Surat Main

બીજેપીના કોન્ટ્રાક્ટરને પે એન્ડ પાર્ક નહીં સંભાળવા દઈએ, અમે મફત પાર્કિંગ ખોલશું : આપ સુરત

સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સ્થાયી સમિતિ (Standing committee)એ ચેરમેનની સુઓમોટો (Suomoto)દરખાસ્તથી મળતીયા ઇજારદારોને ટેન્ડર (Tender) વગર જ પે એન્ડ પાર્ક (Pay and park) ફાળવી દેવા મુદ્દે ભારે વિવાદ થયો છે. ત્યારે વિપક્ષ આમ આદમી પાર્ટી (Aap Surat) દ્વારા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મીટીંગ દરમિયાન શાસકો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભાજપ સરકાર ચોર છે,,,, પરેશ પટેલ ચોર… છે ના નારા સ્થાયી સમિતિના સભ્યો બેઠક માટે જતા હતા ત્યારે લગાવ્યા હતા. તેમજ ‘ભ્રષ્ટાચાર કીંગ’ના સંબોધન સાથેના બેનરો લઇને ઉભા રહયા હતા. વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા સહિતની મહાનગરપાલિકાઓમાં નિયત નીતિ નિયમો અને કાયદાઓ હેઠળ તથા નિષ્પક્ષ રીતે અને પારદર્શક રીતે પાલિકાના વિવિધ કામો કરાવવા સંદર્ભે જાહેર બજારોમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરી પાલિકાના આર્થિક હિતો જળવાય તે માટે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે તથા તે ટેન્ડરો પૈકી પાલિકાના હિતમાં જાય અને ટેન્ડરથી નિયત કરેલ લાયકાતો ધરાવતા ટેન્ડરરને જે તે કોન્ટ્રાકટની ફાળવણી કરવાની નીતિ રહેલી છે.

પરંતુ શાસક પક્ષના પદાધિકારીઓ ધ્વારા મળતિયાઓનો વિકાસ થાય તે હેતુસર કાર્ટેલ રચીને ટેન્ડરોની વહેંચણીમાં ભાગ બટાઈ કરવાની ભ્રષ્ટાચારી નીતિ અખ્ત્યાર કરેલ છે. વહીવટી સરળતા ખાતર અધિકારીઓને આપવામાં આવેલ અધિકારો પર ભ્રષ્ટાચારના ઓઠા હેઠળ કાપ મુકયા બાદ તેમજ વહીવટીતંત્ર ધ્વારા ટેન્ડર બહાર પાડી નકકી થયેલ ટેન્ડરોનો છેદ ઉડાવી મળતીયાઓને ટેન્ડરની લ્હાણી કરવા સ્થાયી સમિતિમાં વધારાના કામો તરીકે મંજુર કરાવી સુવ્યસ્થિત રીતે ભ્રષ્ટાચારની પ્રથા શરૂ કરી છે જે લોકશાહીના મુલ્યોનું પતન અને સરમુખ્ત્યાશાહીનો પાલિકામાં થઈ રહેલ ઉદય દર્શાવે છે.

તેથી અમે પાર્કીંગના આ ઇજારા રદ કરવા માંગણી કરીયે છીયે તેમજ નવેસરથી પારદર્શક પધ્ધિતથી ટેન્ડરીંગ નહી કરવામાં આવે તો અમો પ્રજાહિતમાં તમામ પાર્કીંગ જાહેર જનતા માટે મફતમાં ખોલાવશું. તેમજ શાસકોએ જેને ઇજારો આપ્યો છે. તેના કામ સંભાળવા દઇશુ નહી.

Most Popular

To Top