આણંદ : કડાણા જુથ પાણી પુરવઠા યોજના દ્વારા મહિસાગર નદીનું પાણી કડાણા અને સંતરામપુરના 136 ગામોમાં પુરુ પાડવામાં આવે છે. પરંતુ જુથ યોજનામાં ક્લોરિન ગેસ ખુટતા દુષિત અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ થઇ રહ્યું છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા માત્ર બ્લીચીંગ પાવડરવાળુ પાણી વિતરણ કરવામાં આવતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. કડાણા જુથ પાણી પુરવઠા યોજનાનું વિતરણ થતાં પાણીમાં બૂમ ઉઠી છે. મહિસાગર નદીનું પાણી શુદ્ધીકરણ કરવા માટેનો કલોરીનગેસ છેલ્લા પાંચેક દિવસથી ઉપલબ્ધ ન હોવાથી માત્ર બ્લીચીંગ પાવડર નાંખીને દુષિત અને દુર્ગંધ મારતું પાણી પીવા લાયક ન હોય તેવું વિતરણ થઇ રહ્યું છે.
આમ પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી, બેદરકારી અને અણઆવડત ભર્યા વહીવટને કારણે લોકોને ફિલ્ટ્રેશન થયાં વગરનું દૂષિત પાણી વિતરણ થતાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. આ અગાઉ આ યોજનાની મોટરો ખોટકાઈ જતાં પાણીની ભયંકર વિકટ સમસ્યા ઉભી થઇ હતી. લોકોને પાણી વગર તરસ્યા રહેવું પડ્યું હતું. હાલ કલોરીનગેસ સ્ટોકમાં ન હોવાથી આ પાણીનું શુદ્ધીકરણ પુરતું વ્યવસ્થિત રીતે નહીં થતાં દુગઁધ મારતું ગંદુ પાણી વિતરણ થતાં લોકોને મજબૂરી વશ પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવી રહ્યો છે.
જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા કડાણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ વિતરણ થતું પાણી આજે પણ જેજે ગામડાઓનો સમાવેશ આ યોજનામાં થયો છે તેમને રોજેરોજ પાણી મળતું નથી અને આ ઉનાળામાં ઓતરા ચોતરાના તાપ અને ગરમીમાં પાણી માટે વલખાં મારવા પડે છે અને પાણીની ખેંચ અનુભવવી પડી રહી છે. કડાણા જુથ પાણીપુરવઠા યોજના હેઠળ સંતરામપુર અને કડાણા તાલુકાના અંદાજે 136 ગામોમાં આ યોજના હેઠળ પાણી વિતરણ થઇ રહ્યું છે. પરંતુ પાણી નિયમિત રીતે રોજેરોજ નહીં અપાતા પાણીની સમસ્યા જોવા મળી રહી છે.
મહીસાગર જીલ્લામાં સંતરામપુર પાણી પુરવઠા વિભાગ કચેરી દ્વારા કડાણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ જીલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકાના 136 જેટલા ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ગામોમાં પીવાનું ફિલ્ટર પાણી પુરુ પાડવાનું છે. પરંતુ કલોરીનગેસના અભાવે છેલ્લા પાંચ દિવસથી પાણી પુરવઠા વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતું પાણીનું શુદ્ધિકરણ કરવામાં નહીં આવતાં લોકો દુષિત અને દુર્ગંધ મારતું પાણી પીવા માટે મજબૂર બન્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ક્લોરિન ગેસ પુરો થતા પાછલા પાંચ દિવસથી દુષિત અને દુર્ગંધ મારતું પાણી લોકોને પીવડાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
જેને કારણે લોકોમાં પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. પાણી પુરવઠા વિભાગની આવી લાલિયાવાડીના કારણે લોકો ગંભીર બીમારીની લપેટમાં આવે તેવી સંભાવનાઓ સામે આવી છે. પાણી પુરવઠા વિભાગની આવી ગંભીર બેદરકારીને કારણે પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યુ છે. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની જગ્યાએ પાણી પુરવઠા વિભાગ દ્વારા કલોરિન ગેસનો સ્ટોક પુરો થઈ ગયો છે. કોન્ટ્રાક્ટરને કલોરીનગેસ ભરાવી લઇ આવવાની જવાબદારી સોંપવામાં આવી છે, તેવું જણાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું જોવા મળી રહી છે.