GANDHINAGAR : આજે ગુજરાત ( GUJARAT ) ના માથે અંદાજે રૂપિયા ૩ લાખ કરોડનું દેવું છે. ગુજરાતની તિજોરી ખાલી ખમ છે, છતાં ભાજપ ( BJP) અડીખમ છે. કોરોનાકાળમાં ઉદ્યોગો, ફેક્ટરી, કારખાનાઓ બંધ થઈ ગયા હોવાથી યુવાનોની નોકરીઓ જતી રહી, પેટ્રોલ-ડીઝલ રાંધણગેસના ભાવમાં બેફામ વધારો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બની છે. અસહ્ય મોંઘવારી, ભાવ વધારાને પરિણામે વીજળી બિલ અને આરોગ્યની સારવારમાં રાહત, મફત શિક્ષણ આપવું જોઈએ. કોંગ્રેસ પક્ષની અનેક માંગણીઓ છતાં ભાજપે એક પણ માગણીનો સ્વીકાર કર્યો નથી, તેવું ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના નિવેદન પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ( PARESH DHANANI) એ જણાવ્યું હતું.
પરેશ ધાણાનીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપના શાસનમાં મધ્યમ, સામાન્ય અને ગરીબ જનતાને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાની વચ્ચે ઊભો હતો અને લોકશાહીને બચાવવા લડાઈ લડી રહ્યો હતો. સરદારના સંસ્કારોથી સિંચાયેલી ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ઊંચાઈ વિરુદ્ધ નથી, પણ વાસ્તવમાં અમે યુનિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે લડી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી લડાઈ સત્તા માટેની નહીં, પરંતુ વ્યવસ્થા પરિવર્તનની હતી. પાટલી બદલાવવાની નહીં, પરંતુ પરિસ્થિતિ બદલાવાની હતી. લડાઈ માન-સન્માનની નહીં, પરંતુ સામાન્ય માણસના મતનું મૂલ્ય જાળવવાની હતી. કમનસીબે કોંગ્રેસ પક્ષની સમસ્યાઓને હરાવવામાં તથા ભાજપ સરકારના અહંકારને ઓગાળવામાં કોંગ્રેસ પક્ષ નિષ્ફળ નિવડ્યો તેનો ખૂબ અફસોસ છે