સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયાં બાદ દેશના વિવિધ શહેરોમાં ભાવ નવી ઊંચાઇએ પહોંચ્યા હતા. સરકારી ફ્યુઅલ રિટેલરોના પ્રાઈસ નોટિફિકેશન મુજબ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 30 પૈસા અને ડિઝલના ભાવમાં 25 પૈસા વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના પગલે પેટ્રોલની કિંમત દિલ્હીમાં 87.60 રૂપિયા અને મુંબઈમાં 94.12 રૂપિયા થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડિઝલનો દર વધીને 77.73 રૂપિયા થઈ ગયો છે અને મુંબઇમાં ડિઝલનો દર અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ 84.33 પર પહોંચી ગયો છે.
રાજ્યસભામાં ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે સરકાર તેમની રેકોર્ડ ઊંચી સપાટીથી દરો ઘટાડવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા અંગે વિચારણા કરી રહી નથી. બુધવારે કોવિડ-19 રસીના વૈશ્વિક રોલઆઉટ વચ્ચે માગના દૃષ્ટિકોણમાં સુધારો કરવા પર આંતરરાષ્ટ્રીય તેલના ભાવ એક વર્ષ કરતા વધારે સમય દરમિયાન પ્રથમ વખત બેરલ દીઠ 61 ડોલરને પાર થતાં દરોમાં વધારો થયો છે, એમ તેમણે બુધવારે જણાવ્યું હતું. કેન્દ્રિય અને રાજ્ય વેરો પેટ્રોલના છૂટક વેચાણના ભાવમાં 61 ટકા અને ડીઝલના 56 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
મંગળવારે પણ ઇંધણ દર પ્રતિ લીટર 30 પૈસા વધ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં, પેટ્રોલના મામલે ભાવમાં લિટર દીઠ રૂ. 3.89 અને ડીઝલ પર રૂ. 3.86 નો વધારો થયો છે. સરકારી ઑઇલ કંપનીઓના વડાઓએ કહ્યું કે સરકારી કરના ઘટાડાથી ગ્રાહકોને રાહત મળી શકે છે. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં ઘટાડાને લીધે સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ધરખમ વધારવામાં આવ્યા બાદ માર્ચ 2020 ના મધ્યભાગથી છૂટક પેટ્રોલના દરમાં લિટર દીઠ રૂ. 18.01 નો વધારો થયો છે. ડીઝલના ભાવમાં રૂ.15.44 નો વધારો થયો છે.
ઇંધણનાં ભાવ વધતા બીપીસીએલના ચોખ્ખો નફામાં 120 ટકાનો વધારો
ઇંધણના વધતાં ભાવનું પરિણામ એ છે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) નો ચોખ્ખો નફો 2020-21ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 120 ટકા વધીને રૂ. 2,777.6 કરોડ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પેટ્રોલિયમને ઇંધણની કિંમતમાં વધારા પહેલા બાકી માલ પર નફાથી ફાયદો થયો છે. અગાઉ, કંપનીને 2019-20ના સમાન ક્વાર્ટરમાં 1,260.6 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.
બીબીપીસીએલના ડિરેક્ટર (ફાઇનાન્સ) એન વિજય ગોપાલે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજો ક્વાર્ટર નફો કરતા વધુ સારો રહ્યો છે. કોવિડ વેચાણના સંદર્ભમાં પાછલા સ્તર પર પાછો આવ્યો છે. અગાઉના બાકી ઇંઘણમાંથી કંપનીને રૂ. 771 કરોડનો નફો મળ્યો છે. નીચા ભાવે બળતણ તૈયાર કરવા માટે કંપનીએ ક્રૂડ તેલ ખરીદ્યું હતું, પરંતુ પાછળથી ભાવમાં વધારાને કારણે તેને વધુ કિંમતે વેચી દીધું હતું. આ સિવાય કંપનીને 76 કરોડ રૂપિયાનો ફોરેન એક્સચેન્જનો લાભ પણ મળ્યો છે.