૃત હોય છે કે નદીમાં સ્નાન કરતી મહિલાની કાયાને જોઈને પણ તેમને આનંદ મળે છે અને તેઓ તેની કિંમત ચૂકવવા તૈયાર થઈ જતા હોય છે. ભારતમાં ગ્રામિણ મહિલાઓ માટે આછાં વસ્ત્રો પહેરીને નદીમાં સ્નાન કરવામાં કોઈ સંકોચ હોતો નથી. સૌરાષ્ટ્રનાં તરણેતર મેળામાં તો જૂના જમાનામાં મહિલાઓ કમ્મરથી ઉપરનું વસ્ત્ર ધારણ કર્યા વગર કુંડમાં સ્નાન કરતી હતી.
તાજેતરમાં યોજાઈ ગયેલા કુંભ મેળા દરમિયાન કરોડો મહિલાઓએ ત્રિવેણીસંગમમાં સ્નાન કર્યું હતું અને ખુલ્લામાં કપડાં પણ બદલ્યાં હતાં. આવી મહિલાઓના ફોટાઓ અને વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આવા વિડિયો ફેસબુક, એક્સ અને યુટ્યુબ પર ઉપલબ્ધ હતા, એટલું જ નહીં, આવા વિડિયો ટેલિગ્રામની ચેનલો પર વેચાઈ રહ્યા છે. જ્યારે આ મામલો મિડિયામાં પ્રકાશમાં આવ્યો ત્યારે પોલીસે તેના પર કાર્યવાહી કરીને કેટલાંક લોકોની ધરપકડ પણ કરી છે. આ સમગ્ર મામલાએ ફરી એક વાર ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓની ગોપનીયતા અને તેમની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સંદર્ભમાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી ૨૭ વર્ષીય અમિત કુમાર ઝાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વિડિયો સોશ્યલ મિડિયા એપ ટેલિગ્રામ પર બે હજારથી ત્રણ હજાર રૂપિયામાં વેચાઈ રહ્યા હતા. આ વિડિયો ફેસબુક પર ‘મહાકુંભ ગંગા સ્નાન પ્રયાગરાજ’કેપ્શન સાથે અપલોડ કરવામાં આવ્યા હતા. મહિલાઓના વિડિયો વેચવાના અહેવાલો સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને કેટલીક ટેલિગ્રામ ચેનલો સામે કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસની સોશ્યલ મિડિયા મોનિટરિંગ ટીમને જાણવા મળ્યું કે મહાકુંભમાં સ્નાન કરતી અને કપડાં બદલતી મહિલાઓના વિડિયો કેટલાક પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. તાત્કાલિક આવા ૧૭ સોશ્યલ મિડિયા એકાઉન્ટ્સ ઓળખી કાઢવામાં આવ્યા હતા અને કુંભ મેળા પોલીસ દ્વારા તેમની સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતના રાજકોટના એક ક્લિનિકમાં ચેકઅપ માટે ગયેલી મહિલા દર્દીઓના વિડિયો પણ લીક થઈ રહ્યા હતા. આ વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા અને ટેલિગ્રામ પર વેચાઈ રહ્યા હતા. ગુજરાત પોલીસના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ) હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે આ વિડિયો એક મેટરનિટી હોમના સીસીટીવી હેક કરીને યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા.
આ વિડિયોના વર્ણનમાં ટેલિગ્રામ ચેનલની લિંક ઉમેરવામાં આવી હતી. કોઈએ તેમના સોશ્યલ મિડિયા એકાઉન્ટને X પર ટેગ કર્યું હતું અને તે એકાઉન્ટની તપાસ કરવાની વિનંતી કરી હતી. જ્યારે તેમણે વિડિયોની તપાસ કરી, ત્યારે તેમણે દર્દી અને ડૉક્ટરને ગુજરાતીમાં વાત કરતા જોયા, ત્યાર બાદ તેમની ટીમે બધી માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિની શોધ હજુ ચાલુ છે. તે બધા ટેલિગ્રામ ચેનલો દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. તેમણે હેકિંગ દ્વારા બધા વિડિયોનું જોડાણ બનાવ્યું હતું. આ કેસમાં બે હેકર્સની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ પણ મુસ્લિમ મહિલાઓ સાથે ઓનલાઈન હરાજી જેવી ઘટનાઓ સામે આવી છે. જુલાઈ ૨૦૨૧ માં સુલ્લી ડીલ્સ અને ૨૦૨૨ માં બુલ્લી બાઈ નામની ઓનલાઈન બિડિંગ ઘટનાઓ પર ઘણો હોબાળો થયો હતો. બુલી બાઈ અને સુલી ડીલ્સ નામની મોબાઇલ એપ્લિકેશનો પર સાનિયા સહિત ડઝનબંધ મુસ્લિમ મહિલાઓના ફોટોગ્રાફ્સનો ઉપયોગ તેમની સંમતિ વિના હરાજી કરવામાં આવ્યો હતો. આ બોલી ઓપન સોર્સ એપ ગિટહબ પર થઈ રહી હતી. આ એપ પર મુસ્લિમ મહિલાઓના ફોટા તેમની પરવાનગી વિના મોર્ફ કરવામાં આવી રહ્યા હતા અને ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. વિવિધ વ્યવસાયોમાંથી આવતી આ મહિલાઓમાં ઘણી એવી હતી જેમણે ન તો સોશ્યલ મિડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને ન તો કોઈ ખાસ ફોલોઅર્સ હતા. સાનિયાના મતે તેણીને ફક્ત એટલા માટે સમાવવામાં આવી હતી કારણ કે તે મુસ્લિમ હતી.
