Columns

કાયમી આનંદ

આઠમા ધોરણમાં ભણતો વિહાન પોતાના શર્ટના તૂટેલા ચાર બટન સાથે ઘરે આવ્યો. દાદાએ તરત જ કહ્યું, ‘‘કોની સાથે ઝઘડો કરીને આવ્યો છે?’’ વિહાન ગુસ્સામાં બોલ્યો, ‘‘દાદા સામેના બંગલામાં રહે છે તે મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે મારામારી થઈ. હવે હું તેની સાથે વાત કરવાનો જ નથી.’’  દાદા બોલ્યા, ‘‘ એવું તે શું થયું કે બેસ્ટ ફ્રેન્ડ સાથે મારામારી કરી?’’ વિહાન બોલ્યો, ‘‘દાદાજી, એનું અને મારું બંનેનું રબર એક જ કલરનું હતું તો તેણે કહ્યું તેં મારું રબર લઈ લીધું છે અને મોટો ઝઘડો થઈ ગયો.

એનું રબર એની બેગમાં જ હતું પણ છતાં તેણે મારું નામ આપ્યું. હવે હું તેની સાથે ક્યારેય નહીં બોલું. ટીચરને ખોટું નામ આપીને તેને હું પણ પનીશમેન્ટ અપાવીશ. ટીચર આજે મને આખા ક્લાસ વચ્ચે ખીજાયા. હવે તો હું બરાબર બદલો લઈશ.’’ વિહાન રૂમમાં જતો રહ્યો. બીજે દિવસે દાદાજીએ કહ્યું, ‘‘વિહાન, શું તારો બદલો લેવાનો પ્રોગ્રામ બની ગયો?’’ વિહાને કહ્યું, ‘‘ હા દાદા, થોડા દિવસ પછી તેની પર ખોટું નામ આવે એ રીતે તેને ફસાવીશું અને બરાબરનો બદલો લઈશું. ટીચર એને પનિશમેન્ટ આપશે.’’

દાદા બોલ્યા, ‘‘ અરે વાહ, પ્લાન સફળ થશે એટલે તો તને બહુ ખુશી મળશે ને?” વિહાન બોલ્યો, ‘‘ હા દાદા, હવે ખોટું નામ આવશે ત્યારે એને ખબર પડશે અને હું બહુ ખુશ થઈશ.’’ દાદાજીએ કહ્યું, ‘‘ આ બાબતથી ખુશ તું કેટલા દિવસ રહીશ?’’ વિહાને કહ્યું, ‘‘ જે દિવસે એને પનીશમેન્ટ મળશે તે આખો દિવસ હું ખુશ રહીશ.’’ દાદાજીએ કહ્યું, ‘‘ એટલે કે એક દિવસ આખો ખુશ રહીશ. બહુ બહુ તો બે દિવસ ખુશ રહીશ પણ પછી શું?’’  વિહાન પાસે કોઈ જવાબ ન હતો. તે ચૂપ થઈ ગયો. દાદાજીએ કહ્યું, ‘‘ દીકરા તારી વાત પરથી લાગે છે કે તારા મિત્રની ભૂલ તો છે. તારું ખોટું નામ તેણે આપી દીધું પણ મારા દીકરા, તું બદલો લઈશ ને તો તને એક દિવસનો આનંદ મળશે પણ હું જે કહું છું એ કરીશ ને તો તને કાયમી આનંદ મળશે.

બદલો તો તું લઈ લઈશ પણ મિત્ર કાયમ માટે ખોઇ દઈશ. એના કરતાં જો તું તેને સામેથી જઈને માફ કરી દઈશ, બધી વાત ભૂલી જઈશ અને ફરીથી તમારી દોસ્તીને જોડી લઈશ તો તને કાયમી આનંદ મળશે. મિત્રને માફ કર્યાની અને દોસ્તી ટકાવી રાખવાની ખુશી મળશે.એક એવો દોસ્ત તને મળશે જે કાયમ તારી સાથે રહેશે. હવે તું જ નક્કી કરી લે, તારે બદલો લઈને એક દિવસની ખુશી મેળવવી છે કે મિત્રને માફ કરીને કાયમી આનંદ મેળવવો છે.’’ દીકરા, કાયમી આનંદ મેળવવામાં જ સમજદારી છે ને એટલે દીકરા મિત્રને માફ કરી દે. એની ભૂલને ભૂલી જા.’’ વિહાન દાદાની વાત સમજી ગયો અને દાદાને જોડે લઈને સામેના બંગલામાં પોતાના મિત્રને મળવા દોડી ગયો.

Most Popular

To Top