રાજકોટ(Rajkot) : પાટીદાર (Patidar) નેતા ખોડલધામના (KhodalDham) નરેશ પટેલના (Naresh Patel) રાજકારણમાં (Politics) પ્રવેશની લાંબા સમયથી ચાલતી ચર્ચા અને અટકળોનો આખરે આજે અંત આવ્યો છે. ખુદ નરેશ પટેલે જાહેરમાં આવી રાજકારણમાં પ્રવેશ અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ગાંધીનગરથી દિલ્હી સુધી વિવિધ પક્ષોના નેતાઓને મળ્યા બાદ નરેશ પટેલે હાલ રાજકારણમાં નહીં પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો છે.
- રાજકોટમાં ખોડલધામના નરેશ પટેલની પત્રકાર પરિષદમાં જાહેરાત
- હાલ હું રાજકારણમાં નહીં જોડાવ: નરેશ પટેલ
- સમાજના યુવાનો અને મહિલાઓ ઈચ્છે કે રાજકારણમાં પ્રવેશું પરંતુ વડીલોએ ના પાડી
- વડીલોની સલાહનું માન રાખતા નરેશ પટેલે રાજકારણમાં નહીં પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો
છેલ્લાં 6 મહિનાથી પાટીદાર સમાજના અગ્રણી નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિયપણે જોડાશે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જોડે નરેશ પટેલની ગાંધીનગરથી દિલ્હી સુધી મિટીંગો પણ થઈ હતી, પરંતુ આખરે 6 મહિનાથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. આજે કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ હાલ રાજકારણમાં નહીં જોડાય. તેઓનું સંપૂર્ણ ધ્યાન ખોડલધામના પ્રોજેક્ટના ડેવલપમેન્ટ પર જ રહેશે. તે ઉપરાંત પટેલે એવી પણ જાહેરાત કરી હતી કે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ શરૂ કરાશે.
પટેલે કહ્યું કે, સમાજની સલાહને આધારે મેં નિર્ણય લીધો છે. કોરોના કાળમાં મને રાજકારણમાં પ્રવેશવાનો વિચાર આવ્યો હતો. પછી મારે રાજકારણમાં પ્રવેશવું જોઈએ કે નહીં તેનો વિચાર મેં સમાજ સમક્ષ મુકી સરવે કરાવ્યો હતો, જેમાં 50 ટકા યુવાનો અને 80 ટકા મહિલાઓ એવું ઈચ્છતી હતી કે હું રાજકારણમાં સક્રિય થાઉં પરંતુ 100 ટકા વડીલોએ ઈનકાર કર્યો હતો. આ સાથે પટેલે ઉમેર્યું હતું કે તેઓ પર કોઈ રાજકીય દબાણ નથી.
પત્રકાર પરિષદને સંબોધતા નરેશ પટેલે વધુમાં કહ્યું કે હું હાલમાં રાજકારણમાં પ્રવેશને મૌકૂફ રાખું છું. પાટીદાર સમાજના પ્રકલ્પો શિક્ષણ, આરોગ્ય અને ખેતી પર ધ્યાન આપવા માંગું છે. વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખી મેં હાલ રાજકારણમાં નહીં જોડાવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશથી ખોડલધામની અને સમાજની સામાજિક પ્રવૃતિને અસર થઇ શકે તેમ હોય તેમજ રાજકીય પક્ષો સાથે પૂર્વ શરતમાં મેળ નહીં પડ્યો હોવાના લીધે રાજકારણથી અલિપ્ત રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.