નવી દિલ્હી: દિલ્હી એનસીઆર (DelhiNCR) સહિત સમગ્ર ઉત્તર ભારતને (NorthIndia) ભૂકંપે (Earthquake) હમચાવ્યું છે. મંગળવારે બપોરે એક બાદ એક બે વખત ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા. પહેલો આંચકો 4.6ની તીવ્રતાનો અને બીજો તેનાથી વધુ જોરદાર 6.2ની તીવ્રતાનો નોંધાયો હતો. ભૂકંપનો બીજો ઝટકો એટલો ભયંકર હતો કે લોકો ઘરની બહાર ભાગ્યા હતા.
ભૂકંપના કારણે લાંબા સમય સુધી આંચકા આવતા રહ્યા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો તાત્કાલિક પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર જતા રહ્યાં હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં (Nepal) હતું એવી પ્રાથમિક માહિતી સાંપડી છે.
અડધો કલાકના અંતરમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે દિલ્હીથી લઈને ઉત્તરાખંડ સુધીના સમગ્ર ઉત્તર ભારતની ધરતી ધ્રૂજી ગઈ હતી. ઉત્તરાખંડના ખાતિમામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા હતા.
નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, દિલ્હીમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો બપોરે 2.25 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા 4.6 હતી. લગભગ અડધા કલાક પછી બપોરે 2.51 વાગ્યે બીજો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.2 હતી. આ ભૂકંપના કારણે લોકોને ઘરની બહાર દોડી જવાની ફરજ પડી હતી.
આ કારણોસર ભૂકંપ આવે છે
પૃથ્વીની ઉપરની સપાટી સાત ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. જ્યાં પણ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યાં ભૂકંપનો ભય રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજાના વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે ત્યારે ધરતીકંપ આવે છે. પ્લેટો એકબીજા સામે ઘસવામાં આવે છે, તેમાંથી અપાર ઉર્જા બહાર આવે છે અને તે ઘર્ષણને કારણે ઉપરની ધરતી ધ્રૂજવા લાગે છે, ક્યારેક ધરતી ફાટી પણ જાય છે. ક્યારેક અઠવાડિયા સુધી તો ક્યારેક કેટલાક દિવસો સુધી. મહિનાઓ સુધી આ ઉર્જા સમયાંતરે બહાર આવે છે અને ધરતીકંપ આવતા રહે છે, તેને આફ્ટરશોક્સ કહેવામાં આવે છે.