નવી દિલ્હી(New Delhi) : સંસદની (Parliament) સુરક્ષામાં (Security) મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. અહીં લોકસભાની (LokSabha) કાર્યવાહી દરમિયાન એક યુવકે ગૃહમાં પ્રવેશ કર્યો. લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદયા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે રંગીન ગેસ ફેલાયો હતો. સાંસદોએ તેને પકડી લીધો અને સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા હતા. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ચોક્કસપણે સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 માં તેમના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ.
સાંસદ દાનિશ અલીએ (MP Danish Ali) કહ્યું કે બંને લોકો મૈસુરના બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના (BJP MP Pratap Sinha) નામે લોકસભા વિઝિટર પાસ દ્વારા આવ્યા હતા.
સંસદમાં પ્રવેશનારા કોણ હતા?
આજે તા. 13 ડિસેમ્બરના રોજ સંસદમાં ગૃહની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને કલર સ્મોક ફેંકનારા બે આરોપી પકડાઈ ગયા છે. તેઓ પાસેથી કલર સ્મોક મળી આવ્યા છે. તેઓનો ઈરાદો વિરોધ પ્રદર્શિત કરવાનો હતો. બંને જણા કલર સ્મોક ફેંકી ભાગી ગયા હતા. પોલીસે બંનેને ટ્રાન્સપોર્ટ ભવન સામેથી ઝડપી લીધા હતા. બંનેની ઓળખ થઈ ચૂકી છે. હિસારની એક 42 વર્ષીય મહિલા છે. તેનું નામ નિલમ કૌર સિંઘ છે, જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે. તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે.
એક કલાક બાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ
આ ઘટના બપોરે 1 વાગ્યે બની હતી. એક કલાક પછી ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, સંસદમાં જે ઘટના બની તે દરેકની ચિંતાનો વિષય છે. તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસને તપાસના આદેશ સોંપાયા છે. પ્રારંભિક તપાસમાં સામાન્ય ધુમાડો દેખાયો હતો. વિસ્તૃત તપાસ બાદ વધુ વિગતો જાણવા મળશે. બંને આરોપીઓ પકડાઈ ગયા છે. તેમની પાસેથી વાંધાજનક ચીજો જપ્ત કરાઈ છે. ગૃહની બહાર પણ બે લોકોની ધરપકડ કરાઈ છે.