કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના મામલે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે યુ ટર્ન લઈ લીધો છે. પાટીલે આજે રાજકોટમાં કહ્યું હતું કે, મેં અમરીશ ડેરને કોઈ આમંત્રણ આપ્યું જ નથી. મારા નિવેદનનને મીડિયાએ ટ્વિસ્ટ કર્યુ છે.રાજકોટની એક દિવસીય મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે આજે રાજકોટમાં ઉદ્યોગકારો સાથે તથા બ્રહ્મસમાજના અગ્રણીઓ સાથે પણ બેઠકો યોજી હતી. તે ઉપરાંત પાટીલે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે મહત્વની બેઠક યોજી હતી.
રાજકોટમાં મીડિયા સાથેની વાતચીતમાં પાટીલે કહ્યું હતું કે, અમરીષ ડેરના બાબતે મીડિયા દ્વારા મેં જે કહ્યું હતું તેને ટ્વિસ્ટ કરાયુ છે. મેં અમરીશ ડેરને ભાજપમાં જોડાવવા માટે કોઈ આમંત્રણ આપ્યુ જ નથી. એ વાત અલગ છે કે અમરીષ ડેર મૂળ તો ભાજપના જ કાર્યકર છે. મારા અધિકાર ક્ષેત્રની વાત છે ત્યાં સુધી કોઈ કોંગ્રેસના ધારાસભ્યને હવે ભાજપમાં પ્રવેશ આપવાના મત નો નથી. એટલે અમરીષ ડેરની વાત ટ્વિસ્ટ કરી દેવાઈ છે.તેમ પાટીલે કહ્યું હતું .
પાટીલે કહ્યું હતું કે રાજયમાં વિધાનસભાની ચૂંટણીના આડે 12થી 13 માસનો સમય છે. દરેક પાર્ટી તેની રીતે તૈયારી કરતી હોય છે , તેવી જ રીતે ભાજપ પણ તૈયારી કરી રહ્યો છે. જેના ભાગરૂપે જ સ્નેહ મિલન સમારંભ યોજાઈ રહ્યાં છે. જેના થકી પાર્ટી સંગઠન ચૂંટણી માટે સક્રિય થઈ શકે. તેમણે કહ્યું હતું કે રાજકોટ ભાજપના સંગઠનમાં કોઈ વિવાદ નથી, રાજકોટમાં અમારૂ સંગઠન મજબૂત છે. ચૂંટણીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક રહેશે
પાટીદાર સમાજના યુવકો સામે કરાયેલા કેસોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પાટીલે કહ્યું હતું કે, અગાઉ રાજય સરકારે કેટલાંક કેસો પરત ખેંચી લીધા છે. તે ઉપરાંત 78 કેસો પરત ખેંચવાના બાકી છે તે પણ પરત ખેંચી લેવા માટે સરકાર કામગીરી કરી રહી છે. સરકાર ચોક્કસથી કેસો પરત ખેંચી લેશે.