સુરત : મૃતક પોલીસ કર્મચારીની પત્નીને મળતા વધારાના રૂા.2.60 લાખની પેન્શનની (Pension) રકમમાંથી 60 હજારની લાંચ માંગનાર હિસાબી શાખાનો વર્ગ-3નો કર્મચારી રંગેહાથ પકડાયો હતો. આ કર્મચારીએ મહિલા પાસેથી રૂા.60 હજારની લાંચ (Bribe) સ્વીકારતાની સાથે જ એસીબીએ છટકું ગોઠવીને તેને પકડી પાડ્યો હતો.
- 60 હજારની લાંચ માંગનાર હિસાબી શાખાનો વર્ગ-3નો કર્મચારી રંગેહાથ પકડાયો
- એસીબીએ છટકું ગોઠવીને તેને પકડી પાડ્યો
પ્રાપ્ત વિગતો મુજબ સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીનું અવસાન થયું હતું. તેમની પત્નીને પેન્શન સ્કીમ અંતર્ગત વધારાના રૂા.2.60 લાખ મળી રહ્યા હતા. આ રકમ મેળવવા માટે મૃતકની વિધવાએ અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન-2ની કચેરીમાં પેન્શન વિભાગમાં ગયા હતા. અહીં તેઓની મુલાકાત પેટા હિસાબી અધિકારી વિવેક જંયતિભાઇ કેવડીયાની સાથે થઇ હતી. તપાસ કરતા વિધવાને રૂા.2.60 લાખ મળી રહ્યા હતા અને તેમાંથી વિવેક કેવડીયાએ રૂા.60 હજાર માંગ્યા હતા. મહિલાએ 60 હજારની રકમ વધુ હોવાનું કહેવા છતાં તે માન્યો ન હતો અને 60 હજાર રૂપિયા જ લાંચના થશે તેમ જણાવ્યું હતું. આખરે આ મહિલાએ એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. દરમિયાન મહિલા પેન્શન વિભાગમાં જ રૂપિયા લઇને ગયા હતા અને વિવેકનો સંપર્ક કરીને તેને રૂા.60 હજાર આપ્યા હતા. આ દરમિયાન એસીબીએ ટ્રેપ ગોઠવીને વિવેકને રંગેહાથ રૂપિયા લેતા પકડી પાડ્યો હતો. પોલીસે વિવેકની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
વિવેકે અનેક લોકો પાસે લાંચ માંગી હોવાની શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવેક કેવડીયા છેલ્લા સાડા ચાર વર્ષથી હિસાબી શાખામાં નોકરી કરી રહ્યો છે અને હાલમાં તેનો પગાર રૂા.19500 છે. વિવેકે અનેક લોકો સાથએ પેન્શન સ્કીમના રૂપિયા મંજૂર કરવા માટે લાંચ માંગી હોવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી હતી. હાલ તો પોલીસે વિવેકની ધરપકડ કરી તેના મેડીકલ રિપોર્ટ સાથે આવતીકાલે કોર્ટમાં રજૂ કરે તેવી શક્યતા છે.