દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા ઘણા દિવસથી રોજે રોજના ધોરણે સતત વધી ગયા છે અને કેટલાક શહેરોમાં તો પેટ્રોલનો ભાવ લિટરે ૧૦૦ રૂપિયાને પાર જતો રહ્યો છે. આ આવશ્યક ઇંધણોના ઉંચા ભાવની અસર વ્યાપક છે અને ખુદ વડાપ્રધાને તે બાબતે નિવેદન કરવું પડ્યું જેમાં તેમણે પોતાની ટેવ મુજબ જ દોષનો ટોપલો અગાઉની સરકારો પર ઢોળી દીધો. અગાઉની સરકારોએ આયાત પરની નિર્ભરતા ઘટાડવા કશું કર્યું નહીં.
તેથી આજે આટલા ઉંચા ભાવ સહન કરવા પડે છે તેવી તેમની વાત બહુ માનવા જેવી લાગે તેવી નથી. કઠોર વાસ્તવિકતા તો એ છે કે અગાઉ મનમોહન સરકાર વખતે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ બેરલ દીઠ ૧૦૮ ડોલર જેટલા ઉંચા હતા ત્યારે પેટ્રોલનો ભાવ લિટરે માત્ર રૂ. ૭૧ સુધી ગયો છે. જ્યારે કે આજે ક્રૂડનો ભાવ બેરલે ૬૩ ડોલર જેટલો જ છે છતાં દેશમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. ૧૦૦ની નજીક બોલાવા માંડ્યો છે! દેખીતી રીતે મોદી તે બાબતે મૌન છે. સાચી વાત તો એ છે કે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘીમે ધીમે કરીને ઘણી જ વધારી દીધી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પપથી ૬૦ ટકા જેટલા તો
વેરાઓ છે.
હાલમાં પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવો બાબતે દેશના નાણા મંત્રીએ ગોળ ગોળ વાતો કરીને સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કેવી રીતે કર્યો છે તે જોવા જેવું છે. પેટ્રોલ અને ડીઝલના વિક્રમી ઉંચા ભાવોની કાગારોળ વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ ઇંધણોની છૂટક કિંમત વાજબી સ્તર સુધી નીચે લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભેગા મળીને કામ કરવાની જરૂર છે.
છેલ્લા કેટલાયે દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે અને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તો કેટલાક સ્થળે પેટ્રોલના ભાવ રૂ. ૧૦૦ની સપાટીને પણ વટાવી ગયા છે અને દેશમાં અન્યત્ર પણ ઓલ-ટાઇમ હાઇ સપાટી પર ચાલી રહ્યા છે ત્યારે એ બાબતે ઘણો જ રોષ પ્રવર્તવા માંડ્યો છે કે પેટ્રોલની છૂટક કિંમતમાં ૬૦ ટકા જેટલો ભાગ તો કેન્દ્ર અને રાજ્યોના વેરાઓનો છે.
ડિઝલની કિંમતોમાં વેરાઓનું પ્રમાણ પ૬ ટકા જેટલું છે. ગયા વર્ષે વિશ્વભરમાં ઠેર ઠેર કોરોનાવાયરસના કારણે કડક નિયંત્રણો ચાલી રહ્યા હતા ત્યારે ક્રૂડ ઓઇલનો વૈશ્વિક ભાવ ઘણો નીચો ગયો હતો ત્યારે આ ભાવ ઘટાડાનો લાભ લોકોને આપવાને બદલે આ જ નાણા મંત્રીએ સરકાર વધુને વધુ લાભ લઇ શકે તે માટે પેટ્રોલ અને ડિઝલ પર વિક્રમી માર્જીન સાથે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વધારી હતી.
તેઓ હાલમાં પણ ગ્રાહકોને રાહત આપવા માટે આ ઇંધણો પર વેરા ઘટાડવા માટે પ્રતિબદ્ભતા આપવાથી દૂર રહ્યા હતા. નાણા મંત્રી સીતારમણે કહ્યું કે આ એક ઘણો ગુંચવાડાભર્યો મુદ્દો છે. હું જાણું છું કે મારા જવાબથી કોઇને સંતોષ થશે નહીં, આ બાબતમાં લોકોને એમ લાગશે કે હું જવાબ ટાળી રહી છું કે અન્યો પર દોષનો ટોપલો ઢોળી રહી છું એમ કહેતા તેમણે જણાવ્યું હતું કે ઓઇલ કંપનીઓ ઓઇલની આયાત કરે છે અને ઓપેક તથા તેના સાથીદારોએ કાર્ટેલિંગ કરીને ઓઇલનું ઉત્પાદન ઘટાડી દીધું છે.
તેથી ઓઇલની વૈશ્વિક કિંમતો વધી છે તેથી ભારતમાં છૂટક ભાવો વધ્યા છે. તેમણે કર ઘટાડવા અંગે સ્પષ્ટ જવાબ આપવાને બદલે કહ્યું હતું કે જીએસટી હેઠળ આ ઇંધણોને લાવવાથી ભાવ ઘટી શકે પણ આમ છતાં આની કોઇ પ્રતિબદ્ધતા તેમણે દર્શાવી ન હતી અને જણાવ્યું હતું કે વેરા બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વાતચીત કરવી જોઇએે.
પેટ્રોલ અને ડીઝલના આટલા ઉંચા ભાવો છતાં તેમના પરના વેરા ઘટાડવાની કેન્દ્ર સરકારની દાનત જણાતી નથી અને તે આ બાબતમાં લાળા ચાવ્યા કરે છે. કેન્દ્ર સરકાર કદાચ એ વિચારતી હશે કે રાજ્ય સરકારોએ પોતાના વેટ જેવા વેરાઓ ઘટાડવા જોઇએ પણ જંગી એક્સાઇઝ ડ્યુટી ઘટે નહીં તો ભાવમાં બહુ મોટો ફેર પડશે નહીં. હાલ નજીકના ભવિષ્યમાં તો પેટ્રોલ, ડીઝલના ભાવમાં દેશની જનતાને મોટી રાહત મળે તેવી આશા દેખાતી નથી.