Comments

ફી ભરે એને પાસ કરો – કયાં સુધી ચાલશે?

માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ બેઝ પ્રમોશન અપાયું. હવે ૨૦૨૦ માં તો શિક્ષણ જ થયું નહીં માટે માસ પ્રમોશન કે જે મેરીટ બેજ પ્રમોશનના નામે ચલાવવું પડે તેવી હાલત આવ્યું. આપણે ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં માસ પ્રમોશન અપાયુ તેની વ્યાપક ચર્ચાઓ – લેખો કર્યા પણ આ છેલ્લા બે વર્ષમાં બાકીના તમામ વર્ગોમાં તો માસ પ્રમોશન જ અપાયા છે. વગર શિક્ષણે આગળ જવાની આ બાબતને ‘ધકેલ પંચા દોઢસો’ કહેવામાં આવે છે.
આમ તો સરકારનું શિક્ષણખાતુ નાના ધોરણથી કોલેજ સુધીના તમામ વર્ગોમાં મેરીટબેઝ પ્રમોશનના વિગતવાર નિયમો બનાવે છે. પણ મોટા પ્રમાણમાં ખૂલી ગયેલી ખાનગી શાળા અને કોલેજોમાં ‘ફી ભરો અને પાસ થાવ’નો એક લીટીનો કાર્યક્રમ ચાલે છે અને કોરોના ન હોય તો પણ આ ખાનગી શિક્ષણની દુકાનોમાં ફી ભરનાર કોઇ નપાસ થતું નથી. એટલે આપણી આવનારી પેઢીના શિક્ષણ અને કેળવણીની ચિંતા કરનારા સૌએ આ વર્ષના માસ પ્રમોશનની ચિંતા કરવાના બદલે વગર ભણ્યે આગળ ધકેલવાના આ કાયમી કાર્યક્રમની ચિંતા કરવાની છે.

reopens schools

શિક્ષણ જગતના વાસ્તવિક અનુભવમાં અનેકવાર એવું જોયું છે જયાં વિદ્યાર્થીના માતા-પિતા સામેથી જ કહેતા હોય છે કે ‘સાહેબ! બાબાએ કાચુ પાતળુ લખ્યું હોય તો પાસ કરી દેજો… અને સાથે સાથે શાળા – બોર્ડ કે કોલેજની પરીક્ષાના સત્તાવાળા પણ કહેતા સાંભર્ળ્યા છે કે ‘છોકરાએ લખ્યું હોય તો માકર્સ આપજો….. પાર્સીંગમાં તો પહોંચાડજો જ! કયાંયથી એવું સાંભળવા નથી મળ્યું કે સાહેબ મારો બાબો ભલે આ વર્ષે પાંચમામાં રહે પણ એને બે વાકયો સીધા લખતો ન થાય ત્યાં સુધી પાસ ન કરશો. એને નવ નો ઘડીયો જ નથી આવડતો તો આગળ જઇને શું કરશે?

હાલ ચારે બાજુ આરોગ્યની કટોકટી છે. આપણને ભૌતિક અને જોઇ – અનુભવી શકાય તેવી સમસ્યાઓ દેખાય છે. પણ શિક્ષણમાં જે કેળવણીનો વિનિપાત થયો છે તે દેખાતો નથી. સરકાર, શાળા સંચાલકો તો જવાબદાર છે જ પણ વાલી તરીકે આપણે પણ આપણાં બાળકને ભણાવવાની જવાબદારી લેવી પડશે. આ લેખમાળામાં આપણે અગાઉ પણ લખ્યું છે કે બીજું કાંઇ નહીં તો ભાષા, વિજ્ઞાન અને ગણિત આ ત્રણ પાયાની બાબતો છે જે બાળકને ઘરે જ ભણાવી શકાય છે. ઘરના કોઇપણ ભણેલા વડીલ રોજ કલાક સાથે બેસીને બાળકને ભણાવે! પોળ – સોસાયટીના હોંશિયાર યુવાનો પોતાના પોળ – સોસાયટીના બાળકોને ગણિત – વિજ્ઞાન પાકુ કરાવે. જેમ આપણે મેડીકલમાં ફળો વહેંચીએ છીએ, ટીફીન પહોંચાડીએ છીએ. તેવી જ રીતે ટીમ બનાવી આપણી નજીકના બાળકોને ભણાવીએ. તો જ આવનારી પેઢીનો પાયો પાકો થશે. પરીક્ષા અને પરિણામ બહુ અગત્યના નથી. જો શિક્ષણની જ સદંતર ઊપેક્ષા થાય.

યાદ રહે આદર્શની ગમે તેટલી વાતો કરીએ પણ ખાનગી શાળા કોલેજો નફાના હેતુ માટે ખૂલી છે. એમનું પ્રથમ લક્ષ્ય ફી છે. જો આપણે શિક્ષણ કે કેળવણી મેળવ્યા વગર જ માત્ર ફી ભરીને પાસનું પ્રમાણપત્ર મેળવવા માંગીએ તો એ લોકો તો આપશે જ! એમને શું વાંધો હોય! કોઇ દુકાનદારને તમે એમ કહો કે ભાઇ તુ મને તેલ, ગોળ – ઘી – ખાંડ – સાબુ ખરીદયાનું બીલ આપ, હું તને પૈસા આપું. અને માલ નહિં આપે તો ચાલશે! તો દુકાનદારને શું વાંધો હોય! માટે સમજો – માત્ર બીલ ન માંગો… માલ પણ મેળવો… બાળકના શિક્ષણની ચિંતા કરો. એ સ્કુલમાં ન જાય તો પણ ભણી જ શકે એ વિકલ્પ વિચારો. ઘરે જ નાની – નાની પ્રવૃત્તિઓ, તેમાં રહેલું વિજ્ઞાન, તર્ક સમજાવો. રમત – ચિત્ર – સિવણકામ જેવી પ્રવૃત્તિ માથે રહીને કરાવો. શિક્ષણ હોય કે મનોરંજન કે રમત – ગમત બધું જ મોબાઇલને આધીન ન બનાવો!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top