Business

પાટીદાર યુવકો સામેના કેસો ઝડપથી પાછા ખેંચાશે : હાર્દિક પટેલ

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે તમામ ચૂંટાયેલા ઉમેદવારોએ ધારાસભ્ય તરીકેના શપથ (Oath) લીધા હતા. વિધાનસભા ખાતે આજે વિરમગામના ભાજપના (BJP) ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકાર દ્વારા પાટીદાર યુવકો સામેના કેસો વહેલી તકે પરત ખેંચાશે, હાર્દિક પટેલે કહ્યું હતું કે મારી ઉપર જ 28 કેસો નોંધાયેલા છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે તાજેતરમાં સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે પાટીદાર યુવકો સામેના કેસો મામલે ચર્ચા થઈ છે. કાયદાની પક્રિયામાં રહી આગળ કાર્યવાહી કરવામાં આવશે. મારી પર હાલમાં ૨૮ કેસ છે.

‘રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે, તે રીતે અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભુમિકા નિભાવીશું.’
એક પ્રશ્નના જવાબમાં પટેલે કહ્યું હતું કે રાજયમાં કેટલીયે બેઠકો પર યુવાઓ ચૂંટાઈને આવ્યા છે, યુવા નેતાગીરી ઊભી કરવાની હોવાથી હું જિન્સ અને શર્ટમાં આવ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેજા હેઠળ આંદોલન શરૂ કર્યું હતું. અનામતની માગ સાથે શરૂ થયેલુ આ આંદોલન કેટલાક ઠેકાણે હિંસક બન્યું હતું. જેના કારણે તે સમયે સરકારે પાટીદારો સામે અનેક ગુના નોંધ્યા હતાં.

Most Popular

To Top