કામરેજ: વેલંજાથી નવી પારડી જતી પિકઅપનું ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી બે બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.
- અંત્રોલી પાસે ટાયર ફાટી જતાં પિકઅપે ડિવાઇડર કુદાવી બે બાઈક-રાહદારીને અડફેટે લીધાં, ચારનાં મોત
- સીમાડાનાં પતિ-પત્ની, વરાછાના યુવાન અને એક રાહદારીએ જીવ ગુમાવ્યો, એક ઘાયલ
કામરેજના અંત્રોલી ગામની હદમાં હનુમાન દાદાના મંદિર પાસે વેલંજા-નવી પારડી રોડ ઉપર રવિવારે રાત્રે આશરે 7.30 કલાકે વેલંજા તરફથી આવતી મહિન્દ્રા બોલેરો પિકઅપ નં.(આરજે 19 જીએફ 8840)નું ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ ફાટી ગયું હતું. એ સાથે પિકઅપ ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર સામેથી આવતા હોન્ડા સાઈન પર સવાર દંપતી વિપુલ દાનસંગ ગોહિલ (ઉં.વ.38) અને ગીતાબેન (ઉં.વ.37) (બંને હાલ રહે., 37,નંદની રો હાઉસ, કુબેરનગર પાસે, સીમાડા, મૂળ રહે.,નોધવદર, તા.પાલીતાણા, જિ.ભાવનગર) તેમજ હીરો પેશન મોટરસાઈકલ નં.(જીજે 05 એલએસ 8609) ઉપર સવાર અજય અરજણ એરડા (ઉં.વ.25) (હાલ રહે.,કમલપાર્ક સોસાયટી, માતાવાડી પાસે, વરાછા, મૂળ રહે., બાલા, તા.કેશોદ, જિ.જૂનાગઢ) અને ભાવેશ લક્ષ્મણ ભરડા (ઉં.વ.30) (રહે., 226, કમલપાર્ક સોસાયટી, વરાછા) તેમજ રાહદારી વૃદ્ધને અડફેટે લીધાં હતાં. જેને કારણે દંપતી, અજય એરડા અને રાહદારી મળી કુલ ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ભાવેશ ભરડાને ઈજા થતાં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટનામાં પિકઅપ ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માત થતાં જ અંત્રોલીના લોકો મદદે દોડી આવ્યા હતા. વધુમાં મરનાર વિપુલ અને ગીતાબેન શનિવારે અન્ય પરિવાર સાથે ફાર્મ હાઉસમાં ગયાં હતાં. ત્યાંથી રવિવારે પોતાના ઘરે જતી વેળા કાળ ભરખી ગયો હતો.
બાઈક ચાલકો અને રાહદારીઓને અડફેટે લેનાર પીકઅપ વાનમાં ડ્રાઈવરની બાજુમાં એક અન્ય ઈસમ પણ હતો. અકસ્માતના લીધે રસ્તા પર ઠેરઠેર તબાહી દેખાતી હતી. બોલેરો પિકઅપ વાન આડી પડી હતી. બે બાઈકો રસ્તે પડી હતી. ઈજાગ્રસ્તો ઠેરઠેર પડ્યા હતા. 108 પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો. જે દંપતીનું મોત થયું તે શનિ-રવિની રજા અંત્રોલીના ફાર્મમાં માણી ઘરે પરત ફરી રહ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયા.