પાટીલનો એક દાવ ને બધા જ પરાસ્ત?
કોર્પોરેશનની ટિકિટો લગભગ બધી જાહેર થઇ ગઈ છે, બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે, આ વખતની કોર્પોરેશનની ચૂંટણી દર વખતની ખાસ કરીને 2015ની ચૂંટણી કરતાં થોડી અલગ છે, કેમ કે આ વખતે પહેલી વાર એવું છે કે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ ફૂલ પાવરમાં દેખાય છે, એવું નથી કે આ પહેલાંના ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખો પાવરમાં નહોતા? આ પહેલાં પણ ગુજરાત પ્રદેશના પ્રમુખો પાવરમાં હતા, પણ 2001 પછી મોદી સત્તામાં આવતાં જ બધો જ પાવર મોદીની આસપાસ ફરવા લાગ્યો, ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ એટલે રબર સ્ટેમ્પથી વધારે કંઈ નહિ એવી ચર્ચાઓ સરાજાહેર થતી હતી, ખેર એ વાત તો હવે ભૂતકાળ થઇ ચૂકી છે પણ આજે આ ભૂતકાળ ફરીથી ચર્ચામાં એટલે છે કેમ કે આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ મોદીની જેમ વર્તી રહ્યા છે, એમણે પાવરમાં આવતાંની સાથે જ મોદીની જેમ જ સત્તામાં વર્ષોથી ચીપકી રહેલા નેતાઓ અને એમના આદેશની અવગણના કરનારા નેતાઓને ઠેકાણે પાડવાનું શરૂ કરી દીધું,
ચર્ચા છે કે આની શરૂઆત પાટીલે મોદી સ્ટાઇલ કોપી કરીને કરી, 2005ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોદીએ નો રીપિટની ફોર્મ્યુલા લાવીને એમના વિરોધીઓ અને એમની વિરુદ્ધમાં પડનારા નેતાઓને ઠેકાણે પાડી દીધા એવી જ રીતે પાટીલે પણ 60થી વધુ વયનાં અને ત્રણ ટર્મનાં લોકોનો નિયમ લાવીને કહેવાતા સીનિયરોને ઠેકાણે પાડી દેવાનો દાવ રમ્યો છે, ખેર આ પણ બધાને ખબર છે, મજાની વાત એ છે કે પાટીલના આ નિયમથી સૌથી વધારે અમિતશાહ જૂથના અને મુખ્ય મંત્રી રૂપાણી જૂથના દાવેદારો કપાયા હોવાની ચર્ચા છે, કેમ કે પાટીલે આ નિયમમાં સગવડિયો ધર્મ અપનાવ્યો છે. કેટલીક જગ્યાએ પરિવારનાં લોકોને ટિકિટ આપી છે, કેટલીક જગ્યાએ રીપિટ પણ કર્યા છે, કેટલીક જગ્યાએ ઉંમરમાં પણ બાંધછોડ કરી છે. આ જોઈને ભાજપના નેતાઓમાં ચર્ચા છે કે પાટીલે ફોર્મ્યુલા મૂકી ને હાલ તો રૂપાણી અને શાહજૂથને પરાસ્ત કર્યા છે, જયારે બેનના જૂથને જીવતા કરવાનો પ્રયાસ કર્યો છે.
નિયમો નેવે મૂકીને પ્રેમિકાઓને ટિકિટ?
ગુજરાત ભાજપમાં અને કોંગ્રેસમાં જો કોઈ કોમન ચર્ચા હોય તો એ જ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એક સીનિયર આગેવાને પોતાની પ્રેમિકાને ટિકિટ અપાવવા માટે દિવસરાત એક કરી દીધા. હા એ વાત અલગ છે કે એમની પ્રેમિકાના વિસ્તારમાં એનો જોરદાર વિરોધ છે, છતાં કોંગ્રેસના આ સીનિયર આગેવાન બધાની ના વચ્ચે પોતાની પ્રેમિકાને ટિકિટ અપાવી ગયા હોવાની ચર્ચા છે. હવે ભાજપના પણ એક સીનિયર નેતા માટે આવી ચર્ચા ચાલી રહી છે. ભાજપના આ સીનિયર નેતા કહેવાય છે કે હાલ નિર્ણાયક ભૂમિકામાં છે અને ધારે એ કરી શકે છે એટલે એમના પાવરને જોઈને પ્રેમમાં પડેલી એમની દીકરીના ઉંમરની એક મહિલાને આ સીનિયર આગેવાન ટિકિટ અપાવવા મથ્યા અને છેવટે ટિકિટ અપાવીને જ જંપ્યા.
