Gujarat

પાટણ હાઈવે પર ત્રણ ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, ડ્રાયવર-કંડક્ટરનું ચકદાઈ જતા મોત

પાટણ: (Patan) પાટણના સાંતલપુર-પીપરાળા હાઇવે (Hiighway) માર્ગ નંબર 27 પર સોમવારે સવારે મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. પીપરાળા નજીક હાઇવે પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ભયંકર હતો કે નજરે જોનારા ધ્રૂજી ઉઠ્યા હતા. પૂરઝડપે જતી ટ્રકના ચાલકે અચાનક રસ્તા વચ્ચે બ્રેક મારતાં પાછળ આવતી અન્ય બે ટ્રક આગળની ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં છેલ્લી ટ્રકના ડ્રાઇવર (Driver) અને કંડક્ટર ખરાબ રીતે ચગદાઇ ગયા હતા. આ ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય ટ્રકના ફૂરચેફૂરચા ઉડી ગયા હતાં. ક્રેનની મદદથી ટ્રેકોને છૂટી કરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા ગામ નજીક સોમવારે વહેલી સવારે એક ટ્રકના ડ્રાઇવરે માર્ગની વચ્ચે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બે ટ્રક અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરથી હતી કે ત્રણેય ટ્રકો એકબીજામાં ઘૂસી ગઈ હતી. આ અથડામણમાં છેલ્લી ટ્રકના ડ્રાઇવર-કંડક્ટરનાં મોત થયા હતા. ટ્રકમાં ફસાયેલા મૃતદેહોને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ટ્રક કચ્છ તરફથી આવી રહી હતી. જ્યારે વચ્ચેની ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર ગંભીર રીતે ઇજગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

જણાવી દઈએ કે ગત મહિને જ રાધનપુર-વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં તેમજ 11 લોકો ઘાયલ થયા હતા. આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી સ્થાનિકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી પીપળીની અકસ્માતની ઘટના બાદ સ્થાનિક નાગરિકોએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

Most Popular

To Top