Editorial

પર્સિયા એટલે ઇરાન મૂળ તો પારસીઓનો દેશ છે તેના પર કબજો કરી લેવામાં આવ્યો હતો

પશ્ચિમમાં ઈરાન અંગેની રાજકીય નીતિની વાત આવે ત્યારે ‘આપણી’ અને ‘તેમની’ વિચારધારાની વાત કેન્દ્રમાં રહે છે. સાથે જ યુરોપ અને અમેરિકાની ઓળખ અને મૂલ્યો માટે મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મની માન્યતાઓને જ ધ્યાને લેવાતી આવી છે. આમ છતાં એક પ્રાચીન ધર્મ – જે આજે પણ પાળવામાં આવી રહ્યો છે, તેના આધારે જ પશ્ચિમના માની લેવાયેલાં આદર્શો, સિદ્ધાંતો અને સાંસ્કૃતિક પરંપરાઓ ઘડાયેલાં હોય તેવું લાગી શકે છે અને આ ધર્મનાં મૂળિયાં ઈરાનમાં જ હતાં. જરથોસ્તના આગમન પહેલાં ફારસી લોકો જૂના ઈરાનો-આર્યન ધર્મ પ્રમાણેના દેવતાઓની પૂજા કરતા હતા. તેના જ એક હિસ્સા તરીકે ઇન્ડો-આર્યન ધર્મ હતો જે આગળ જતાં હિન્દુ ધર્મ કહેવાયો. અત્યારે ભલે પેલેસ્ટાઇન પર યહુદીઓએ કબજો કરી લીધો છે તેવી વાત ઇરાન કહી રહ્યું હોય પરંતુ સાચી હકીકત એ છે કે, ઇરાન મૂળ તો પારસીનો દેશ છે. તેમના ધર્મના રક્ષણ માટે તેમણે દેશ છોડવો પડ્યો હતો.

જરથોસ્તે જુદા જુદા દેવતાઓની પૂજાનો વિરોધ કર્યો અને કહ્યું કે માત્ર એક જ ઈશ્વર અહૂર મઝદ – ડહાપણના દેવની પૂજા થવી જોઈએ. તેમના આ ઉપદેશથી ઈરાની અને ભારતીય આર્યો વચ્ચે એક ફાંટો પડ્યો અને એટલું જ નહીં, દુનિયામાં પ્રથમ વાર તેમણે માત્ર એક જ ઈશ્વરને પૂજવાની વાત કરી. જોકે એક જ ઈશ્વર અથવા એકેશ્વરવાદ એ કંઈ એક માત્ર એવો સિદ્ધાંત નથી, જે જરથોસ્તીમાંથી અન્ય ‘ત્રણ મોટા’ ધર્મોમાં પ્રસર્યોઃ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ. સ્વર્ગ અને નરકની કલ્પના, કયામતનો દિવસ, દેવદૂતો અને દુષ્ટ તત્ત્વો આ બધી જ બાબતો જરથોસ્તી ધર્મમાંથી આવી છે.શયતાનની જે કલ્પના કરવામાં આવી છે, તે પણ મૂળભૂત રીતે જરથોસ્તી ધર્મની છે.

હકીકતમાં જરથોસ્તી અથવા પારસી ધર્મના પાયામાં જ શુભ એવાં દૈવી તત્ત્વો અને દુષ્ટ એવાં શયતાની તત્ત્વો વચ્ચેનો સંઘર્ષ રહેલો છે. પ્રકાશ અને શુભ તત્ત્વોના દેવ અંધકાર અને દુષ્ટ તત્ત્વોના વડા અહરીમન સામે લડે છે અને લડાઈમાં માણસ ભલે કોઈનો પણ પક્ષ લે, પરંતુ આખરી વિજય તો ઈશ્વરનો જ થવાનો છે અને તેથી નરકની આગમાં જવાનો શાપ જેના પર હતો, તેમને પણ આખરે સ્વર્ગ (પેરેડાઇઝ જે જૂનો ફારસી શબ્દ છે) મળશે.

જરથોસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અબ્રાહમ પરંપરાના ધર્મો અને અન્ય સંસ્કૃતિમાં કેવી રીતે ફેલાયા? વિદ્વાનોના જણાવ્યા અનુસાર ફારસી સમ્રાટ સાયરસ ધ ગ્રેટ દ્વારા બેબીલોનના યહૂદીઓને મુક્ત કરાવાયા તે પછી તેમની વચ્ચે આ વિચારો પ્રવર્તમાન બન્યા હતા. તેમાંથી મુખ્ય યહૂદી પરંપરામાં તે વિચારો ઊતર્યા અને તેમાંથી જ બીલ્ઝેબબ જેવાં પાત્રો પણ આવ્યાં. અકેમનિડ સામ્રાજ્ય ફેલાયું અને ગ્રીકના વિસ્તારો પણ તેના કબજામાં આવ્યા ત્યારે ત્યાંની ફિલોસોફી પર પણ તેની અસર થઈ.

અત્યાર સુધી ગ્રીક લોકો એવું માનતા હતા કે મનુષ્યના હાથમાં કશું નથી અને જુદા જુદા દેવતાઓના ભરોસે જ તેમણે રહેવાનું હોય છે. જરથોસ્તી ધર્મ ઈરાનનો રાજધર્મ બન્યો હતો અને અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ફારસીઓ જઈને વસ્યા ત્યાં (અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન અને મધ્ય એશિયામાં) પણ તેનું પાલન થતું હતું. પરંતુ આજે ઈરાનમાં જરથોસ્તીઓ લઘુમતીમાં આવી ગયા છે અને દુનિયામાં પણ તેનું પાલન કરનારા (પારસી જેવા લોકો)ની સંખ્યા પણ બહુ ઓછી રહી ગઈ છે.

જોકે આ ધર્મની સાંસ્કૃતિની વાત જુદી છે. આજે પણ જરથોસ્તી પરંપરાઓ ઈરાનમાં અને અન્યત્ર દેખાઈ આવે છે અને ખાસ કરીને પશ્ચિમ યુરોપમાં તેની અસરો દેખાઈ આવે છે. દાન્તેએ ડિવાઇન કૉમેડી લખી તેની સદીઓ પહેલાં અરદ વિરફ મહાકાવ્ય લખાયું હતું, જેમાં સ્વર્ગ અને નરકની યાત્રાનું વર્ણન આવે છે. શું દાન્તેએ જરથોસ્તી પરંપરા પ્રમાણે સ્વપ્નમાં સ્વર્ગ અને નરકની યાત્રા કરનારા આ પ્રવાસીની કથા વિશે વાંચ્યું હશે? દસમી સદીમાં આ મહાકાવ્યનું આખરી સ્વરૂપ તૈયાર થયું હતું. આ બંને ગ્રંથો વચ્ચેની સમાનતા ધ્યાન ખેંચે એવી છે, પણ આપણે માત્ર ધારણા જ બાંધી શકીએ છીએ.

જોકે અન્ય બાબતોમાં જરથોસ્તી અસરો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. રાફેલે 16મી સદીમાં સ્કૂલ ઑફ એથેન્સ ચિત્ર દોર્યું છે, તેમાં જરથુષ્ટ્રને હાથમાં ચમકદાર પૃથ્વીનો ગોળો ધારણ કરેલા દેખાડેલા છે. 17મી સદીના પાછલા હિસ્સામાં અને 18મી સદીની શરૂઆતમાં જર્મનીમાં ક્લેવિસ આર્ટિસે અલકેમી વિશે ગ્રંથ લખ્યો છે તે જરથુષ્ટ્રને સમર્પિત કર્યો છે. તેમાં ખ્રિસ્તી થીમ સાથે અનેક બાબતોમાં જરથુષ્ટ્રને દર્શાવ્યા છે. લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિસન સ્ટડીઝનાં ઉર્સુલા સિમ્સ-વિલિયમ્સ કહે છે, (ખ્રિસ્તી યુરોપમાં) ઝોરોસ્ટર ‘જાદુના દેવતા, ચિંતક અને જ્યોતિષ તરીકે ઓળખાવાતા રહ્યા છે, ખાસ કરીને રેનેસાંસ પછી.’

