Editorial

દેશમાં શાંતિ જળવાઇ રહે તે જ બધાના હિતમાં છે

નુપુર શર્માએ પયગંબર સાહેબ વિરૂદ્ધ જે ટીપ્પણી કરી હતી તેને દેશ અને દુનિયા તમામ ઠેકાણે વખોડવામાં આવી રહી છે. કોઇપણ ધર્મ વિષે ટીપ્પણી કરતાં પહેલા જવાબદાર વ્યક્તિએ 100 વખત વિચારવું જોઇએ. આવું વલણ અપનાવનારનો વિરોધ થવો જ જોઇએ પરંતુ આ વિરોધ હિંસક નહીં હોવો જોઇએ. પયગંબર પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી સામે શુક્રવારની નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી.

દેશનાં ત્રણ રાજ્ય- ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ઘણી જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ઉત્તરપ્રદેશનાં 8 શહેરમાં પ્રયાગરાજ, મુરાદાબાદ, સહારનપુર, ફિરોઝાબાદ, આંબેડકર નગર, હાથરસ, અલીગઢ, જાલૌનમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. અહીં બંગાળના હાવડામાં સતત બીજા દિવસે એટલે કે શનિવારે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

આ પછી પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગેસ શેલનો ઉપયોગ કર્યો હતો. બીજી બાજુ, હિંસા બાદ રાંચીમાં કડક કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. આગચંપી અને પથ્થરમારાને કારણે પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. આ ફાયરિંગમાં એક 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ સિવાય મોડી રાત્રે અન્ય એક વ્યક્તિના મોતના સમાચાર પણ છે, જોકે પ્રશાસને એની પુષ્ટિ કરી નથી. અન્ય 7 લોકોને ગોળી વાગી છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.

હિંસા બાદ હવે ઝારખંડના તમામ 24 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આની સાથે જ તમામ જિલ્લાની પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવ્યું છે. રાંચીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુજાતા ચોકથી આલ્બર્ટ એક્કા ચોક સુધીના મેઈન રોડ પર કલમ ​​144 લાગુ છે.તેવી જ રીતે કાનપુરમાં 3 જૂને થયેલી હિંસાના 7 દિવસ પછી યુપીના 8 જિલ્લામાં હોબાળો થયો હતો.

શુક્રવારની નમાઝ પછી લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. મોહમ્મદ પયગંબર પર બીજેપી નેતા નૂપુર શર્માની ટિપ્પણીથી નમાઝી નારાજ હતા. પ્રયાગરાજ, મુરાદાબાદ, સહારનપુર, ફિરોઝાબાદ, આંબેડકર નગર, હાથરસ, અલીગઢ, જાલૌનમાં પૂજારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. પોલીસ-પ્રશાસન બે દિવસથી એલર્ટ પર હતું, પરંતુ છેલ્લી ઘડીએ તમામ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ નિષ્ફળ ગઈ હતી. સૌથી વધુ હોબાળો પ્રયાગરાજમાં થયો હતો. અર્ધલશ્કરી દળોના ઘણા જવાનો અહીં ઘાયલ થયા છે. એ જ રીતે દેવબંદમાં અલ્લાહ-હુ-અકબરના નારા લાગ્યા હતા. જોકે કાનપુરમાં ભારે પોલીસ-બંદોબસ્તને કારણે બધું નિયંત્રણમાં રહ્યું હતું.

શનિવાર બપોર સુધીમાં સહારનપુરમાં 48, પ્રયાગરાજમાં 68, હાથરસમાં 50, મુરાદાબાદમાં 25, ફિરોઝાબાદમાં 8, આંબેડકરનગરમાં 28ની ધરપકડ કરવામાં આવી હતી. પયગંબર સાહેબની ટીપ્પણીનો વિવાદ હવે ધીરે ધીરે દેશના જુદા જુદા રાજ્યને લપેટમાં લઇ રહ્યો છે ત્યારે હવે તમામ ધર્મના ગુરુઓએ બહાર આવવું જોઇએ અને લોકોને હિંસા નહીં કરવા માટે સમજાવવા જોઇએ કારણ કે, હિંસા કોઇ પણ પ્રશ્નનું સમાધાન નથી. આપણા દેશમાં શાંતિ જળવાઇ રહે તે ખૂબ જ જરૂરી છે. વિરોધ કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે પરંતુ વિરોધ દરમિયાન કોઇ જાનહાનિ થાય તે યોગ્ય નથી. એટલે દેશમાં શાંતિ સ્થપાઇ તે દિશામાં પગલાં લેવાવા જોઇએ. પ્રદર્શનકારીઓએ પણ પ્રદર્શન કરવું જોઇએ પરંતુ તે હિંસક નહીં હોય તેનું ધ્યાન રાખવું જોઇએ.

Most Popular

To Top