મહત્ત્વનું છે કે કોંગ્રેસની જેમ જ ભાજપમાં પણ પ્રેમિકાની ટિકિટ સામે એમના જ વિસ્તારમાં વિરોધ છે પણ બધાને ખબર છે કે ટિકિટ અપાવનાર નેતા અત્યારે ખૂબ પાવરમાં છે એટલે જો વિરોધ કરીએ તો કાર્યકર્તા ક્યારેય નેતા નહિ બને એટલે કોઈ વિરોધ કરવા રાજી નથી પણ અંદરખાને ચર્ચા અને કચવાટ તો ખૂબ જ છે. ભાજપમાં મહત્ત્વની વાત છે કે રાજકારણમાં આવા આક્ષેપો અને ચર્ચાઓ પહેલાં પણ થઇ છે, જે રીતે કોંગ્રેસ અને ભાજપમાં ટિકિટ માટે એક સાથે આ વખતે થઇ રહી છે એ જોઈને એક વાત તો નક્કી છે કે કેટલીક બાબતોમાં કોંગ્રેસ અને ભાજપ ‘આવ ભાઈ હરખા આપણે બે સરખા’ જેવો ઘાટ છે. ખેર હાલ ચર્ચા તો એ છે કે બંને પક્ષોમાં પ્રેમિકાઓને ટિકિટ તો મળી ગઈ છે પણ જીતે છે કે નહિ એ પ્રશ્ન છે. સ્થાનિક નેતાઓ એમને સાથ આપે છે કે નહિ એ પ્રશ્ન છે.
બાપુ કેમ કોંગ્રેસમાં આવે છે?
શંકરસિંહને લઇને હાલ માહોલ ગરમ છે કે બાપુ ગમે તે ઘડીએ કોંગ્રેસમાં પ્રવેશ લઇ શકે છે, બાપુએ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ સાથે આવવામાં એમને કોઈ વાંધો નથી, પણ સોનિયા ગાંધી એમને બોલાવશે તો, એ પછી પણ બાપુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મારી કોઈ શરત નથી, ટૂંકમાં બાપુનું હજી કાંઈ નક્કી નથી, બાપુ દર વખતની જેમ આ વખતે પણ ખોટા પડ્યા છે, પહેલા કોંગ્રેસ છોડીને જવાનો એમનો નિર્ણય ખોટો હતો, પછી રાજકારણમાં નહીં જોડાવાનું એમનું નિવેદન ખોટું હતું, ફરી પાછા રાજકીય પાર્ટીમાં જોડાવવાનો એમનો નિર્ણય ખોટો હતો, પછી પાર્ટીમાં ઉમેદવારો ઊભા કરવાનો નિર્ણય ખોટો હતો, એ પછી એન.સી.પીની ઘડિયાળના કાંટે બંધાવાનો નિર્ણય એમનો ખોટો હતો,એ પછી એમના પુત્રને ભાજપમાંથી પાછા બોલાવવાનો એમનો નિર્ણય ખોટો હતો, એ પછી એન.સી.પી. છોડવાનો કે છોડાવવાનો નિર્ણય ખોટો હતો, એ પછી ફરી પાછા નવી પાર્ટી રચવાનો એમનો નિણર્ય ખોટો હતો અને આ બધું એટલા માટે નથી કે હું લખું છું એટલે ખોટો છે.
આ બધા નિણર્યો ખોટા ના હોત તો બાપુ ગોળ ફરીને આજે ફરી કોંગ્રેસના દરવાજે આવીને ન ઊભા હોત. ખેર આ વખતે બાપુનું કોંગ્રેસના દરવાજે આવીને ઊભા રહેવાનું કારણ ચર્ચામાં છે કે બાપુ ફરીથી હવે એમના દીકરાને સેટ કરવા માંગે છે અને આવનાર રાજ્યસભામાં એમના દીકરાને કોંગ્રેસમાંથી ઉમેદવાર બનાવાય તો એ કોંગ્રેસને એક રાજ્યસભા જીતાડી શકે છે એવો દાવો કર્યો હોવાની ચર્ચા છે. આ સાથે ચર્ચા ખાળનાર લોકોનું એવું પણ કહેવું છે કે મતોની ગણતરી પ્રમાણે કોંગ્રેસ કોઈ પણ ભોગે આ બેઠક જીતી શકે એવું નથી. હા એ વાત અલગ છે કે બાપુએ રાજ્યસભામાં એક વાર એવો ચમત્કાર કર્યો છે કે મતોની સંખ્યા ઓછી હતી છતાં રાજ્યસભા બેઠક જીત્યા હતા એટલે ચર્ચા જાગી છે કે બાપુ કદાચ એમના દીકરાની રાજકીય ગાડી પાટે ચડાવવા માટે અને ગુજરાત ભાજપમાં ભાંગફોડ કરવા માટે ફરી કોંગ્રેસનાં દ્વારે આવીને ઊભા છે…!