ચકચારભર્યા વડોદરા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટરની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સ્વીટી પટેલની હત્યા પતિ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ કરી હોવાનો ખુલાસો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે.
શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડોદરાના એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચકચારી કેસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. સ્વીટી પટેલની હત્યા તેના પતિ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ ગળું દબાવી કરી હોવાનું અને લાશને સળગાવી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સ્વીટી પટેલ ગુમ થયાની ઘટનાને બે મહિના જેટલો સમય થવા છતાં કોઈ કડી હાથ ન લાગતાં આ સમગ્ર મામલાની તપાસ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસને સોંપી હતી. જેના પગલે શહેર ક્રાઈમ બ્રાન્ચે આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્વીટી પટેલ ગુમ થયાનો મામલો સંભાળી લેતાની સાથે જ તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈની ભૂમિકા શંકાસ્પદ હોવાનું ધ્યાને આવ્યું હતું, તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈના કરજણ ખાતેના નિવાસ્થાનનું પંચનામું કર્યા બાદ ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતાં. આ અંગે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈએ નાર્કો ટેસ્ટ કરાવવા માટેની તૈયારી દર્શાવી ન હતી, શારીરિક અને માનસિક કારણ આગળ ધરી ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારથી જ આ સમગ્ર કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ શંકાના દાયરામાં આવી ગયા હતા.
પોલીસની તપાસમાં ભરૂચના દહેજ નજીક એક મકાનમાંથી માનવ કંકાલ મળી આવ્યા હતાં. જે સ્થળ ઉપરથી માનવ કંકાલ મળી આવ્યા હતા તે જ સ્થળ ઉપર પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈના મોબાઇલનું લોકેશન પણ જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અજય દેસાઈની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા તે ભાંગી પડ્યા હતા અને તેમણે જ પત્ની સ્વીટી પટેલની હત્યા કરી લાશ સળગાવી દીધી હોવાનું કબૂલ્યુ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ ઈન્સ્પેકટર અજય દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બંનેને સાથે રાખવી શક્ય ન હોવાથી સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.
દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 5 જૂન 2021 ના રોજ સ્વીટી પટેલ ગુમ થયા ત્યારથી 14 જુલાઈ 2021 સુધીની સમગ્ર તપાસમાં સાંયોગિક પુરાવોના આધારે ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં 4 જૂને 2021ના રાત્રિના સમયે પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ તથા તેમના પત્ની સ્વીટી વચ્ચે લગ્ન સંબંધિત તકરારો થયેલી હતી. જેમાં ઉગ્ર ઝઘડો થતાં રાત્રિના લગભગ 12-30 વાગ્યે અજય દેસાઈ ખૂબ જ ઉશ્કેરાટ અને આવેશમાં આવી જઈ પત્ની સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી હતી, ત્યારબાદ આખી રાત પત્ની સ્વીટી પટેલનું મૃતદેહ પ્રાયોસા સોસાયટીના ઉપરના મકાનમાં આવેલા બેડરૂમમાં રાખી મૂક્યો હતો.
ત્યારબાદ 5મી જૂન 2021ને સવારે 11 વાગ્યાની આસપાસ જીપમાં સ્વીટીની લાશ ગાડીની ડીકીમાં મૂકી રાખીને 11-30 વાગે પોતાના સાળા જયદીપને સ્વીટી ગુમ થયાના સમાચાર આપ્યા હતા.
ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ પોતાના મિત્ર કિરણસિંહ જાડેજા કરજણવાળાની મદદ લઇ સાંજના 4 વાગ્યે કરજણ- આમોદ- વાગરાથી દહેજ હાઇવે પર અટાલી ગામના પાટિયા પાસે આવેલા કિરણસિંહ જાડેજાની બંધ હોટલના પાછળના ભાગે લાશને સળગાવી દીધી હતી.
આ સમગ્ર ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર અજય અમૃતભાઈ દેસાઈ તથા કિરીટસિંહ દોલુભા જાડેજા વિરુદ્ધ કલમ 302, 201, 114 મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.