સુરતમાં પેટ્રોલની કિંમત સદી વટાવી ગઈ છે. આજે ખાનગી પેટ્રોલપંપો પર પેટ્રોલની પ્રતિલિટર કિંમત 100 રૂપિયાથી વધારે જોવા મળ્યો હતો, જ્યારે સરકારી કંપનીઓની ડીલર્સશીપ ધરાવતા પેટ્રોલપંપ પર 99.94 અને 99.96ના ભાવ હતા. ડીલર્સના મતે ગુરૂવારે મધરાતે 12 વાગ્યાથી તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલની કિંમત 100ને વટાવી જશે.
છેલ્લાં ઘણા સમયથી પેટ્રોલ, ડીઝલ, ગેસની બોટલ અને હવે સીએનજીના ભાવમાં વધારાની બૂમ પડી રહી છે. મોંઘવારીએ મધ્યમવર્ગીય પરિવારોના બજેટને ડહોળાવી નાંખ્યું છે, ત્યારે સામી દિવાળીએ આજે પહેલાં નોરતાના દિવસે જ ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં તમામ પેટ્રોલપંપ પર 100 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે, જ્યારે સુરતમાં સરકારી ઓઈલ કંપનીઓની ડીલર્સશીપ ધરાવતા પેટ્રોલપંપ પર 99.94 અને 99.96નો ભાવ છે. એટલે કે 100થી માંડ 4-6 પૈસા ઓછા છે. ટેકનીકલી તો એક લિટર પેટ્રોલ પૂરાવવા માટે 100ની નોટ જ આપવી પડે. કારણ કે હવે 5 પૈસા ચલણમાં જ નથી, તેથી તે પરત મળે નહીં.
બીજી તરફ ખાનગી પેટ્રોલપંપ પર સરકારી પેટ્રોલપંપ કરતા 1 રૂપિયા વધારે જ ભાવ હોય છે, તે જોતાં શહેરના અનેક ખાનગી કંપનીઓના પેટ્રોલપંપ પર ઓફિશીયલી લિટરદીઠ પેટ્રોલની કિંમત 100ને વટાવી ચૂકી છે. ઘણા પેટ્રોલપંપ પર લિટરે પેટ્રોલનો ભાવ 100.11 નોંધાયો છે.
ક્રુડ ઓઈલમાં સતત વધારાના લીધે ત્રણ દિવસથી વધી રહ્યો છે ભાવ
ક્રુડ ઓઈલની કિંમતમાં સતત ઉછાળાના લીધે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે. ડીઝલની કિંમત પણ 98.83 એટલે કે 99 રૂપિયા થઈ જ ગઈ છે. હાલમાં ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ 81 ડોલરનો ભાવ છે.
એક્સાઈઝ ડ્યૂટી એક વર્ષમાં બે ગણી વધી
સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર સતત વધારવામાં આવી રહેલી એક્સાઈઝ ડ્યૂટીના લીધે પણ ભાવ વધી રહ્યાં છે. હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ 36 રૂપિયા જેટલી એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે, જે ગયા વર્ષે 2020માં માત્ર 13 રૂપિયા હતી. એક વર્ષમાં 19 રૂપિયાનો વધારો થયો છે, જે લોકો માટે અસહ્ય બની રહ્યો છે.
સુરતના અઠવા પેટ્રોલપંપના માલિક સુરેશ પટેલે કહ્યું કે, સુરત શહેર જિલ્લામાં 6.50 લાખ લિટર પેટ્રોલ અને 9 લાખ લિટર ડીઝલનો પ્રતિદિન વપરાશ છે. ઊંચી કિંમતના લીધે લોકોના બજેટ ખોરવાય છે, સ્વાભાવિક પણે જ પેટ્રોલ-ડીઝલના વેચાણ પર અસર પડે તેવી શક્યતા છે. જોકે, હાલ તો લોકો ખપપૂરતું પેટ્રોલ ભરાવવાનું વલણ રાખી રહ્યાં છે.