Columns

પતિ છે એટલે તેને શરીરસંબંધનો અધિકાર હોય જ, એવો કોઈ નિયમ નથી

ગુજરાતમાં વિશેષ કરીને 19મી સદીમાં ભદ્રવર્ગીય સ્ત્રીઓ અને છેવાડાની સ્ત્રીઓની સમસ્યા અને પડકારો અલગ અલગ બને છે. સૂક્ષ્મ દૃષ્ટિથી વાસ્તવિક ઉપલા સમાજની બ્રાહ્મણ, વાણિયા, ભદ્રવર્ગની બહેનોનો ઇતિહાસ સ્પષ્ટપણે જુદો રચાયો છે. કારણ તેમની સામાજિક પરિસ્થિતિ નિમ્ન સ્તરીય બહેનો કરતાં જુદી હતી. 19મી સદીમાં બ્રિટિશ રાજ્ય ગુજરાતમાં સ્થિર થતાં સ્ત્રી કેળવણી, છોડીયોની નિશાળોને પ્રોત્સાહન મળ્યું. વિદેશી શાસકોએ સંસ્થાનની ગુલામી પ્રજાના માનસ ઉપર તેઓની ચડિયાતી સંસ્કૃતિની ખાતરી કરાવવા યુક્તિપૂર્વક, આયોજનપૂર્વક અંગ્રેજી કેળવણી દાખલ કરી તેમનો ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય મોટા પાયા ઉપર ઠાલવ્યું.

જેની હકારાત્મક અસરો ભારતીય સમાજ કે ગુજરાતી સમાજ ઉપર ઘણી થઈ. બ્રિટિશ વિચારકોએ પૂર્વાત્યવાદીઓ, ખ્રિસ્તી મિશનરીઓ, બ્રિટિશ ઑફિસરો-ઉપયોગિતાવાદીઓ, ભારતીય સંસ્કૃતિ, ધર્મ, સમાજમાં ઊતરતા સ્ત્રીઓના સ્થાન વિશે આકરી ટીકાઓ કરી. ભારતીય સંસ્કૃતિ પછાત છે. ધર્મ, વહેમ, અંધશ્રદ્ધા અને કુદરતી તત્ત્વોની પૂજા કરનારો છે. 1832માં વિલિયમ બેન્ટિકે જાહેરમાં કહ્યું કે, ‘હિંદની સ્ત્રીઓ દયાને પાત્ર છે. તેમને મદદ કરવી જોઈએ’. અંગ્રેજી કેળવણી પામેલા ભારતીયો પણ સમાજસુધારક તરીકે આગળ આવ્યા.

19મી સદીમાં 1832માં દૂધ પીતીની ચાલ, બાળલગ્નો, સતીપ્રથા ઉપર પ્રતિબંધો મૂકતા કાયદાઓ અંગ્રેજી રાજયે પણ કર્યા પણ આ કાયદાઓ વિશેષ કરીને સમાજની ઉપલા અને મધ્યમવર્ગની સ્ત્રીઓના વર્તુળના પરિઘને જ લાગુ પડતા હતા. બ્રિટિશ રાજ્યનું સ્ત્રીઓની સ્થિતિ અંગે વિરોધાભાસી વલણ હતું, સ્ત્રીઓની ઉધ્ધારની સમસ્યા બ્રિટિશ સરકારે છેડી, બીજી બાજુ દરેક ધર્મના પોતાના કાયદો personal laws ને અનુમોદન આપ્યું. ધર્મશાસ્ત્રોનું કાયદાકીય વર્ચસ્વ રહ્યું. જેમાં પિતૃસત્તા બળવત્તર હતી અને સ્ત્રીઓને મિલ્કત, જમીન ધરાવવાનો અધિકાર ના હતો. વળી અંગ્રેજોએ જ્ઞાતિના કાયદાઓને પણ અનુમોદન આપ્યું. આમ જ્ઞાતિના કાયદાઓ, ધર્મશાસ્ત્રો અને પિતૃસત્તાનું વર્ચસ્વ સ્ત્રી ઉપર સ્થપાતું રહ્યું. અંગ્રેજોએ – 1854 વિધવા પુનઃલગ્નનો કાયદો પસાર કર્યો પરંતુ માર્ગમાં મુશ્કેલીઓ પણ મૂકી. જો વિધવા સ્ત્રી બીજું લગ્ન કરે તો પ્રથમ પતિની મિલ્કતની તે અધિકારી ના બની શકે. તેને તે સાસરા પક્ષને આપી દેવી પડે. વળી પ્રથમ પતિથી થયેલાં બાળકો સસરા પક્ષને સોંપી દેવા પડે. તેમની સારસંભાળ કે સ્વીકૃતિ ના કરી શકે, વિધવા વિવાહનો કાયદો પસાર કરવામાં અંગ્રેજો પોતાના દેશના રીતરિવાજને અનુસર્યા.

