SURAT

કૂતરાંઓના મામલે સુરતના લોકો પાલિકા પર મોરચો લઈ ગયા, પૂર્વ કોર્પોરેટરે મેયરને પૂછ્યા આકરાં સવાલ

સુરત : શહેરમાં છેલ્લાં બે મહિનામાં રખડતાં કૂતરાંના હિંસક હુમલાનો ત્રણ બાળકો ભોગ બની ચૂક્યા છે, સાથે ડોગ બાઈટ્સના વધી રહેલા કિસ્સાઓ સામે મનપાનું તંત્ર પાંગળુ પુરવાર થઇ રહયું છે ત્યારે મહિધરપુરા ભુતશેરીના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં એક મહિલા દ્વારા પાળવામાં આવતાં કૂતરાઓને કારણે તેમના બાળકો પર ડોગબાઇટનું જોખમ ઝઝમી રહ્યું છે, આ ન્યૂસન્સ અંગે મેયર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

  • મહિધરપુરા ભુતશેરીમાં કૂતરાંના ત્રાસ મુદ્દે સ્થાનિકોનો મેયર સમક્ષ મોરચો
  • તાજેતરમાં કૂતરાંઓ આક્રમક બન્યા છે, ત્યારે વેકશનમાં શેરી-મહોલ્લાના બાળકો પર હુમલાની ભીતિથી રહીશો ફફડી રહ્યાં છે

મેયર સમક્ષ રજુઆત માટે પહોંચેલા નાગરિકોએ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, આગામી વેકેશનને કારણે શેરીમાં રમતાં બાળકો પર ક્યાંક આ કૂતરાં હુમલા કરે તેવી આશંકા હોવાને કારણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી હતી.

ભુતશેરીમાં એક મહિલા દ્વારા રખડતાં કુતરાઓને પાળવામાં આવતાં આસપાસના વિસ્તારના નાગરિકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. આ મુદ્દે અનેક વખત શેરીના નાગરિકો સાથે બોલાચાલી પણ થવા પામી છે. જો કે, હાલમાં શહેરમાં વધી રહેલા ડોગ બાઈટ્સના કેસોને કારણે સ્થાનિકો દ્વારા આજે મેયર હેમાલી બોઘાવાલા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

શેરીના નાગરિકોએ મેયરને જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે આ અંગે ફરિયાદ કરવામાં આવતાં માર્કેટ વિભાગ દ્વારા કૂતરાઓને પકડી લેવામાં આવ્યા હતા. જો કે, આ મહિલા દ્વારા કૂતરાઓને યેન કેન પ્રકારે છોડાવી લેવામાં આવ્યાં હતા. તો ઝડપભેર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી મેયર સમક્ષ કરવામાં આવી હતી.

કૂતરાંને ડાયબિટીસની વાત ‘ગધેડાને તાવ આવે’ એવી : પ્રકાશ દેસાઈએ મેયરના નિવેદન સામે સવાલો ઉઠાવ્યા
સુરત: મનપા તંત્ર દ્વારા શહેરમાં રખડતાં કૂતરાંઓને ડામવાની કામગીરી કરવામાં આવી રહી હોવાની વાતો વચ્ચે રખડતાં કૂતરાંનો ત્રાસ તો ઘટતો નથી અને ડોગબાઈટના કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે આ સમગ્ર શહેરને સ્પર્શતા આ પ્રશ્નની સંગઠન લેવલે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવાની જરૂર છે તેના બદલે શહેરના મેયરે તાજેતરમાં એવું નિવેદન આપ્યું છે કે, ‘કૂતરાંઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધતાં તેઓ હિંસક બન્યા છે.’

  • મેયર હેમાલી બોઘાવાલાના નિવેદનને પગલે રાજકારણ ગરમાયું : અત્યાર સુધી જે બાળકોના કૂતરાંના હુમલાથી મોત થયાં છે તે કૂતરાંનું ડાયાબિટીસ મેયરે ચેક કરાવ્યું હતું? શહેરમાં રખડતાં કૂતરાંઓ પૈકી કેટલાને ડાયાબિટીસ છે તેની વિગતો પાલિકા જાહેર કરે તેવી પણ માંગણી

મેયર શ્રીમતી હેમાલીબહેન બોઘાવાલાના આ નિવેદનના પગલે સોમવારે ઉઘનાના પૂર્વ અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ મેયરને ખુલ્લો પત્ર પાઠવી શહેરમાં કૂતરાં કરડવાના કેસોની વિગતો રજૂ કરી મેયર સામે સીધો સવાલ ઉઠાવ્યો છે કે,‘શું અત્યાર સુધીમાં જે બાળકોના કૂતરાંના હુમલામાં મોત થયાં તે બાળકો સહિત શહેરમાં જેટલા પણ ડોગબાઈટના કેસ બન્યાં છે તે તમામ કૂતરાંઓ ડાયાબિટિસથી પીડિત હતા? શું મેયરે આ તમામ કૂતરાંઓનું ડાયાબિટીસ ચેક કરાવ્યું હતું? મેયરે કહેલી ડાયાબિટીસ વાત ‘ગધેડાને તાવ આવે તેવી છે’.

