સુરતઃ (SURAT) વેસુ કેસમાં કમિ અજય તોમર ફિક્સમાં મૂકાઇ ગયા છે. તેમાં આ પ્રામાણિક અધિકારીએ એકશન લેતા હવે રાજકીય (POLITICS) માથાઓની અડચણનો સામનો કરવો પડી રહ્યો હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે. આમ આ આખા મામલે સરવાળે કેસનુ હેન્ડલિંગ ગાંધીનગરથી (GANDHINAGAR) થઇ રહ્યું હોવાની ચર્ચા છેડાઇ છે. વેસુ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસનો આરોપી અતુલ વેકરિયા નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થયા બાદ કોરોના પોઝિટીવ આવતા દાખલ કરાયો હતો. ગઈકાલે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સબજેલમાં ધકેલાતા આજે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.
શહેરના વેસુ ખાતે શિખર રેસિડેન્સીમાં રહેતો અતુલ બાબુલાલ વેકરિયા (ઉ.વ.43) એ ગયા મહિને દારૂના નશામાં ઉધના મગદલ્લા રોડ પર એસડી જૈન સ્કૂલની પાસે એક યુવતીને કચડી મારી હતી. ત્યારબાદ પોલીસની મહેરબાનીથી જામીનમુક્ત થયેલા અતુલ વેકરિયાની સામે કલમ 304 દાખલ કરવા બાબતે વિવાદ ઉઠયો હતો. જેને પગલે પોલીસે કોર્ટ સમક્ષ મંજૂરી માંગતા બાદમાં કલમ 304 દાખલ કરવામાં આવી હતી. કલમ 304 દાખલ કર્યા બાદ અતુલ વેકરિયા નાટ્યાત્મક રીતે પોલીસ શરણે હાજર થયો હતો. અતુલ વેકરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નવી સિવિલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ અતુલ વેકરિયાના રિમાન્ડ માંગ્યા વગર 18 એપ્રિલે ધરપકડ કરી સબજેલ મોકલી અપાયો હતો. દરમિયાન આજરોજ અતુલ વેકરિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
પીઆઇ ઝાલા સામે કાર્યવાહી કરતા અધિકારીઓ પણ ફફડે છે
ટોચના રાજકીય આગેવાનની ઓથને કારણે પીઆઇ ઝાલા સામે પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ મામલે સીધી સેટિંગબાજીની ભૂમિકા હોવાની પોલીસબેડામાં ચર્ચા છે ત્યારે હવે જે રીતે એકશન લેવામાં નથી આવી રહ્યા તે જોતા કમિશનર તોમરની હાલત પણ કફોડી થઇ ગઇ છે. કમિ. તોમરને આ મામલે અમે પૂછયુ તો તેઓએ જણાવ્યુંકે હાલમાં તેઓને આ કેસ વિશે કોઇ વિગત ખબર નથી.
પીએસઆઇ ચૌધરીને મલાઇદાર પોલીસ સ્ટેશન અપાયું
આ મામલે સૌથી મોટી શર્મનાક બાબત એ છે કે પીએસઆઇ ચૌધરીની બદલી કરવાનુ નાટક તો કરાયુ પરંતુ તેઓને મલાઇદાર જગ્યા પર શિફ્ટિંગ કરવામાં આવ્યુ છે. સચીન જીઆઇડીસી જયાનો હપ્તો લાખ્ખોમાં ગણાય છે આ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ ચૌધરીની બદલી કરવામાં આવી. આ આખા પ્રકરણમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ કોઇ કાર્યવાહી કરવાના મૂડમાં નથી. આમ સરવાળે પોલીસ બેડામાં રાજકીય દખલગીરી હોવાનુ સ્પષ્ટ ચિત્ર ઉપસ્યું છે.