Charchapatra

અમ્પાયરો ઉપર પણ દંડનીય કાર્યવાહી થવી જોઈએ

ક્રિકેટની રમતમાં બે અલગ અલગ દેશના ખેલાડીઓ વચ્ચે, જે મેચ રમાય છે, એમાં કયારેક ફિલ્ડિંગ કરનાર ટીમ કે બેટિંગ કરતી ટીમના કોઈ ખેલાડી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે, બે ખેલાડીઓ વચ્ચે જીભાજોડી થાય કે અમ્પાયરના નિર્ણય સામે નારાજ થનાર ખેલાડીને મેચ રેફરી દ્વારા મેચ ફીના ૨૦ ટકા, ૩૦ ટકા નો દંડ ફટકારવામાં આવે છે તો ક્યારેક એક મેચ રમવા પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવે છે.પરંતુ અમ્પાયર દ્વારા કોઈ ભૂલ થાય કે કોઈ ખેલાડીને ખોટો આઉટ આપી દેવાય એ અંગેની ક્રિકેટના કાયદામાં કોઈ જોગવાઈ કરેલ નથી.

પરંતુ હવે અમ્પાયર દ્વારા ખેલાડીને ખોટો આઉટ આપી દેવા બદલ એ અમ્પાયર સામે દંડનીય કાર્યવાહી કરવી જરૂરી છે. તાજેતરમાં ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ક્રિકેટ મેચ રમાય છે તેના પહેલા દિવસથી જ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયો સામે દરેક અખબારોએ હેડલાઇન ચમકાવી છે. ક્યારેક મેદાન ઉપર ઉભેલા અમ્પાયર દ્વારા માનવ સહજ ભૂલ થાય એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ ટીવી સ્ક્રીન ઉપર રીપ્લે દેખી નિર્ણય આપવામાં પણ થર્ડ અમ્પાયર એની મનમાની કરી આઉટ થયેલ ખેલાડીને નોટ આઉટ અને નોટ આઉટ થયેલ ખેલાડીને આઉટ કરાર આપવામાં આવે તો ચોક્કસ એની સામે દંડનીય કાર્યવાહી કરવી જરૂરી બને છે.

અમ્પાયરના એક ખોટા નિર્ણયથી હારની બાજી જીતમાં અને જીતની બાજી હારમાં ફેરવાઈ જાય છે.અગાઉ પાકિસ્તાનના બે અમ્પાયરો શકુર રાણા તથા અમાનુલ્લાખાને ઘણી રસાકસીવાળી મેચમાં પાકિસ્તાનતરફી વિવાદાસ્પદ નિર્ણયો આપીને પાકિસ્તાન ટીમને વિજય અપાવવામાં પરોક્ષપણે મદદ કરી હતી. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝના અમ્પાયર સ્ટિવ બકનોરે તો સચિન તેંડુલકરને સૌથી વધારે વખત જાણી જોઈને ખોટી રીતે આઉટ આપીને રેકોર્ડ સર્જ્યો હતો. હવે ક્રિકેટના કાયદામાં પણ સુધારો કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. હવે જો કોઈ ખેલાડીને ખોટા નિર્ણયથી આઉટ આપી દેવાય તો એ અમ્પાયર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. દરેક દેશના ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભેગાં મળી સામુહિક રીતે આ જોગવાઈ કરવી જોઈએ.
હાલોલ   – યોગેશભાઈ જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top