National

કિસાનોનું આંદોલન હવે દિલ્હી પછી સમગ્ર ભારતમાં ફેલાઈ રહ્યું છે

દિલ્હી સીમાડે ચાલી રહેલા ખેડૂત આંદોલનને કચડી નાખવા સરકાર બનતા પ્રયાસો કરી રહી છે. વિધિની વક્રતા તો એ છે કે સરકાર સ્વયં પોતાના જ બનાવેલા ચક્રવ્યૂહમાં ફસાતી જતી હોય એવું લાગી રહ્યું છે. આંદોલનને કચડી નાખવા અને ખેડૂતો દિલ્હીમાં ઘૂસી ન આવે એ માટે કેન્દ્ર સરકારે ઘણા કાવાદાવા રચ્યા છે.

રસ્તામાં ખીલા ઠોકી દીધા છે, કાંટાળી વાડ ગોઠવી છે, કોન્ક્રીટની આડશો ઊભી કરી છે, હાઈ-વે ખોદી નાખ્યા છે, વગેરે. સરકાર એમ માની રહી છે કે એ એના વ્યૂહમાં સફળ થઈ છે, પણ સીમાડે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓની ચાડી ખાય છે.

એક નાનકડી સુનામી દેશમાં ઊભી થઈ રહી છે. રાજધાનીના સત્તાની ગલિયારીના લોકોને, મધ્યમ વર્ગને અને આંટીઘૂંટીમાં રસ્તો કાઢનારાઓને આ સુનામીની હજી ગંધ આવી નથી.

ભૂમિપુત્રોને ટકી રહેવા કે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે દિલ્હીની મદદની સહેજે જરૂર નથી. ખેડૂતો ભૂમિ સાથે જોડાયેલા હોય છે અને એથી એમને કેમ સંપથી ટકી રહેવું એની ખબર હોય છે. એ લોકો સીમાડે આંદોલન કરી રહ્યા હોય એને લગભગ ત્રણ મહિનાનો સમય થઈ ગયો છે. દિલ્હી તરફથી એમને ગાળો જ ભાંડવામાં આવી હતી. કેન્દ્ર સરકારે હવે પાણી અને ઈન્ટરનેટ આપવાનું પણ બંધ કરી દીધું છે. સરકારે આવી સેવા ન આપવાની કળા કાશ્મીરમાંથી શીખી લીધી છે.

જો કે સરકારનાં આવાં નકારાત્મક પગલાં છતાં આંદોલનકારીઓને કોઈ ફેર પડ્યો નથી. હવે એમની જરૂરિયાતો એમના ગામેથી આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક અર્થશાસ્ત્રીની સલાહમાં ફસાયા છે.  એમણે કહ્યું હતું કે દેશ જો વિકાસશીલ રાષ્ટ્રનો દરજ્જો પ્રાપ્ત કરે તો ગ્રામીણ બેરોજગારીમાં અધધધ વધારો થાય એમ છે.

આ અર્થશાસ્ત્રીએ એમની દલીલના ટેકામાં જીડીપીને ગ્રામીણ બેરોજગારી સાથે સંબંધ હોય એવા અમુક ચાર્ટ પણ મોકલ્યા હતા. એમનું કહેવું હતું કે દેશનો જીડીપી જેમ વધશે એમ ગ્રામીણ વિસ્તારના ખેડૂત વર્ગમાં બેરોજગારી વધુ ફેલાશે.

ઈન્ટરનૅશનલ મોનિટરી ફંડ (આઈએમએફ) અને વર્લ્ડ બૅન્કે વિશ્વના ૧૦૦ જેટલા અબજોપતિઓ પાસે વિશ્વની અડધી વસતિ પાસે હોય એટલી સંપત્તિ આ અબજોપતિ પાસે રહે એવી વ્યવસ્થા બનાવી છે.  કૃષિકાયદા આ વ્યવસ્થાની ભારતીય આવૃત્તિ છે. 

