શેઠ અમીરચંદ પાસે નામની જેમ ખૂબ લક્ષ્મી હતી.મોટી હવેલીમાં બધા જ એશોઆરામનાં સાધનો હતાં. બહોળો પરિવાર હતો અને બધા જ તેમનો પડ્યો બોલ ઝીલતા હતા.સમાજમાં પણ તેમના નામના સિક્કા પડતા હતા.તમામ સુખ જીવનમાં હોવા છતાં અમીરચંદ શેઠને ચેન મળતું ન હતું.તેમને કયાંય મનની શાંતિ કે સાચી ખુશીનો અનુભવ થતો ન હતો. એક દિવસ તેઓ બહારગામ જતા હતા.રસ્તામાં એક આશ્રમની પાસેથી તેમની બગ્ગી પસાર થઇ રહી હતી. આશ્રમમાં સંત પ્રવચન આપી રહ્યા હતા અને તેમનો અવાજ એટલો પ્રભાવી હતો કે શેઠ આપોઆપ આશ્રમ તરફ દોરાયા અને અંદર જઈને બેસીને પ્રવચન સાંભળ્યું.પ્રવચન સાંભળતાં સાંભળતાં શેઠને થયું આ મહાત્મા જ્ઞાની છે. તેમની પાસે મારી સમસ્યાનો ઉકેલ જરૂર હશે.આ વિચાર સાથે તેઓ પ્રવચન પૂરું થયા બાદ પણ ત્યાં જ બેસી રહ્યા.
સંતે પાસે આવીને પૂછ્યું, ‘વત્સ, શું કોઈ મૂંઝવણ છે? કંઈ પૂછવું છે?’ શેઠ બોલ્યા, ‘બાપજી, બધું જ સુખ છે પણ મનની શાંતિ નથી.મારા મનને શંતિ મળે તેનો રસ્તો બતાવો.’ સંત બોલ્યા, ‘અરે, હમણાં શાંતિનો અનુભવ કરવા તું પલાંઠી વળી આંખ બંધ કરીને ધ્યાનમુદ્રામાં બેસ અને ધ્યાન કરવાનું શરૂ કર.’ શેઠે ધ્યાન કરવાનું શરૂ કર્યું, પરંતુ આંખ બંધ કરતાં જ મન એકાગ્ર થવાને બદલે ચારે બાજુ દોડવા લાગ્યું.આ સોદો પાર પાડવાનો છે.આને છેતરવાનો છે.પેલાએ મારું અપમાન કર્યું હતું તેને તો નહિ જ છોડું.મારી વાત જે નહિ માને તેને બરબાદ કરીશ. હજી વધુ સંપત્તિ ભેગી કરવા શું કરું? આવા અનેક વિચારો તેના મનમાં દોડવા લાગ્યા અને તેઓ ધ્યાન ન કરી શક્યા. આંખ ઉઘડી ગઈ.
સામે ઊભેલા સંત બોલ્યા, ‘ચલ વત્સ, તારું મન ધ્યાનમાં નથી લાગતું તો પહેલાં આશ્રમમાં એક લટાર મારી લઈએ, પછી આગળ વાત.’ શેઠ અને સંત આશ્રમમાં ફરતા હતા.શેઠનું ધ્યાન એક સુંદર છોડ પર ઊગેલા ફૂલ પર ગયું અને તેઓ તેને જોતા જ રહ્યા.સંતે કહ્યું, ‘તને ફૂલ ગમ્યું છે તો લઇ લે.’ શેઠ તરત જ ફૂલ તોડવા આગળ વધ્યા અને તેમના હાથમાં ફૂલની નીચે રહેલો કાંટો વાગ્યો અને તેઓ પીડાથી ચીસ પાડી ઊઠ્યા. સંત તેમને પોતાની કુટિરમાં લઇ ગયા અને તેમના હાથમાંથી કાંટો કાઢી લેપ લગાડ્યો અને પાટો બાંધતાં કહ્યું, ‘વત્સ, તારા હાથમાં એક કાંટો વાગ્યો અને તારા હાલ બેહાલ થઇ ગયા.તો તારા મનની અંદર તેં ઈર્ષ્યા, ક્રોધ,લોભ,અભિમાન જેવા કેટલાય કાંટા છુપાવી રાખ્યા છે તો પછી તે કાંટા તારા મનને શાંતિનો અનુભવ કેવી રીતે કરવા દેશે? તારું મન બેહાલ જ રહેશે.અશાંત જ રહેશે.’ શેઠને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને મનની શાંતિ મેળવાનો રસ્તો મળી ગયો. તેમણે મનના કાંટા કાઢીને ફેંકી દીધા.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.