Dakshin Gujarat

સરકારી દવાખાનામાં માં કાર્ડ કઢાવવા માટે લોકોના ધરમના ધક્કા

ઘેજ: સરકારી હોસ્પિટલમાં માં-કાર્ડ ( maa card) કાઢવાની સરકારની જાહેરાતના લાંબા સમય બાદ પણ ચીખલીમાં માં-કાર્ડ કાઢવાની કામગીરી શરૂ નહીં થતા લોકોએ ધરમના ધક્કા ખાવાની નોબત આવી છે. આમ પણ ચીખલી તાલુકામાં 24 એપ્રિલથી માં-કાર્ડની કામગીરી બંધ છે.

માં-કાર્ડ કાઢવાની કામગીરી કરનાર ખાનગી એજન્સીનો કરાર પૂરો થઇ જતા સરકાર દ્વારા હવેથી સરકારી હોસ્પિટલમાંથી જ માં-કાર્ડ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો લાંબો સમય વીતવા છતાં ચીખલીની સરકારી હોસ્પિટલમાં માં-કાર્ડ કાઢવાની કામગીરીનો પ્રારંભ થયો નથી. વધુમાં એજન્સીનો કરાર ચાલુ હતો. તે દરમ્યાન પણ ચીખલી તાલુકામાં ઠેઠ 24 એપ્રિલથી માં-કાર્ડ કાઢવાની કામગીરી બંધ છે. હવે સરકારની જાહેરાત બાદ પણ માં-કાર્ડ ઇશ્યુ કરવાનું શરૂ કરવામાં આવ્યું નથી.


લોકોએ હાલાકી વેઠવાની નોબત
ચીખલી તાલુકામાં માં-કાર્ડની કામગીરી બંધ હોવાથી લોકો ધરમના ધક્કા ખાઇ રહ્યા છે. જરૂરિયાતમંદ લોકો માટે ગંભીર બીમારીના સમયે સંજીવની સમાન માં-કાર્ડ સમયસર ઉપલબ્ધ નહીં થતા લોકોએ હાલાકી વેઠવાની નોબત આવી છે. ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા રસ દાખવી ચીખલીની સરકારી હોસ્પિટલમાં માં-કાર્ડ કાઢવાની કામગીરી ઝડપથી શરૂ થાય તે દિશામાં રસ દાખવવામાં આવે તે જરૂરી છે.

માં-કાર્ડ માટેનું સોફ્ટવેર આવ્યું છે પરંતુ અપડેટ થતું નથી
ચીખલીની રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડો. દક્ષાબેન પટેલે જણાવ્યું હતુ કે ચીખલીમાં માં-કાર્ડ કાઢવાની કામગીરી શરૂ થઇ નથી. માં-કાર્ડ માટેનું સોફ્ટવેર આવ્યું છે પરંતુ સોફ્ટવેર અપડેટ થતું નથી.

Most Popular

To Top