સોશ્યલ મિડિયા પર ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો કોઈ એપ પર મુસ્લિમ મહિલાઓની ખોટી કે બનાવટી હરાજી થાય તો તેનાથી શું ફરક પડે છે? સુલ્લી ડીલ્સ કેસમાં દિલ્હી પોલીસે મધ્ય પ્રદેશના ઇન્દોરથી ૨૫ વર્ષીય વેબ ડિઝાઇનર ઓમકારેશ્વર ઠાકુરની ધરપકડ કરી હતી. ઓમકારેશ્વર ઠાકુરે સ્વીકાર્યું હતું કે તેમણે આ એપ મુસ્લિમ મહિલાઓને હેરાન કરવા માટે બનાવી હતી. ઠાકુરે એ પણ ખુલાસો કર્યો હતો કે તે X પર એક જૂથનો ભાગ હતો જે મુસ્લિમ મહિલાઓને ટ્રોલ કરતો હતો. જ્યારે બુલ્લી બાઈ એપ કેસમાં મુંબઈ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આમાંથી બે લોકો ઉત્તરાખંડના હતા અને એક યુવકની બેંગલુરુથી અટકાયત કરવામાં આવી હતી. બુલી એપની ઘટના પછી મુસ્લિમ મહિલાઓએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે ધરપકડો થવા લાગી હતી.
મહાકુંભ અને ગુજરાતની ઘટનાઓએ ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. નિમિષ જી. દેસાઈએ કહ્યું કે સમય પસાર થવાની સાથે જાતિગત ભૂમિકાઓ સમાજમાં વધુ મજબૂત રીતે મૂળિયાં ફેલાવી રહી છે, જેના કારણે પુરુષોનું સ્ત્રીઓ પર પ્રભુત્વ હોવાની વિચારસરણીને પ્રોત્સાહન મળી રહ્યું છે. આધુનિક ટેકનોલોજીની મદદથી તેઓ સરળતાથી પોતાના વિચારોને અમલમાં મૂકી શકે છે અને ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ પાછળનું કારણ ફક્ત પૈસા કમાવાનું હોય છે. આ પ્રકારના ગુના માટે કોઈ કડક કાયદા નથી, જેના કારણે લોકોમાં ડર નથી. આ બાબતે મનોવૈજ્ઞાનિક કરિશ્મા મહેરાએ કહ્યું કે સમાજમાં લિંગ ભૂમિકાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેના કારણે સ્ત્રીને એક વસ્તુ તરીકે જોવામાં આવે છે. આ માનસિકતા સાથે પુરુષો સ્ત્રીઓ સાથેના પોતાના ખરાબ વર્તનને યોગ્ય માને છે અને પુરુષોના આ વર્તનને સમાજમાં પણ ખોટું માનવામાં આવતું નથી. ઘણી વખત પુરુષોનાં કાર્યો માટે સ્ત્રીઓને દોષી ઠેરવવામાં આવે છે, જેના કારણે પુરુષો સ્ત્રીઓ પ્રત્યે અસંવેદનશીલ બની જાય છે.
અન્ય સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ કરતાં ટેલિગ્રામ પર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેમ વધુ છે? તેનું કારણ એ છે કે ટેલિગ્રામમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે જેના કારણે સરકાર માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ટ્રેક કરવાનું મુશ્કેલ બને છે. વોટ્સએપ અને ફેસબુક જેવા અન્ય પ્લેટફોર્મની તુલનામાં ટેલિગ્રામ પર મોટાં જૂથોને ઓછા મોનિટરિંગ સાથે સરળતાથી ચલાવવાની મંજૂરી છે. ટેલિગ્રામ વપરાશકર્તાઓ માટે એકાઉન્ટ બનાવવાનું ખૂબ જ સરળ છે અને તે જ સરળતાથી કાઢી પણ શકાય છે, જેના કારણે કાયદા અમલીકરણ એજન્સીઓ માટે ગુનેગારોને ટ્રેક કરવાનું મુશ્કેલ બને છે. તેના પર ઘણાં ગેરકાયદેસર બજારો, છેતરપિંડી નેટવર્ક અને ઉગ્રવાદી જૂથો સક્રિય છે. ટેલિગ્રામ સરકાર સાથે ખૂબ જ મર્યાદિત રીતે સહયોગ કરે છે અને વપરાશકર્તાની ગોપનીયતાનો હવાલો આપીને ડેટા શેર કરવાની વિનંતીઓનો વિરોધ કરે છે. ટેલિગ્રામ દુબઈથી કામ કરે છે, જેના કારણે યુરોપિયન યુનિયન કે અમેરિકાની નીતિઓ આ એપ પર લાગુ પડતી નથી. ટેલિગ્રામ પર લાખો જૂથો અને ચેનલો છે, જેનું નિરીક્ષણ કરવું લગભગ અશક્ય છે.
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૫૦૯ હેઠળ મહિલાની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાના ગુનામાં ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો તમે કોઈ મહિલાની વાંધાજનક તસવીર કે વિડિયો બનાવો છો, તો તે ગુનાની શ્રેણીમાં આવે છે. સોશ્યલ મિડિયાનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો હોવાથી, આઈટી એક્ટની પણ ભૂમિકા મહત્ત્વની છે. જો કોઈ અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરે અથવા પ્રસારિત કરે તો IT એક્ટની કલમ ૬૭ હેઠળ સજાની જોગવાઈ છે. કલમ ૬૭ અને ૬૭A બે કલમો છે, જેના કારણે આવી સામગ્રી પ્રકાશિત કરી શકાતી નથી. આ કાયદો ફક્ત મહિલાઓના કિસ્સામાં જ નહીં, પરંતુ બાળકો અને અન્ય લોકોના કિસ્સામાં પણ લાગુ પડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
