વલસાડ: (Valsad) કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં બે દિવસમાં 19050 લોકોએ વેક્સિન મુકાવી છે. જેમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 2884 લોકોએ રસી મુકાવી હતી. હાલમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝન વ્યક્તિઓ તથા 45 થી 60 વર્ષ સુધીની વયની કો-મોર્બિડ (અન્ય પ્રકારની ગંભીર બીમારી) ધરાવતી વ્યક્તિઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/ શહેરી આરોગ્ય કેન્દ્ર / પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત ઉપર કોરોના રસીકરણ (Vaccination) ચાલુ કરવામાં આવ્યું છે.
જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે પણ ચાલુ રહેલા કેમ્પમાં 8614 લોકોએ વેક્સિન મુકાવી હતી. જેમાં વલસાડ તાલુકાના 67 સેન્ટરો ઉપર 1761, પારડી તાલુકાના 45 સેન્ટરો ઉપર 844, વાપી તાલુકાના 38 સેન્ટરો ઉપર 2009, ઉમરગામ તાલુકાના 60 સેન્ટરો ઉપર 2884, ધરમપુર તાલુકાના 57 સેન્ટરો ઉપર 613 અને કપરાડા તાલુકાના 98 સેન્ટરો ઉપર 503 લોકોએ વેક્સિન મુકાવી હતી.
નવસારી: (Navsari) નવસારી શહેરમાં એક જ દિવસમાં કોરોનાના નવા 5 કેસ સહિત જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાતા જ સોમવારે જિલ્લામાં કુલ 26 કોરોના એક્ટિવ કેસો સારવાર હેઠળ છે. સોમવારે જિલ્લામાં કોરોનાના કુલ નવા 6 કેસ નોંધાયા હતા. નવસારીમાં 5 અને વાંસદા તાલુકાના ખાટાઆંબા ખાતે એક કેસ નોંધાયો હતો. જેમાં કબીલપોર આદર્શનગરમાં રહેતા આધેડ, કબીલપોર આનંદ પાર્કમાં રહેતા યુવાન, નવસારી તાલુકાના પડઘા ગામે ભક્ત ફળિયામાં રહેતા મહિલા આધેડ, નવસારી મફતલાલ મીલની બાજુમાં સુંદરવન સોસાયટીમાં રહેતા આધેડ, નવસારીના લુન્સીકૂઇ ઓમ રેસિડન્સીમાં રહેતા યુવાન અને વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. એ સાથે જ જિલ્લામાં કોરોનાના સારવાર હેઠળના કેસ વધીને 26 થયા છે.
અત્યાર સુધીમાં કોરોનાના 153168 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 150880 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા, જ્યારે 1631 ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. સોમવારે લેવાયેલા 657 સેમ્પલમાંથી 6 દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 26 એક્ટિવ કેસો છે. અત્યાર સુધીમાં કુલ 1503 દર્દીઓને સાજા થઇ ગયા છે, જ્યારે 102 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
ધરમપુરમાં સોમવારી હાટ બજાર બંધ કરાવાયો
ધરમપુરના દશોંદી ફળિયા સહિત કેટલાક વિસ્તારમાં કોરાનાના પોઝિટિવ કેસ બહાર આવતાં લોકોમાં ફફડાટ પેસી ગયો હતો. કોરાના સંક્રમણ વધતાં ધરમપુર ખાતે હોળીનો ભરાતો સોમવારી હાટ બજાર પાલિકા તંત્રએ બંધ કરાવ્યો હતો. જોકે, દરબાર ગઢની બહાર ગાંધી બાગ પાસે કેટલાક લારીધારકો અને સ્ટોલવાળાએ અમુક દુકાનો ચાલુ રાખી હતી. ત્યાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.