આ કૃષિકાયદામાં અમુક છૂપા હેતુઓ પણ છે. એક છે ઉદ્યોગો માટે સસ્તા મજૂરો અને મોટી મૂડી ઉપલબ્ધ કરાવી આપવા. ૨૦૦૪ અને ૨૦૧૨ ની વચ્ચે ૩.૬૦ કરોડ ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કર્યું હતું. મોટા મોટા ઉદ્યોગોને કારણે પાંચ કરોડ ખેડૂતો વિસ્થાપિત થઈ ગયા હતા. એ ઉપરાંત  દર વર્ષે પાંચ લાખથી વધુ ખેડૂતો ખેતીથી દૂર ફેંકાય છે.

આદિવાસીઓને પણ જંગલમાંથી બહાર કાઢવામાં આવે છે. દેશમાં બાર કરોડ જેટલા હિજરતી મજૂરો છે. કૃષિકાયદાનો હેતુ સરકારના આ ઈરાદાને વેગ આપવાનો છે. આંદોલનને કચડી નાખવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે એ એનો પુરાવો છે. પૉપ સિંગર રિહાના કે પછી બાળપર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ વચ્ચે આવે તોય સરકારના પેટનું પાણી હલવાનું નથી.

જો કે આપણા ખેડૂતો વધુ ખમતીધર છે. દિલ્હીવાળાઓ કરતાં વધુ ઈન્ટેલિજન્ટ છે. એ દિલ્હીમાં ઘૂસી ન આવે એ માટે મોદી સરકારે રસ્તામાં ખીલા ઠોકી દીધા છે, કાંટાળી વાડ ગોઠવી છે, કોન્ક્રીટની આડશો ઊભી કરી છે, હાઈ-વે ખોદી નાખ્યા છે. આ સરકારનો ડર, ગભરાટ અને ખેડૂતો પ્રત્યેની દુર્ભાવના બતાવે છે.

ખેડૂતો ૨૬ જાન્યુઆરીના દિલ્હીમાં ઘૂસી આવેલા, પણ હવે એમને દિલ્હીમાં પગ મૂકવામાં જરાય રસ નથી. આંદોલનકારી ખેડૂતો છેલ્લા છ મહિનાથી કાયદા રદ કરવા પ્રતિષ્ઠિત સંસ્થાઓને અપીલ કરી રહ્યા છે. સંસદ, સુપ્રીમ કોર્ટ, મીડિયા, મુખ્ય રાજકીય પક્ષ અને દક્ષિણ દિલ્હીના શ્રીમંતો તરફથી એમને કોઈ મદદ મળી નથી.

ઉલટાની એમની અપીલ બહેરા કાને અથડાઈ હોય એવું લાગે છે. વકીલો પણ મૌન છે. લશ્કરના માજી અફસરો પણ શિસ્તનું બહાનું આપી કાયરતા છૂપાવી રહ્યા છે. સેલિબ્રિટીઓએ પણ ઢાંકણીભર પાણીમાં પોતાનું મોં સંતાડ્યું છે.

ઈન્ટરનૅશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બૅન્કને આશા છે કે નરેન્દ્ર મોદી એમને મદદ કરવામાં સફળ થશે. દિલ્હીએ ખેડૂતોને નારાજ કર્યા છે. ખેડૂતોને પણ દિલ્હીની ખાસ કંઈ જરૂર નથી. એટલે એમણે દિલ્હીને તાજેતરમાં બાયપાસ કર્યું. ખેડૂત નેતા રાકેશ ટિકૈત તા.૩ ફેબ્રુઆરીના મહાપંચાયતને સંબોધવા જિંદ ગયા હતા.

તેઓ દિલ્હી થઈને જઈ શકતા હતા, પણ એમણે લાંબો રૂટ પસંદ કર્યો હતો અને હરિયાણા થઈને જિંદ ગયા હતા. એમણે દિલ્હીવાળા માર્ગની ઉપેક્ષા કરી હતી. જિંદમાં રાકેશ ટિકૈતે જાહેરાત કરી હતી કે કિસાન આંદોલનને હવે ભારતભરમાં લઈ જવાશે.

