Comments

પેટ્રોલ ડિઝલના ભાવવધારા માટે જવાબદાર કોણ?

આંતરરાષ્ટ્રિય બજારોમાં કૃડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલ અને  ડોલરનો ભાવ 65 રૂપિયા હતો ત્યારે ભારતમાં પેટ્રોલ 73 રૂપિયે લીટરને  પાર થયું અને દેશભરમાં ભાવવધારાનો વિરોધ થયો. વિપક્ષોએ ભારત  બંધનું એલાન આપ્યું, જેની આગેવાની ભારતીય જનતા પાર્ટીએ લીધી હતી. 

અર્થશાસ્ત્રીઓ અને સત્તાવાળા બન્ને કહી રહ્યા હતા કે પેટ્રોલ-ડિઝલના ભાવ  આંતરરાષ્ટ્રિય પરિબળો, માંગ-પુરવઠાના નિયમો મુજબ થાય છે. આપણે  ઉદારીકરણ અને ખાનગીકરણ અપનાવ્યું છે. પેટ્રોલ-ડીઝલની કીંમત હવે  સરકાર નક્કી નથી કરતી, બજાર નક્કી કરે છે.

આ તમામ દલીલો વિપક્ષ અને પ્રજા માનવા તૈયાર ન હતાં. આ ભાવવધારાની અસર ચૂંટણી પરિણામો પર પણ પડી.

હવે 2021 માં આજે આંતર રાષ્ટ્રિય બજારમાં કૃડ ઓઈલનો ભાવ એક  બેરલના 61 ડોલર છે. એક ડોલરનો ભાવ 72 રૂપિયા જેટલો છે! અને  ભારતમાં પેટ્રોલ નેવુંથી સો રૂપિયે મળે છે તથા ડીઝલ પણ લગભગ તે જ  ભાવમાં એકાદ રૂપિયા વધ-ઘટમાં વેચાય છે.

આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પહેલાં બે પ્રશ્ન પૂછતા  હતા કે વડા પ્રધાન શ્રી મનમોહનસિંહજી અર્થશાસ્ત્રી છે તો ભાવવધારો (મોંઘવારી) રોકી કેમ નથી શકતા? અને ડોલર સામે રૂપિયો ગગડે છે તે  રોકી કેમ નથી શકતા. શક્ય છે આ બન્ને પ્રશ્નના જવાબ તેમણે મેળવી  લીધા હશે!

શું ખરેખર પેટ્રોલ ડીઝલના ભાવ હવે બજાર પરિબળો નક્કી કરે છે? શું  ખરેખર સરકારનો કીંમતો ઉપર કાબૂ નથી શું? સરકાર પાસે આવકનું  એકમાત્ર સાધન આ જ છે? શું આમાંથી થયેલી આવકથી શસ્ત્રો ખરીદાય છે?  આર્થિક વિકાસ થાય છે! શું ભાવ ઘટશે જ નહીં!

આપણે તમામ પ્રશ્નો અને લોકવાયકાઓને વાસ્તવમાં સમજવાનો પ્રયત્ન  કરીએ!

પહેલી વાત તો એ છે કે સરકારે પેટ્રોલિયમ પેદાશો સંપૂર્ણપણે બજાર આધીન  કરી જ નથી. માંગ અને પુરવઠાનાં બન્ને પરિબળો બજારમાં સ્વતંત્ર નથી.  ખરેખર તો માંગ સ્વતંત્ર છે અને પુરવઠા પર સરકારનો કાબૂ છે. સરકાર ઇચ્છે  તે જ કૃડની આયાત કરી શકે છે. વેચાણ તો સરકારે લાઈસન્સ આપ્યું હોય  તેવા પેટ્રોલપંપો પરથી જ થાય છે અને પુરવઠો સંપૂર્ણ સરકાર દ્વારા નિયંત્રિત  છે.

બીજી મહત્ત્વની વાત એ સમજવાની છે કે ભારત તેની કૃડ ઓઈલની જે માંગ  છે તેના 70% ની આયાત કરે છે. વળી ટેલનીકલી કૃડ ઓઈલ એટલે  જમીનમાંથી નીકળતો રગડો. જે બેરલમાં ભરીને વેચવામાં આવે છે. દેશ  તેની આયાત કરે.