ભદ્રવર્ગના કુટુંબોમાં 85% વિધવા ઉપર બળાત્કાર કુટુંબીજનો, સસરા, જેઠ, દિયર, નણદોઈ કરતા. ઘણી વિધવા ગેરકાયદેસર ગર્ભધારણ કરતી. કુટુંબીજનો આબરૂ બચાવવા વિધવાને કૂવો-હવાડો કરવાની ફરજ પાડતા. ઘણા કિસ્સામાં વિધવા રાત્રે છૂપી રીતે ગેરકાયદેસર બાળકને જન્મ આપી મારી નાંખતી. 1880માં મુંબઈ પ્રાંતમાં 881 વિધવાના કેસો ગેરકાયદેસર બાળકને મારવાના નોંધાયા. બ્રિટિશ સરકારે ખ્રિસ્તી કાયદા લાગુ પાડી આને ખૂનનો ગુનો ગણ્યો અને આ વિધવાને મૃત્યુદંડ ફટકાર્યો પરંતુ પાછળથી 152 વિધવાને આજીવન કેદની સજા થઈ. 18 વિધવાને ફાંસી અપાઈ. છેવાડાની સ્ત્રીઓ ભદ્રવર્ગની સ્ત્રીઓની સમસ્યાથી પર હતી?

સામાન્ય રીતે એમ મનાય છે કે નિમ્ન સ્તરીય મહિલાઓ – કોળી, વાઘરી, ભીલ જાતિની આદિવાસી સ્ત્રીઓ મિલોમાં, ફેક્ટરીઓમાં કામ કરતી મજૂર સ્ત્રીઓ, દલિત બહેનો, સફાઈ કામદારો તેમના સાંસારિક, આંતરિક જીવનમાં ઘણી સ્વતંત્રતા અનુભવે છે. વિધવાની કાળી કોટડી, કાળા વસ્ત્રો, સ્ત્રીપ્રથા, દૂધ પીતીની ચાલ, દહેજ પ્રથા, બધા કુરિવાજો બંધનોથી પર છે. એમ પણ કહેવાય છે જેમ જ્ઞાતિ ઊંચી તેમ બંધનોની જાળ વધારે – Higher the caste higher the taboos. એમ પણ મનાય છે કે આદિવાસી, દલિતો છોકરાછોકરી પોતાની જાતે લગ્ન કરી શકે.

