સુરત : (Surat) શહેરમાં છેલ્લા થોડા દિવસથી ફરી કોરોનાનું (Corona) સંક્રમણ સતત વધી રહ્યું છે. શુક્રવારે પણ કોરોનાના કેસ વધીને એક જ દિવસમાં 18 નોંધાયા હતા. જે 18 કેસ નોંધાયા તેમાં 2 દર્દી એવા છે કે વિદેશથી (Foreign ) પરત આવ્યા છે. જે પૈકી વેસુ વિસ્તારમાં રહેતા અને કેનેડામાં (Canada) નોકરી કરતા ૫૧ વર્ષીય પુરૂષનો આરટીપીસીઆર (RTPCR) રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારના સાતેય સભ્યો સહિત તેના સંર્પકમાં આવેલા 23 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેમનો સેમ્પલ પણ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યો હતો. આ આધેડ 14મી ડિસેમ્બરના રોડ કેનેડાથી (Canada) નિકળ્યા હતા અને 15મીએ દિલ્હી એરપોર્ટ (Delhi Airport) ઉતર્યા બાદ તેના સસરા કલકત્તા હોવાથી ત્યાં ગયા હતા અને ત્યાંથી 21મી તારીખે મુંબઇ થઇને 23મીએ સુરત આવ્યા હતા. સુરત આવતા જ તેને માથાનો દુ:ખાવો અને કમજોરી જણાતા તેમનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેશનમાં (Isolation) રાખવામાં આવ્યા છે. આ દર્દીએ કેનેડામાં ફાઇઝરની (Pfizer) વેક્સિનના (Vaccines) બન્ને ડોઝ લીધા હોવાનું જણાવ્યું છે.
આવી જ રીતે યુ.કે. ખાતે અભ્યાસ કરતા અને પાર્લે પોઇન્ટ ખાતે રહેતા 21 વર્ષના યુવકને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી 20મી ડિસેમ્બરના રોડ લંડન (યુ.કે.)થી નિકળ્યા હતા અને 21મી તારીખે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાંથી સુરત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ નેગેટિવ આવ્યો હતો પરંતુ 22મી તારીખે તેને તાવ અને ખાંસીની તકલીફ થતા મનપાના સ્ટાફ દ્વારા ફરી RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા સારવાર માટે ખાનગી હોસ્પિ. ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓએ તો ફાઇઝરના બે ડોઝ ઉપરાંત ત્રીજો બુસ્ટર ડોઝ પણ લીધો છે. તેના સંપર્કમાં આવેલા તમામ ૨૧ લોકોનો ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ પણ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે
કોરોના પોઝિટિવ આવેલા અન્ય દર્દીઓ પૈકી 3 વ્યક્તિઓ અઠવા ઝોનના વેસુ વિસ્તારના હેપ્પી ગ્લોરીયસ એપાર્ટમેન્ટના છે. જેમાં 2 કેસ એક જ ઘરના છે. આ ઘરમાં અગાઉ પણ 2 કેસ નોંધાયેલા હોવાથી તેને ક્લસ્ટર જાહેર કરી દેવાયું છે. વરાછામાં ત્રણ, વરાછા બીમાં 1, રાંદેરમાં 4, અને અઠવા ઝોનમાં 10 કેસ મળી કુલ 18 કેસ નોંધાયા છે. અઠવા ઝોનમાં ફરીવાર દૈનિક દર્દીઓનો આંકડો બેકી સંખ્યા પર પહોંચ્યો છે.
ફાઉન્ટેન હેડ અને પીપી સવાણીના વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતાં વર્ગો બંધ કરવામાં આવ્યા
શહેરમાં વિદેશી આવતા લોકોની જેમ વિદ્યાર્થીઓમાં પણ ચિંતાજનક રીતે સંક્રમણ વધી રહ્યું છે. અઠવા ઝોનમાં ફાઉન્ટેન હેડ શાળામાં 02 વિદ્યાર્થીઓ, ૦1 શિક્ષક મળી કુલ ૦3 વ્યક્તિઓ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 14 વર્ષીય વિદ્યાર્થી (ધોરણ-૦9, રહેઠાણ-વેસુ) અને 14 વર્ષીય વિદ્યાર્થિની (ધોરણ-૦9,રહેઠાણ-વેસુ) તેમજ ગઇકાલે 46 વર્ષીય શિક્ષિકા (રહેઠાણ-વેસુ,અઠવા ઝોન) પોઝિટિવ આવ્યા હતા. તેથી શાળામાં ૧૨૩ વિદ્યાર્થીઓ અને ૨૪ સ્ટાફ મળી કુલ ૧૪૭ વ્યક્તિઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. ટેસ્ટ દરમ્યાન બીજા પોઝિટિવ કેસ મળ્યા નથી પરંતુ ૦૭ દિવસ સુધી ફાઉન્ટેન હેડ શાળાને બંધ કરાવવામાં આવી છે. ઉપરાંત પી.પી.સવાણી શાળામાં ૦2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતા અને એ.કે રોડ, તેમજ હીરા બાદ ખાતે રહેતા 15 વર્ષના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પી.પી.સવાણી શાળામાં પણ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મળી ૩૮૦ વ્યક્તિઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમજ તેમના વર્ગો બંધ કરાવવામાં આવ્યા છે.