પછી દેશની રિફાઈનરીમાં તે શુધ્ધ થાય. હવે કૃડ ઓઈલનું  રીફાઈનીંગ થાય એટલે તેમાંથી પેટ્રોલ, ડીઝલ, લેપ્થો, વેસેલીન જેલી વગેરે  તત્ત્વો જુદાં પડે. જે બધા જ વેચાય છે. આપણે 60 ડોલરનું એક બેરલ  ખરીદીએ તેમાંથી 100 લીટરથી 200 લીટર સુધી કૃડ ઓઈલ મળે! સરેરાશ  150 લીટર હોય છે. (જુદા જુદા દેશોના બેરલનું માપ જૂદું છે માટે) હવે  ધારો કે 150 લીટર કૃડ 60 ડોલરનું અને 1 ડોલર 70 રૂ| નો તો 1 બેરલ  આપણને 4200 રૂપિયામાં પડે.

જો 4200 રૂ|  ના બેરલમાં 150 લીટર કૃડ મળતું હોય તો 1 લીટર કૃડ  આપણને 28 રૂપિયામાં પડે.

ટૂંકમાં એટલું સમજો કે પેટ્રોલિયમ પેદાશો આપણને 1 લીટર 28 થી 35  રૂપિયામાં મળે છે. હવે જો પેટ્રોલ 30 રૂ નું હોય તો તેના પર 2014 માં 19  રૂપિયા કેન્દ્ર સરકારનો ટેક્ષ હતો. 14 રૂપિયા રાજ્યનો વેટ હતો. 3 રૂપિયા  પેટ્રોલ પંપનું કમિશન હતું માટે આપણે 66 રૂપિયામાં લીટર પેટ્રોલ મેળવતા  હતા. હાલમાં કેન્દ્રનો ટેક્ષ 36 રૂપિયા છે. માટે ભાવ એંસીએ પહોંચ્યો છે. તો  સ્પષ્ટ વાત છે. પેટ્રોલિયમ પેદાશના ભાવને ત્રણ પરિબળો અસર કરે. એક, કૃડ  બેરલનો ભાવ. બે, ડોલરનો ભાવ એટલે કે હુંડિયામણ દર અને ત્રણ કેન્દ્ર  તથા રાજ્ય સરકારના ટેક્ષ!

2014 માં કૃ઼ડ ઓઈલના આંતરરાષ્ટ્રિય ભાવ ઘટવાના શરૂ થયા હતા. 107  ડોલરનું બેરલ 40 ડોલરનું થયું હતું અને લગભગ બે વર્ષ સુધી તે 50  ડોલરથી નીચેના ભાવે વેચાયું હતું! જો બજાર વધઘટ મુજબ પેટ્રોલ-ડીઝલના  ભાવ ઘટતા-વધતા હોત તો વર્ષ 15 અને 16 માં આપણને સરકારે નીચા  ભાવે પેટ્રોલ-ડીઝલ વેચ્યું હોત પણ ના, સરકારના આર્થિક સલાહકારોએ તે  સમયે સરકારને સલાહ આપી કે એક્સાઈઝ ડ્યુટી વધારી દો અને ઘટેલા  ભાવનો લાભ પ્રજાને આપવાને બદલે સરકારની તિજોરીને આપો!

એ સમયે  સરકારની દલીલ હતી કે અગાઉની સરકારના ખાડા પૂરવા આ ટેક્ષ વધાર્યો  છે. સૌને એમ હતું કે અત્યારે ભાવ ઓછા છે ત્યારે સરકારે ટેક્ષ વધાર્યો છે  પણ પછી બેરલના ભાવ વધશે ત્યારે પાછો ટેક્ષ ઘટાડી દેશે! પણ ના.  સરકાર એક વાર જે ટેક્ષ વધારે  તે ઝડપથી ઘટાડી શકતી નથી અને પરિણામે  અત્યારે આપણે ઊંચી એક્સાઈઝ ડ્યુટીનો ભોગ બની રહ્યા છીએ! વળી  જી.એસ.ટી. આવ્યા પછી પણ પેટ્રોલ જી.એસ.ટી. અંતર્ગત આવતું નથી માટે  રાજ્ય સરકારો તેના પર વેટ વસુલે છે અને ઘણાં રાજ્યોમાં વેટના દર ખૂબ  ઊંચા છે. એટલે ગ્રાહકે લીટરે 12 થી 14 રૂપિયા વેટના ચુકવવા પડે છે!

પેટ્રોલ-ડીઝલની ચર્ચામાં એક વાત બધા જ ભૂલાવી દે છે તે એ છે કે પહેલાં  કેન્દ્ર સરકાર 19 રૂપિયા જેટલો ટેક્ષ વસુલતી હતી ત્યારે ક્રોસ સબસિડી હતી.  મતલબ ડીઝલ અને ગેસનો બાટલો સસ્તો આપવામાં આવતો  અને તેના  આપવામાં  આવતી સબસિડીને પેટ્રોલ પર ટેક્ષ  નાખીને વસુલવામાં આવતી હતી.