આજે કોઈ ઝદિગ એવું બોલે એટલે તેના પરથી ફ્રેન્ચની મશહૂર ફૅશન બ્રાન્ડ ઝદિગ ઍન્ડ વૉલ્તેર યાદ આવે. આ બ્રાન્ડ નીચે ફૅશનેબલ વસ્ત્રો તૈયાર થાય છે તે જરથુસ્તી પદ્ધતિનાં નથી, પરંતુ તેની પાછળની કથા ચોક્કસ જરથોસ્તી પરંપરાની છે. વૉલ્તેરે 18મી સદીના મધ્યમાં ઝદિગ લખ્યું હતું, જેમાં પોતાના નાયકનું નામ પર્શિયન ઝોરોસ્ટ્રિયન પરથી રાખ્યું છે. આ હીરો અનેક પરાક્રમો કરે છે અને છેલ્લે બેબિલોનની કુંવરીને પરણે છે.

આ હીરો આમ પાછો મનમોજી છે અને તેની પાછળ કોઈ નક્કર ઇતિહાસ નથી, પરંતુ વૉલ્તેરે આ પ્રકારની કથા લખી તેની પાછળ ઈરાન માટેનો પ્રભાવ છે. એન્લાઇન્ટમેન્ટના એ યુગમાં અન્ય લેખકો અને અગ્રણીઓ પણ ઈરાનમાં આ પ્રકારે જ રસ ધરાવતા હતા. વૉલ્તેર ઈરાની સંસ્કૃતિથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમના મિત્રવર્તુળમાં સૌ કોઈ તેમને ‘સાદી’ તરીકે બોલાવતા હતા. ગટેએ પોતાનું વેસ્ટ-ઇસ્ટ દીવાન પુસ્તક ફારસી કવિ હાફિઝને અર્પણ કર્યું છે, તેમાં પણ જરથોસ્તી કથાવસ્તુ ધરાવતું એક પ્રકરણ છે. થોમસ મૂરે પોતાના પુસ્તક લાલા રૂખમાં ઈરાનના જરથોસ્તીઓની દુર્દશાની વ્યથા વ્યક્ત કરી છે.

માત્ર પશ્ચિમ પર અને તેના સાહિત્ય પર જ જરથોસ્તી પરંપરાની અસર થઈ છે એવું નથી, યુરોપના મંચ પર રજૂ થતી સંગીતમય નાટિકાઓ પર પણ તેની અસર દેખાતી રહી છે. મોઝાર્ટના ધ મૅજિક ફ્લ્યૂટમાં સારાસ્ત્રો નામનું ધાર્મિક અગ્રણીનું પાત્ર છે તે ઉપરાંત આ નાટિકામાં પ્રકાશ વિરુદ્ધ અંધકાર, અગ્નિ અને જળની પરીક્ષા, ડહાપણનો શોખ અને સૌથી અગત્યની છે ભલાઈ વગેરે જેવી જરથોસ્તી ધર્મની પરંપરાને વણી લેવામાં આવી છે. ફારોખ બલસારા એટલે કે ફ્રેડી મર્ક્યુરી પણ હંમેશાં પોતાના પારસી જરથોસ્તી પરંપરાનું ગૌરવ કરતા હોય છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “હું હંમેશાં પર્શિયન પોપિજન્ય (વરણાગી)ની જેમ જ મહાલતો રહીશ અને મને કોઈ રોકી શકશે નહીં!”

