Sports

વધુ એક અંતિમ ઓવર સુધી ગઇ, ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું

મોહાલી : આજે અહીં રમાયેલી આઇપીએલની (IPL) એક મેચમાં ગુજરાત ટાઇટન્સના (GT) બોલરોએ શરૂઆતથી જ કસેલા સંકજાના કારણે પંજાબ કિંગ્સના (PBKS) બેટ્સમેનો ખુલીને રમી શક્યા નહોતા અને તેના કારણે પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવીને મૂકેલા 154 રનના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે શુભમન ગીલની અર્ધસદીની મદદથી અંતિમ ઓવરમાં 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરીને મેચ 6 વિકેટે જીતી હતી. લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને રિદ્ધિમાન સાહાએ ઝડપી શરૂઆત અપાવી હતી અને 19 બોલમાં 30 રન કરીને તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 48 રન હતો. ગીલ અને સાઇ સુદર્શને મળીને તે પછી 41 રનની ભાગીદારી કરી હતી. સુદર્શન19 રન કરીને અને તે પછી કેપ્ટન હાર્દિક પંડ્યા 8 રન કરીને આઉટ થયા હતા. ગીલ 49 બોલમાં 67 રન કરીને આઉટ થયો હતો. તે પછી રાહુલ તેવટિયાએ ચોગ્ગો મારીને ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે જીતાડ્યું હતું.

  • ગુજરાતના બોલરોમાં અનુભવી મોહિત શર્મા આજે 18 રનમાં 2 વિકેટ સાથે સરપ્રાઇઝ પેકેજ બન્યો
  • પંજાબે મૂકેલા 154 રનના લક્ષ્યાંકને ગીલની અર્ધસદીની મદદથી ગુજરાતે અંતિમ ઓવરમાં કબજે કર્યો

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી બેટીંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે પહેલી ઓવરના બીજા બોલે જ પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. અત્યાર સુધીની બધી મેચમાં પ્રભાવક બેટીંગ કરનાર કેપ્ટન શિખર ધવન પણ માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. તે પછી મેથ્યુ શોર્ટે થોડી આક્રમકતા દાખવી હતી, જો કે રાશિદની ગુગલીને સમજવામાં નિષ્ફળ રહેતા તે 24 બોલમાં 36 રન કરીને આઉટ થયો હતો અને જીતેશ શર્મા પણ 25 રન કરીને આઉટ થતાં પંજાબનો સ્કોર 4 વિકેટે 92 રન થયો હતો. પોતાની આક્રમક બેટીંગ માટે જાણીતા ભનુકા રાજપક્ષે અને સેમ કરન બંને પણ ખુલીને રમી શક્યા નહોતા. રાજપક્ષે 26 બોલમાં 20 જ્યારે કરન 22 બોલમાં 22 રન કરીને આઉટ થયા હતા. ગુજરાતના બોલરોમાંથી આજે અનુભવી મોહિત શર્મા સરપ્રાઇઝ પેકેજ બની રહ્યો હતો. 2020 પછી પહેલીવાર આઇપીએલ મેચ રમવા ઉતરેલા મોહિત શર્માએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top