Columns

માર્ગ કાઢ્યો

કાકાસાહેબ કાલેલકર ‘સવાયા ગુજરાતી’ કહેવાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.તેમણે આફ્રિકાના પ્રવાસ વખતે પોતે જોયેલો એક પ્રસંગ પોતાના લખાણમાં ટાંક્યો છે. આફ્રિકામાં કાળા ગોરાના ભેદભાવ હતા.ગોરા લોકો કાળા લોકોને પોતાનાથી ઉતરતા ગણતા અને ખૂબ જ અન્યાયી વર્તન કરતા હતા.એક દિવસે એક હબસીને બહારગામ જવાની ટ્રેન પકડવાની હતી અને બહુ મોડું થઇ ગયું હતું એટલે તેણે જલદી જલદી સ્ટેશને પહોંચવું હતું. એક ઘોડાગાડીવાળાને પાસે બોલાવી એણે કહ્યું, ‘મને જલ્દી સ્ટેશન પહોંચાડ. – મારે ટ્રેન પકડવાની છે, બહુ મોડું થઇ ગયું છે. અહીં બીજી કોઈ ગાડી પણ નથી. તું  જે માંગીશ તે ભાડું આપીશ, પણ તું મને જલદી સ્ટેશને પહોંચાડ.’

ગાડીવાળો ગોરો હતો. એણે કહ્યું, ‘અરે ભાઇ, સ્ટેશન લઇ જવામાં મને કશો વાંધો નથી; મારે તો મારા ભાડા સાથે કામ છે! પણ હું તમને મારી ગાડીમાં કઇ રીતે બેસાડું? જો આ અમારા ગોરા લોકો જોઈ જાય કે હું એક કાળા હબસીને મારી ગાડીમાં લઇ જાઉં છું, તો આજથી જ બધા મારો બહિષ્કાર કરે અને મારી ઘોડાગાડીમાં કોઈ બેસે નહિ તો મારો તો રોટલો જ ટળી જાય! હું બધી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છું, પણ સામાજિક બહિષ્કાર સહન કરવાની આપણી તૈયારી નથી! માફ કરજો; હું તમને ગાડીમાં નહીં બેસાડી શકું.’

પણ પેલા હબસીને તો કોઈ પણ રીતે મુકરર સમયે સ્ટેશને પહોંચવું જ હતું. બીજી ગાડી મેળવવાનું કઠીન હતું… ત્યારે હવે કરવું શું? તેણે ઘણું વધારે ભાડું આપવાની તૈયારી બતાવી.ગોરાને વધુ ભાડું મેળવવાની લાલચ હતી પણ હિંમત થતી ન હતી. અન્યાય અને મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં આગળ આવેલા હબસીમાં આગવી સૂઝ હતી. તેણે બિલકુલ ખરાબ ન લગાડ્યું અને શાંતિથી વિચારી એક રસ્તો કાઢ્યો. અત્યંત નમ્રતાથી તેણે કહયું, ‘ મારી પાસે એક રસ્તો છે; તમે ડરશો નહીં. તમે ગાડીની અંદર બેસી જાઓ અને હું ગાડી બરાબર હાંકી લઇશ; તમને હું તમારું ભાડું પણ બમણું ચુકવીશ. મારી આટલી વાત માનો. મારું પણ કામ થશે ને તમને કશું જોખમ નહીં રહે.’ હબસીએ કાઢેલો રસ્તો ગાડીવાળાને ગમ્યો. તેને બમણું ભાડું મેળવવું હતું, મળ્યું અને હબસીને સમયસર ટ્રેન પકડવા સ્ટેશન પહોંચવું હતું તે પણ સ્ટેશન પર પહોંચી શક્યો. મુશ્કેલીના સમયે મગજ શાંત રાખી અને બુદ્ધિથી વિચારી માર્ગ કાઢવો જરૂરી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top