તેમનાં બહેન કાશ્મીરા કૂકે પણ 2014માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘અમે ઝોરોસ્ટ્રિયન છીએ તે બાબતનું અમને પરિવાર તરીકે બહુ જ ગૌરવ છે. મને લાગે છે કે અમારી પંરપારને કારણે જ તેને (ફ્રેડીને) સખત મહેનત, ધીરજ અને સપનાને સાકાર કરવાની પ્રેરણા મળી છે.’ સંગીતની બાબતમાં જરથોસ્તી અસરનું સૌથી વધુ સારું ઉદાહરણ રિચર્ડ સ્ટ્રૉસના ધસ સ્પોક જરથુષ્ટ્રમાં મળે છે. સ્ટેન્લી કુબ્રીકે 2001માં અ સ્પેસ ઓડિસી બનાવ્યું તેમાં સ્ટ્રોસની આ રચનાનો જ મુખ્યત્વે આધાર લેવાયો હતો. એ જ રીતે નિત્શેની આ જ નામે થયેલી રચના માટે પણ આ જ પ્રેરણાસ્રોત રહ્યો છે, જેમાં પણ જરથુષ્ટ્ર નામના પયગંબરની વાત આવે છે. નિત્શેના ઘણા વિચારો જરથુસ્ત પરંપરાથી વિપરીત હોવા છતાં આ અસરો દેખાઈ આવે છે.

જર્મન ચિંતક નિત્શે મૂળભૂત રીતે અજ્ઞેયવાદી હતા અને તેમને એકેશ્વરવાદમાં રસ નહોતો અને તેથી જ તેમણે જરથુસ્ટ્ર પરંપરામાં સારા અને નરસા વચ્ચે લડત ચાલતી હોય છે તેવી વાતમાં પણ વિશ્વાસ નહોતો. પશ્ચિમના પ્રવર્તમાન કલ્ચર તરફ નજર કરીએ તો ફ્રેડી મર્ક્યુરી અને ઝદિગ એન્ડ વૉલ્તેર સિવાયનાં પણ ઘણાં ઉદાહરણો મળે છે, જેના પર જરથોસ્તી પરંપરાની અસર હોય. મઝદા કાર કંપની માટે અહુર મઝદ નામ પ્રેરણારૂપ મનાયું છે, જ્યારે અંધકાર પર વિજય પ્રાપ્ત કરનારું, આર. આર. માર્ટીનની ગેઇમ ઑફ થ્રોન્સમાં દંતકથા સમા અઝોર અહાઇનું પાત્ર પણ આના પરથી જ આવેલું છે.

આ સિરીઝના ઘણા ચાહકોને બાદમાં જ ખ્યાલ આવ્યો હતો કે આ પાત્રની પ્રેરણા ક્યાંથી મળેલી છે. સ્ટાર વૉર્સમાં પણ અંધકાર અને પ્રકાશ વચ્ચેના અવકાશી યુદ્ધની વાત આવે છે તે દેખીતી રીતે જ જરથોસ્તી પરંપરામાં લખાયેલી જ છે એવી દલીલ કરી શકાય છે. આ પ્રકારે પશ્ચિમની સંસ્કૃતિ, વિચારધારા અને ધર્મ પર અસર પડી હોવા છતાં વિશ્વના આ પ્રથમ એકેશ્વરવાદી ધર્મની અને ઈરાનમાં તેની સ્થાપના કરનારા જરથુસ્ટ્ર વિશે ભાગ્યે જ લોકો જાણે છે. અમેરિકા અને યુરોપના રાજકીય નેતાઓને એમ લાગે છે કે ઈરાન લોકતાંત્રિક દેશોથી તદ્દન વિપરીત સ્થિતિ ધરાવતો દેશ છે. ઈરાનની બીજી પણ ઘણી પરંપરા અને વારસો અસર છોડીને ગયા છે, પણ તેને બાજુએ રાખીએ તો પણ જરથોસ્તી પરંપરાને યાદ કરવામાં આવે તો કદાચ ઈરાન અને પશ્ચિમ વચ્ચે ‘આપણે’ અને ‘તે’ જેવો ભેદ છે તે ઓછો થશે.

Most Popular

To Top