હવે ગેસના બાટલામાં સબસિડી બંધ થઈ  છે એટલું નહીં તેના ભાવ પણ વધારાયા છે. ડીઝલમાં સબસીડી બંધ થઈને  તેના ભાવ પેટ્રોલ જેટલા જ થયા છે. સરકારે લગભગ બધું જ બજાર પર  છોડ્યું છે. આપણે વર્ષો સુધી પેટ્રોલમાં લીટરે એક રૂપિયો એક્સપ્રેસ હાઈ વે  બાંધવા વસુલ્યો, સાથે વાહનો પાસેથી રોડ ટેક્ષ પણ ઉઘરાવ્યો અને છેલ્લે  ટોલટેક્ષવાળા રોડ પરથી પસાર થતાં એ જ વાહનોએ ટોલટેક્ષ પણ ભર્યો. 

આજે.જી.એસ.ટી.માં દસ લાખ કરોડથી વધારે આવક થઈ છે. આવકવેરામાં  ઘટાડો કર્યો નથી. ઉલ્ટાનું આવકવેરો ભરનારા 3 કરોડથી વધીને સાત કરોડ  થયા છે. સરવાળે સરકારને ખર્ચ ઘટ્યા છે. આવક વધી છે. તો પેટ્રોલ ડીઝલ  પર ટેક્ષ વધારવાની જરૂર કેમ પડે છે?

યાદ રહે 30% પેટ્રોલ તો ઘરનું જ છે! મોટાં શહેરોમાં હવે ગેસ પાઈપથી  અપાય છે. કૃડ ઓઈલની રીફાઈનરી ખાનગી છે અને એક બે મોટા વિક્રેતાને  પેટ્રોલ ડીઝલ વેચવાના ખાનગી પરવાના આવ્યા છે. સરકારી ભાવવધારાના  લાભ આ ખાનગી કંપનીને પણ મળે છે. વાચકને થાય કે ટેક્ષ તો સરકારને  જ મળે ને ખાનગી કંપનીને શું ફાયદો? તો મિત્રો પેટ્રોલ-ડીઝલ વેચવા માટે  પેટ્રોલ પંપના માલિકને કમિશન મળે છે. તે ટકામાં છે. પહેલાં તે 3% હતું હવે  4% છે. ટકા હંમેશા ભાવ મુજબ રકમ વધારે 10 રૂ| ભાવ હોય તો 4% લેખે  40 પૈસા મળે. તો 50 રૂ| ભાવ હોય તો 2 રૂપિયા મળે અને 75 ભાવ થાય  તો લીટરે 3 રૂપિયા મળે! વળી, ભેળસેળ, ઓછું આવતું… વગેરે  ભ્રષ્ટાચારમાં ભાવ વધે તેમ આવક વધે.

એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે 2014 સુધી કોંગ્રેસ અને સાથી  પક્ષો શાસનમાં હતા. એટલે પેટ્રોલ પંપોની ફાળવણી કોંગ્રેસ અને સાથી પક્ષના  લાગતા-વળગતામાં વધારે થઈ હોય! એટલે પેટ્રોલ પંપના માલિક તરીકે  ભાજપના શાસનમાં ભાવવધારાના લાભ કોંગ્રેસ અને સાથી પક્ષના લોકોને  જ મળે છે.

ટૂંકમાં કોઈ પણ ટેક્ષની સરકારને આવક ત્રણ મહિને કે વર્ષે થાય.  પેટ્રોલ-ડીઝલના ટેક્ષની આવક રોકડી- રોજેરોજની છે. કોઈ સરકાર આ  રોકડી આવક ગુમાવવા માંગતી નથી. કેન્દ્ર સરકાર 36 રૂપિયા પ્રતિ લીટરનો  ટેક્ષ ઘટાડીને 25 કરે તો પણ ગ્રાહકને 11 રૂપિયા જેવો નોંધપાત્ર ઘટાડાનો  લાભ મળે. પણ સરકાર આ લાભ આપવા માંગતી નથી! કાં તો અધિકારીઓ  સરકારને સાચી માહિતી આપતા નથી.

જો આ ભાવવધારો વેળાસર કાબૂમાં  લેવામાં નહીં આવે તો સરકારના જ ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમીના  સપનાને નુકસાન થશે! અને હા, આ નાણાંકીય આવક છે. શસ્ત્રો  ખરીદવાના આંતરરાષ્ટ્રિય સોદામાં તે કામ લાગે નહીં એટલે તેવા જુઠાણામાં  ભ્રમણામાં આવવું નહીં તે જાણ સારું.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top