દિવાળી, છઠ્ઠપૂજા તેમજ બિહાર વિધાનસભા ચૂંટણીના પગલે સુરતથી યુપી-બિહાર જવા ભારે ધસારો છે. છેલ્લાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી લાખો શ્રમિકો વતન જઈ રહ્યાં છે, તેના લીધે ટ્રેનોમાં ભારે ધસારો છે. પેસેન્જરોના ધસારાના પગલે રેલવે વિભાગે તમામ સુવિધા કરી હોવાનો દાવો કર્યો છે પરંતુ હકીકત અલગ છે. સુરતના સ્ટેશનો પર ટ્રેન પકડવા માટે મુસાફરોએ 14 કલાક લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. સ્ટેશન પર પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી.
રેલવે વિભાગે મુસાફરો માટે પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવ્યો છે પરંતુ હાઉસફુલ થઈ જતાં પેસેન્જર ખુલ્લામાં રસ્તા પર બેસી રાહ જોવા મજબૂર બન્યા છે.
સ્ટેશનની બહાર લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે. મુસાફરોને બેસવાની જગ્યા પણ મળતી નથી. યાત્રીઓની ફરિયાદ છે કે ટ્રેન આવે છે અને જાય છે, પરંતુ તેઓ એકની એક જગ્યા પર બેઠાં રહી જાય છે. જેથી યાત્રીઓમાં હતાશાનો માહોલ છે. હજારો મુસાફરો બાળકો, મહિલાઓ સાથે હેરાન થઈ રહ્યાં છે. શૌચાલયનો પણ અભાવ હોય હજારો મુસાફરો રસ્તા પર રઝળવા મજબૂર બન્યા છે. લાઈન છોડી દે તો તેમની જગ્યા જતી રહેશે તેમ માનીને લાઈનમાં જ ભૂખ્યા-તરસ્યા બેસી રહે છે.
રેલવે વિભાગના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભયસિંહ ચૌહાણે કહ્યું કે, યાત્રીઓની સુવિધા માટે પંખા, પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે ભીડ વધારે હોવાથી તકલીફ પડી રહી છે. છતાં મેનેજમેન્ટ કરવા પ્રયાસ થઈ રહ્યાં છે. વધુમાં ઉત્તર ભારત તરફની રોજ સ્પેશ્યિલ 8 ટ્રેન દોડાવવામાં આવી રહી છે. હોલ્ડિંગ એરિયાની બહારની ભીડને એક-એક કરીને અંદર મોકલવામાં આવે છે.