National

પટનામાં મેટ્રોનું કામ કરતી ક્રેન સાથે ઓટોની ટક્કર, નેપાળી નાગરિક સહિત 7નાં મોત

પટના: બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) ક્રેન અને ઓટો વચ્ચે અથડામણ થઇ હતી. ઓટોમાં કુલ આઠ લોકો સવાર હતા. જેમાંથી સાત લોકોના મોત (Death) થયા હતા. તેમજ એક વ્યક્તિ ઘાયલ થયો હતો જેની હાલત ગંભીર છે. તેને સારવાર માટે પટનાની પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અકસ્માત મંગળવારે સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ ડ્રાયવર ક્રેન લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેમજ મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.

આ ઘટના પટના ન્યુ બાયપાસના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મંગળવારે 16 એપ્રિલે સવારે લગભગ 3:44 વાગ્યે અહીંના રામ લખન પથ પર મેટ્રો બાયપાસ પર કામ કરતી ક્રેન સાથે એક ઓટો અથડાઈ હતી. આ ઓટો જૂના બસ સ્ટેન્ડ પાસેથી આવી હતી. જેમાં 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઓટોમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. એક વ્યક્તિની હાલત ખુબ જ નાજુક છે.

પટના મેટ્રોની બેદરકારી
પ્રાપ્ત વિગતો મુજબ ઘટના સ્થળે પટના મેટ્રો માટે કામ કરતી ક્રેન પાસે કોઈ ગાર્ડ હાજર ન હતો અને અકસ્માત બાદ ક્રેન ડ્રાઈવર મશીન લઈને ભાગી ગયો હતો. ડ્રાઈવરે આ ઘટના અંગે કોઈને જાણ પણ કરી ન હતી. અકસ્માત બાદ જ્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા ત્યારે સામે આવ્યું કે ઓટો મેટ્રો માટે કામ કરતી ક્રેન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પ્રેમપુર પટારી ગામના રહેવાસી પિંકી સરન, લક્ષ્મણ દાસ (રહે. જાલેસર ધામ, નેપાળ) અને ઉપેન્દ્રકુમાર બેઠા હતા. અન્ય ત્રણ મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.

ઘટનાની માહિતી મળતાં જ ટ્રાફિક એસપી અશોક કુમાર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ સમગ્ર બનાવના અહેવાલ લીધા હતા. હાલમાં મેટ્રોના કામમાં લાગેલી ક્રેન અને ડ્રાઈવરની શોધ કરવામાં આવી રહી છે. તમામ સાત મૃતદેહોને પટના (PMCH) મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.

Most Popular

To Top