આ પત્રમાં પ્રકાશ દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં બીજા ક્રમના સ્વચ્છ શહેરનાં મેયર હેમાલીબેન દ્વારા કરવામાં આવેલું નિવેદન હાસ્યાસ્પદ છે. શ્વાનોમાં ડાયાબિટીસ, થાઈરોઇડ અને કિડની સહિત કેન્સર જેવા રોગો જોવા મળે છે. પરંતુ ડાયાબિટીસના કારણે શ્વાનો હિંસક બની રહ્યાં છે તે વાત તદ્દન જુઠ્ઠી છે.

પ્રકાશ દેસાઈએ મેયરને ટકોર કરી હતી કે, મનપા દ્વારા જાણકારી આપવામાં આવે કે શહેરમાં કેટલાં કૂતરાં ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે? છેલ્લા 40 દિવસમાં 3 બાળક કૂતરાંના હુમલાનો ભોગ બની મોતને ભેટ્યા છે. જ્યારે હજારો નાગરિકોને કૂતરાં કરડવાની ઘટના પણ બની છે. એકલી નવી સિવિલ હોસ્પિટલમાં જ કૂતરાં કરડવાના 50થી 60 કેસ રોજના આવે છે.

આ જ રીતે સ્મીમેરમાં પણ રોજના 20થી 25 કેસ કૂતરાં કરડવાના આવે છે. આ ઉપરાંત મનપાનાં હેલ્થ સેન્ટરોમાં પણ કૂતરાં કરડવાના કેસ આવે છે. જેના આંકડા અલગ છે. આ જોતાં સુરતમાં રોજ 100 જેટલાં કૂતરાં કરડવાના કેસ બને છે. તેમ છતાં પણ મનપાની આંખ ઉઘડતી નથી. આ તમામ કેસ શું કૂતરાંને ડાયાબિટીસ થવાને કારણે થાય છે? શું મેયરે આ બાબતે કૂતરાંનો ડાયાબિટીસ ચેક કરાવ્યો છે?

વેટરિનરી ડોક્ટરો કહી રહ્યાં છે કે, માંસ-મચ્છી ખાતાં કૂતરાંમાં જિનેટિક ફેરફારોને કારણે તેઓ હિંસક બન્યાં છે. પરંતુ મેયર નવી શોધ કરી લાવ્યા કે ડાયાબિટીસને કારણે કૂતરાં કરડી રહ્યાં છે. હકીકતમાં આ મનપાનો ભ્રષ્ટાચાર છે કે માર્કેટ વિભાગ યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી. કૂતરાંને પકડી રહ્યો નથી અને તેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યાં છે.

પ્રકાશ દેસાઈએ મેયર પાસે આ પ્રશ્નોના જવાબ માંગ્યા

  • સુરતમાં કૂરતાં કરડવાના કેસ અંગે તમે કયા વેટરિનરી ડોક્ટર સાથે ચર્ચા કરી તેનું નામ અને સરનામું જાહેર કરો
  • વેટરિનરી ડોક્ટરોના કહેવા પ્રમાણે ડાયાબિટીસને કારણે કૂતરાં હિંસક બનીને કરડે એ વાત ખોટી છે. ખરેખર તો ડાયાબિટીસ થયા બાદ કૂતરાં આળસું થઈ જાય છે
  • મનપાના માર્કેટ વિભાગના અધિકારીઓ ખરેખર શહેરમાં કૂતરાં કરડવાના કેસની વિગતો મેળવે છે કે પછી કાગળ પર જ તંત્ર ચલાવે છે?
  • સુરતમાં રખડતાં કૂતરાંની સંખ્યા કેટલી? અગાઉનાં વર્ષોમાં કેટલી હતી? તેની વિગતો આપો
  • સુરતમાં કેટલાં રખડતાં કૂતરાં ડાયાબિટીસથી પીડાય છે તેની વિગતો આપો
  • શું તમે રખડતાં કૂતરાંના મામલે સરકારને રજૂઆત કરી કે જે બાળકોનાં કૂતરાં કરડવાથી મોત થયાં તેમનાં માતા-પિતાને વળતર મળવું જોઈએ.
  • મનપા વહેલી તકે હડકાયા થયેલાં કૂતરાંને શોધે અને તેની વિગતો લોકો સમક્ષ જાહેર કરે

સ્મીમેર હોસ્પિટલમાં ગત વર્ષોમાં નોંધાયેલાં કૂતરાં કરડવાના કેસની સંખ્યા

વર્ષ સંખ્યા

  • 2018 7123
  • 2019 7237
  • 2020 5366
  • 2021 5911
  • 2022 7633

Most Popular

To Top