દેશમાં આજે પેટ્રોલ અને ડિઝલના ભાવો નવી સર્વકાલીન ટોચે પહોંચી ગયા હતા. આ સપ્તાહે ચોથી વાર ભાવ વધારાયા હતા. આજે બેઉના ભાવમાં ફરી લિટરે 25-25 પૈસાનો વધારો ઝીંકાયો હતો. આના લીધે દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. 85.70 અને મુંબઈમાં 92.28 થયા હતા. દિલ્હીમાં ડિઝલના ભાવ લિટરે રૂ. 75.88 અને મુંબઈમાં લિટરે રૂ. 82.66 થયા હતા.
આજનો વધારો સતત બીજા દિવસે અને આ સપ્તાહે ચોથો વધારો થયો હતો. બધું મળીને આ સપ્તાહે લિટરે એક રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો.
સ્થાનિક વેચાણવેરો કે વેટના આધારે રાજ્યે રાજ્યે પેટ્રોલ-ડિઝલના ભાવો અલગ અલગ હોય છે. પણ હવે સમગ્ર દેશમાં આ ભાવ આસમાને-નવી ટોચે પહોંચી જતા ગ્રાહકો પર બોજો ન પડે એ માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા માટેની માગ હવે ઉગ્ર બની છે.
ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ સપ્તાહના આરંભે ઓઇલના ભાવવધારા માટે સાઉદીએ ઓઇલ ઉત્પાદનમાં કાપને દોષ દીધો હતો પણ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા અંગે મગનું નામ મરી ન પાડ્યું હતું.ટોચના ઓઇલ એક્સ્પ્લોરર સાઉદી અરેબિયાએ ફેબ્રુઆરી અને માર્ચમાં વધારાના 10 લાખ બેરલ સ્વૈચ્છિક ઉત્પાદન કાપની જાહેરાત કરી છે એના લીધે કોરોના મહામારી ફાટી ત્યારબાદના ઊંચા સ્તરે ઓઇલના ભાવો પહોંચી ગયા છે.
એક મહિનો ભાવ સ્થિર રહ્યા બાદ ઑઇલ માર્કેટિંગ કંપનીઓ આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલએ 6 જાન્યુઆરીએ દૈનિક ભાવવધારો ફરી શરૂ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવ લિટરે 1.99 અને ડિઝલના 2.01 વધી ગયા છે. અગાઉ પેટ્રોલ અને ડિઝલના ભાવ 2018ની 4 ઑક્ટોબરે ટોચે પહોંચ્યા હતા. એ વખતે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં લિટરે 1.50 રૂપિયાનો ઘટાડો કરેલો અને ઑઇલ કંપનીઓએ વધુ એક રૂપિયા ભાવ ઘટાડેલો જે તેમણે બાદમાં વસૂલી લીધો હતો.અત્યારે ડ્યુટી કાપના હજી કોઇ સંકેત જણાતા નથી.
પેટ્રોલ પર લિટરે 33 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી
પેટ્રોલ પર હાલ લિટરે 32.98 અને ડિઝલ પર લિટરે 31.83 રૂ. એક્સાઇઝ ડ્યુટી છે. કોરોના લૉકડાઉન વખતે સરકારે ઘટાડાનો લાભ આપવાના બદલે 2020ની છ મેએ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂ, અને ડિઝલ પર 13 રૂ. વધારી દીધી હતી.મોદી મે 2014માં પીએમ બન્યા ત્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.41 હતો અને મુંબઈમાં 80.