મહારાષ્ટ્ર: શિવસેના (Shivsena) સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પાત્રા ચાલ કૌંભાડમાં (Patra chaal Scam) સંડોવાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતને ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પરંતુ લાગી રહ્યું છે કે સંજય રાઉતને હાલ રાહત મળે તેમ લાગતું નથી. કોર્ટે (Court) રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
પાત્રા ચાલ કૌંભાડમાં ED દ્વારા કસ્ટડી લીધા બાદ 8 ઓગસ્ટે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયો હતો, ત્યારબાદ તેને EDની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીવોનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છએ કે આ પહેલા તેને 4 ઓગસ્ટે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ EDએ રાઉતની 8 ઓગસ્ટ સુધી કસ્ટડી મેળવી હતી. કાર્ટે EDની કસ્ટડી મંજૂર કરી હતી. આજે કસ્ટડીનો સમય પૂરો થતા ફરી એક વાર કોર્ટે રાઉતને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. તાજેતરમાં જ EDએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા.
31મી જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી એવા 60 વર્ષીય રાઉતની 31 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. EDએ વહેલી સવારે રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ પછી તેના રિમાન્ડ 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા હતા.
1039.79 કરોડનું પાત્રા ચાલ કૌભાંડ
2007માં, સોસાયટી દ્વારા મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) અને ગુરુ કન્સ્ટ્રક્શન કંપની વચ્ચે મુંબઈ પશ્ચિમી ઉપનગર, ગોરેગાંવ, સિદ્ધાર્થ નગરમાં 47 એકર જમીન પર 672 પરિવારોના મકાનોના પુનર્વિકાસ માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ કંપનીએ સાડા ત્રણ હજારથી વધુ ફ્લેટ બનાવીને મ્હાડાને આપવાના હતા. ત્યાર બાદ બાકીની જમીન ખાનગી ડેવલપર્સને વેચવાની હતી. રાકેશ વાધવાન, સારંગ વાધવાન, પ્રવીણ રાઉત અને DHILના ગુરુ આશિષ આ કંપનીના ડિરેક્ટર હતા. આરોપ છે કે કંપનીએ મ્હાડાને ગેરમાર્ગે દોર્યું અને 9 અલગ-અલગ બિલ્ડરોને પાત્ર ચાલની FSI વેચીને 901 કરોડ રૂપિયા જમા કરાવ્યા. જે બાદ મીડોઝ નામનો નવો પ્રોજેક્ટ શરૂ કરીને ફ્લેટ બુકિંગના નામે 138 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. પરંતુ 672 લોકોને તેમના ઘર આપવામાં આવ્યા નથી. આ રીતે પાત્ર ચાલ કૌભાંડમાં રૂ.1039.79 કરોડનું કૌભાંડ થયું હતું. જે બાદ 2018માં મ્હાડાએ ગુરુ કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ FIR દાખલ કરી હતી.
પાત્રા ચાલનું સંજય રાઉત કનેક્શન
ગુરુ કન્સ્ટ્રક્શન કંપનીના ડાયરેક્ટર પ્રવીણ રાઉત સંજય રાઉતના નજીકના છે. ફેબ્રુઆરી 2022માં ED દ્વારા પ્રવીણની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે પ્રવીણે પાત્ર ચાલ કૌભાંડમાંથી 95 કરોડ રૂપિયાની કમાણી કરી અને તે પૈસા તેના સંબંધીઓ અને મિત્રોને વહેંચી દીધા. તેમાંથી 55 લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં આવ્યા હતા. આ રકમથી રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. વર્ષા રાઉતની ED પહેલા પણ પૂછપરછ કરી ચૂકી છે. વર્ષાએ જણાવ્યું હતું કે તેણે આ પૈસા પ્રવીણ રાઉતની પત્ની માધુરી પાસેથી ફ્લેટ ખરીદવા માટે લીધા હતા. ED દ્વારા પૂછપરછ બાદ વર્ષાએ માધુરીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.