આને પગલે બે ઐતિહાસિક ઘટનાઓ યાદ આવે છે. એક તો એ કે હિટલર હુમલો ન કરી શકે એ માટે ફ્રાન્સે જર્મની સાથેની બોર્ડર પર મેગિનોટ લાઈન તૈયાર કરી હતી. આ લાઈન અભેદ્ય હતી. જો કે સમય આવ્યો ત્યારે જર્મનોએ એ લાઈન બાયપાસ કરી નાખી અને જર્મનીનું બખ્તરબંધ યુનિટ જંગલમાંથી ફ્રાન્સમાં ઘૂસી ગયું અને એને કોઈ પ્રતિકારનો સામનો પણ ન કરવો પડ્યો. બીજી ઐતિહાસિક ઘટના આપણા દેશની છે.

મહાત્મા ગાંધીને દિલ્હી અને સિમલામાં બ્રિટિશરો સાથેની ચર્ચામાં કોઈ પ્રગતિ ન દેખાતાં એ ગુજરાતમાં દાંડી તરફ વળ્યા હતા. ત્યાં મીઠાનો સત્યાગ્રહ કરવા એ નીકળી પડ્યા. આમ એમને જે સંદેશ ફેલાવવો હતો એ ગ્રામીણ ભાગમાં પણ ફેલાયો અને એમની તાકાત વધી. ખેડૂતો માટે દિલ્હીના રસ્તા બંધ કરીને સરકારે મોટી થાપ ખાધી છે.

હવે ખેડૂત આંદોલન પંજાબને બદલે પશ્ચિમ ઉત્તર પ્રદેશના હાથમાં આવી ગયું છે. આ એ પ્રદેશ છે, જેણે ૨૦૧૭ માં ભાજપને સત્તા પર આવવામાં મદદ કરી હતી. આ જ પટ્ટામાંથી ભાજપને ૧૦૦ થી વધુ વિધાનસભાની સીટ મળી હતી. ભાજપે કોમવાદી દાવ અપનાવી જીત મેળવી હતી. જાટોની અહીં બહુમતી છે. ભાજપે જાટો અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવીને પોતાની ભાખરી શેકી હતી.

ટિકૈતે બન્ને કોમને સરકાર સામે ઊભી કરી દીધી છે. જે ફૉર્મ્યુલાને આધારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપે જીત મેળવી હતી એ ફૉર્મ્યુલા જ રાકેશ ટિકૈતે ધ્વસ્ત કરી નાખી છે. ટિકૈત હવે ખેડૂત આંદોલનના સૂત્રધાર બની ગયા છે.

રાકેશ ટિકૈત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ જેવાં રાજ્યોમાં પણ આંદોલનને લઈ જઈ શકે છે. આ એવો પટ્ટો છે, જ્યાંથી ભાજપે સંસદીય ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.  આંદોલનને દિલ્હી અને એની આસપાસના વિસ્તારો પૂરતું સીમિત રાખવામાં આવ્યું હોત તો ભાજપ માટે સારું રહેત.

ભારતના રાજકીય પક્ષો ચૂંટણી એમના ટ્રેક રેકૉર્ડ કે ઢંઢેરાના આધારે જીતતા નથી.  ધર્મ, જાતિ, પછાતપણા અને પ્રદેશના મુદ્દામાં ગરબડ કરીને વિજય મેળવતા હોય છે. આ બધી ચાલ રમવામાં ભાજપ બહુ સ્માર્ટ છે. જો કે ખેડૂત આંદોલને ધર્મ, જાતિ, પ્રદેશ, પછાતપણા, વગેરે તમામ મુદ્દાઓ ભૂલાવી દીધા છે.

હવે એક જ મુદ્દો સામે છે અને એ છે ખેડૂતોની ઓળખનો. આ ખેડૂતમાં ભૂમિહીન ખેડૂતો, કસબીઓ અને ગ્રામીણ દુકાનદારો પણ આવી ગયા છે. હવે એક જ ઓળખ અને એક જ માગણી હશે. એમનામાં કોઈ ફાટફૂટ પડાવી નહીં શકે. ભાગલાવાદીઓ હવે શાસન કરી નહીં શકે. બ્રિટિશરો પણ આ પાઠ બહુ મોડે મોડે શીખ્યા હતા અને હવે એ શીખવાનો વારો ભાજપનો છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top