નાસી જઈને પણ કરી શકે, નાતરું પણ વિધવા થયા પછી કરી શકે. તેના પ્રથમ પતિથી થયેલા બાળકોને લઈને બીજા પતિને ઘરે લઈ જઈ શકે. દિયરવટું એટલે દિયર સાથે પરણી શકે. ગરીબાઈ, ટાંચા સાધનો વચ્ચે દહેજનું દૂષણ ક્યાંથી હોઈ શકે? આ બાબતો સાચી હોવા છતાં વાસ્તવિક્તા જુદું ચિત્ર રજૂ કરે છે. આ ખ્યાલો ભ્રામક, રોમેન્ટિક અને Rhetoric – પંડિતાઈયુક્ત લાગે. શિક્ષણનો અભાવ, ગ્રામીણ જીવન, બેકારી, બેરોજગારી, ગરીબાઈ, રહેવા માટે, ખાવા-પીવા માટે, અતિશય ટાંચા સાધનો એ આ પ્રજાની વાસ્તવિક્તા છે અને હતી. ઉપલા વર્ગના શોષણનો ભોગ આ મહિલાઓ વર્ષોથી વેઠતી આવે છે.

કચડાયેલા સમાજની મહિલાઓ વિશે એમ પણ કહેવાય છે કે કોર્ટ-કચેરી, સરકારી કાયદા તેમને કઈ રીતે લાગુ પાડી શકાય? તેઓ પાસે એટલા પૈસા કે જ્ઞાન નથી કે વકીલો રોકી શકે, ન્યાય મેળવવા કોર્ટ-કચેરીનો આશરો લઈ શકે પરંતુ બ્રિટિશયુગમાં આ સમાજની મહિલાઓ પણ તેમની જ્ઞાતિની પંચાયતો, પિતૃસત્તાનો ભોગ બનેલી, અંગ્રેજોએ એ ભદ્રસમાજની કોમોને ધાર્મિક કાયદાઓ અને personal laws, અંગત કાયદાઓ અમલ કરવાની છૂટ આપી તેમ આ નિમ્ન સ્તરીય મહિલાઓના સમાજ ઉપર પણ તેમની જ્ઞાતિના પંચાયતના કાયદાઓને અનુમોદન આપ્યું. 19મી સદીમાં સુરતની સદર દિવાની અદાલતમાં કોળી, વાઘરી, સુથાર કોમની સ્ત્રીઓ ઉપર બ્રિટિશ જજે Bombay Regulation Act of 1827, Section 21 પ્રમાણે સ્ત્રીએ નાતરું કર્યું હોય, બીજા લગ્નથી બાળક પણ થયું હોય તો પણ પ્રથમ પતિને ત્યાં જવાની અદાલતે ફરજ પાડી હોય તેવા અનેક દાખલા નોંધાયા હતા.

તેવી જ રીતે બ્રિટિશ સરકારે 1872માં નેટિવ મેરેજ એક્ટ ત્રણ પસાર કર્યા હતા. તેની પહેલાં 1860 પિનલ કોડ, સેક્શન 360ની કલમ અનુસાર પત્ની 10 વર્ષની હોય તો પણ પતિને પત્ની સાથે શારીરિક સંબંધનો અધિકાર આપ્યો. Restitution of Congugal Right કહેવાયો. 1877માં પૂનામાં સુથાર કોમની ભણેલીગણેલી રૂકમાબાઈનો કિસ્સો બન્યો. આખા દેશને આ કિસ્સાએ હચમચાવી મૂક્યો. બાળલગ્નનો ભોગ બનેલી રૂકમાબાઈનો પતિ અભણ અને કોઈ પણ જાતનું કૌશલ્ય ધરાવતો ના હતો. પતિએ અદાલતમાં ધા નાખી, રૂકમાબાઈ સાથે શારીરિક સંબંધનો અધિકાર માંગ્યો. અદાલતે રૂકમાબાઈને પતિને ત્યાં જવાની ફરજ પાડી. રૂકમાબાઈ એકની બે ના થઈ. જેલ ગઈ પણ અદાલતના હુકમને અવગણ્યો. સમાજસુધારકોએ ખૂબ ઊહાપોહ કર્યો. રાણી વિક્ટોરિયાએ પણ દરમિયાનગીરી કરવી પડી. અદાલતે રૂકમાબાઈ ઉપરનો હુકમ પાછો ખેંચ્યો.
– શિરીન મહેતા

Most Popular

To Top