સુરત: સુરત શહેર (Surat City) જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની (Rain) આગાહી છે ત્યારે આજે તા. 12 એપ્રિલે સુરતના તાપમાનમાં ઘટાડો થયો છે. આજે ગરમીનો લઘુત્તમ પારો 1.2 ડિગ્રી ઘટ્યો છે. લોકોને ગરમીથી રાહત મળી છે.
હવામાન વિભાગ અનુસાર આવતીકાલે તા. 13 એપ્રિલે સુરત, નવસારી તથા વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન આજે સવારથી સુરતમાં સ્વચ્છ વાતાવરણ વચ્ચે સવારનું તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે, જે ગઈકાલે ગુરુવારે સવારે 25.2 ડિગ્રી હતું.
છેલ્લાં 24 કલાકમાં મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા નોંધાયું છે. દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી ત્રણ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તા. 13થી તા. 16 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી જાહેર કરાઈ છે. આ સંદર્ભે આવતીકાલે સુરત, નવસારી તથા વલસાડમાં કમોસમી વરસાદની સંભાવના છે.
ગુજરાત, રાજસ્થાન સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ઉનાળાના આકરા તાપ વચ્ચે નવું વેસ્ટર્ન ડીસ્ટબન્સ એકટીવ થયું છે અને તેના પ્રભાવ હેઠળ ગુજરાત સહીત 10 રાજયોમાં હવામાન પલટો તથા કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની આગાહી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા છતીસગઢમાં શનિવાર સુધી કમોસમી વરસાદનો દોર જારી રહેવાની શકયતા છે. આ સિવાય રાજસ્થાનનાં 14 જીલ્લામાં વરસાદી એલર્ટ જારી કરાયું છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડીશા બિહાર તથા આંદામાન-નિકોબારમાં પણ વરસાદ પડશે જયારે હિમાચલ તથા કાશ્મીરમાં શનિવાર સુધી હિમવર્ષા થવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર 13-14 એપ્રિલે પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત તથા ઉતર પ્રદેશમાં વરસાદ થઈ શકે છે. માવઠાની અસરે થોડો વખત તાપમાનમાં રાહત મળી શકે. મધ્યપ્રદેશ, છતીસગઢ, વિદર્ભ, મરાઠાવાડ, મધ્ય મહારાષ્ટ્રમાં 50 કીમીની આંધી સાથે વરસાદની શકયતા છે. પંજાબ, હરીયાણા, દિલ્હીમાં પણ તેજ હવા સાથે માવઠા પડવાની સંભાવના છે.
હવામાનમાં બદલાવ માટે આ કારણ જવાબદાર છે
હવામાન પલટા માટે ઈરાન- પાકિસ્તાન થઈને ઉત્તર ભારત પહોંચેલુ વેસ્ટર્ન ડીસ્ટબન્સ જવાબદાર છે. આ વખતે ફેબ્રુઆરીથી વારંવાર-વખતોવખત વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ એકટીવ થયા હોવાના કારણોસર હવામાન પલટા સર્જાયા હતા. જોકે 15 એપ્રિલ બાદ ફરી વાતાવરણ સામાન્ય બનશે અને આગ ઓકતી ગરમી પડશે.
હવામાન ખાતાનાં રીપોર્ટ મુજબ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ અફઘાનિસ્તાન તથા તેને અડીને આવેલા ઉતર પાકિસ્તાન પર સમુદ્રી સપાટીથી 3.1 કીમી ઉંચાઈએ છે. પશ્ચિમી હવાઓનું એક લો- પ્રેસર પણ સર્જાયુ છે અને અપર એર સરકયુલેશન 5.8 કિમીની ઉંચાઈએ છે. દક્ષિણ પુર્વીય રાજસ્થાન પર ચક્રાવાતી પવનનુ ક્ષેત્ર બન્યું છે. એક ટ્રફ રેખા દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ થઈને પૂર્વોતર બાંગ્લાદેશ સુધી ફેલાયેલી છે. એકટીવ થયેલું વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે.